ભુજ: કચ્છ જિલ્લામાં ગેરકાયદે કેફી પદાર્થોની હેરફેર અને આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક સામેની તપાસનો ગંજ વધુ વ્યાપક બન્યો છે. મહારાષ્ટ્ર રાજ્યમાં નોંધાયેલા નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળના ગંભીર ગુનાની ઊંડાણપૂર્વકની તપાસમાં સંડોવણી સપાટી પર આવતાં મહારાષ્ટ્ર પોલીસે સ્થાનિક ઓપરેશન પાર પાડીને માંડવીના એક શખસની મુન્દ્રા નજીકથી નાટ્યાત્મક રીતે અટકાયત કરી છે.
મળતી વિગતો મુજબ, મહારાષ્ટ્રના મીરા-ભાઈંદર અને વસઈ-વિરાર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં કેફી પદાર્થોના ખરીદ-વેચાણ અંગે એક ગુનો દાખલ થયો હતો. આ કેસની તપાસ કરી રહેલી સ્થાનિક ગુના શોધક શાખાની ટુકડીને ટેકનિકલ એનાલિસિસ અને ગુપ્ત બાતમીદારો મારફતે જાણવા મળ્યું હતું કે આ ગુનાના તાર કચ્છના માંડવી સાથે જોડાયેલા છે. મહારાષ્ટ્રમાં નોંધાયેલા આ પ્રકરણમાં આઝાદ ચોક વિસ્તારમાં આવેલી વલ્લભવાડી પાછળ રહેતા ધવલપુરી શંકરપુરી ગોસ્વામી નામના શખસની મુખ્ય ભૂમિકા ખુલી હતી.
આ ચોક્કસ બાતમીના આધારે મહારાષ્ટ્ર એલસીબીની વિશેષ ટુકડીએ કચ્છમાં ધામા નાખ્યા હતા અને સ્થાનિક તપાસ તંત્ર સાથે જરૂરી સંકલન સાધીને આરોપીની હિલચાલ પર સતત વોચ ગોઠવી હતી. દરમિયાન, આરોપી મુન્દ્રા નજીક હોવાની પાકી માહિતી મળતાં જ મહારાષ્ટ્ર પોલીસે તેને મુંદરા નજીકના વિસ્તારમાંથી કોર્ડન કરીને ઝડપી લીધો હતો.
ધરપકડ બાદ મહારાષ્ટ્ર પોલીસ ટીમ આરોપી ધવલપુરીને વધુ પૂછપરછ તથા કાયદાકીય પ્રક્રિયા અર્થે મહારાષ્ટ્ર ખાતે લઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અને પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈઓ મુજબ પોલીસે આરોપીના પરિવારજનોને તેની અટકાયત અંગે વિધિવત લેખિત જાણ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર પોલીસ હવે આરોપીના ટ્રાન્સિટ રિમાન્ડ મેળવીને તેની ઊંડી પૂછપરછ હાથ ધરશે, જેમાં કચ્છ કે મુન્દ્રા પોર્ટ વિસ્તારમાંથી અન્ય કોઈ વ્યક્તિ કે સ્થાનિક સિન્ડિકેટ આ આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કમાં સંડોવાયેલી છે કે કેમ તે અંગે મહત્વના વિસ્ફોટક ખુલાસાઓ થવાની શક્યતા સેવાઈ રહી છે.
(ઉત્સવ વૈદ્ય)