Wed Sep 09 2026

Logo

મહારાષ્ટ્રમાં પેપર લીક રોકવા SOP તૈયાર કરવા સરકારનો નિર્દેશ, કુલપતિઓને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધવા આદેશ

2026-08-11 21:26:26
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્રમાં પેપર લીક રોકવા SOP તૈયાર કરવા સરકારનો નિર્દેશ, કુલપતિઓને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધવા આદેશ

મુંબઈઃ રાજ્યની જાહેર યુનિવર્સિટીઓમાં પરીક્ષાઓની પારદર્શિતા જાળવવા અને પ્રશ્નપત્ર લીક થવાની ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે. મહારાષ્ટ્રના ઉચ્ચ અને તકનીકી શિક્ષણ પ્રધાન ચંદ્રકાંત પાટીલે આજે તેમના વિભાગને પ્રશ્નપત્ર લીક થવાની ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે 'સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ' (એસઓપી) તૈયાર કરીને પ્રકાશિત કરવાનો તેમ જ આ ગેરરીતિને રોકવા માટે અધિકારીઓ અને કર્મચારીઓની જવાબદારી નક્કી કરવાનો નિર્દેશ આપ્યો હતો. 

તેમણે રાજ્યની જાહેર યુનિવર્સિટીઓના કુલપતિ અને સહ-કુલપતિઓને વિદ્યાર્થીઓ સાથે સાપ્તાહિક સંવાદ સાધવા અને તેમની શૈક્ષણિક તેમ જ અન્ય ફરિયાદોનું ત્વરિત નિરાકરણ લાવવા પણ નિર્દેશ આપ્યો હતો.

જાહેર યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથેની ઓનલાઇન બેઠકમાં પાટીલે રાજ્યની તમામ જાહેર યુનિવર્સિટીઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી)ના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭થી એકસમાન શૈક્ષણિક સમયપત્રક અપનાવવા અને સમયપત્રક એક અઠવાડિયાની અંદર નક્કી કરીને તેનો અમલ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.

પ્રધાને યુનિવર્સિટીઓને વર્ષ ૨૦૨૬-૨૭ અને ૨૦૨૭-૨૮ના શૈક્ષણિક વર્ષોથી ચોથા વર્ષના ઓનર્સ ડિગ્રી પ્રોગ્રામના અસરકારક અમલીકરણ માટે શૈક્ષણિક માળખું તૈયાર કરવાનો પણ નિર્દેશ આપ્યો. 

પાટીલે રાજ્ય માટે વ્યાપક અને ગુણવત્તાયુક્ત 'ક્લસ્ટર કોર્સ' તૈયાર કરવાના હેતુથી, મુંબઈ યુનિવર્સિટી અને અન્ય યુનિવર્સિટીઓ દ્વારા વિકસાવવામાં આવેલા ક્લસ્ટર કોર્સનો વિગતવાર અભ્યાસ કરવાની પણ હિમાયત કરી હતી. નીટ-યુજી પરીક્ષાના પેપર લીક થવાને મુદ્દે દિલ્હીમાં 'કોકરોચ જનતા પાર્ટી' ના નેતૃત્વમાં થયેલા વિરોધ પ્રદર્શનો બાદ તેમના આ નિર્દેશો આવ્યા છે.