Tue Oct 06 2026

Logo

મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ દુષ્કાળ જાહેર કરવાની વિપક્ષોએ કરી માગણી

2026-09-27 15:12:49
Author: Pooja Shah
મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ દુષ્કાળ જાહેર કરવાની વિપક્ષોએ કરી માગણી

અમદાવાદઃ મહારાષ્ટ્ર સરકારે 265 તાલુકામાં દુષ્કાળ જાહેર કર્યો છે ત્યારે ગુજરાતના પણ ઘણા તાલુકામાં વરસાદની ઘટ છે અને ખેડૂતો નુકસાની વેઠી રહ્યા છે. આવા સંજોગોમાં વિપક્ષ દ્વારા ગુજરાતમાં પણ સરકાર દુષ્કાળ જાહેર કરી ખેડૂતોની મદદે તેવી માગણી કરવામાં આવી છે.કૉંગ્રેસે આ માટે દસ મુદ્દા રજૂ કર્યા છે જેમાં પક્ષના કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકાર “વેઈટ એન્ડ વોચ” નીતિ અપનાવી રહી છે, જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ તેમજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટા વિસ્તારોમાં ખેડૂતો પાક નિષ્ફળતા, ઘાસચારાની અછત અને આવનારી રવિ સિઝનની ચિંતા સામે ઝઝૂમી રહ્યા છે.

વરસાદની ઘટવાળા તમામ જિલ્લા અને આશરે ૧૨૦ તાલુકાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. દેવભૂમિ દ્વારકામાં વરસાદની ઘટ સૌથી ગંભીર છે; પોરબંદર અને જામનગરમાં પણ ભારે અછત છે. વૈજ્ઞાનિક સર્વે પછી થઈ શકે, પણ મગફળી અને કપાસના પાક સુકાઈ રહ્યા હોય ત્યારે ખેડૂતો રાહ ન જોઈ શકે.  ચાલુ વર્ષની પાક લોન પૂરેપૂરી માફ કરો.  દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોના વીજબિલ અને ફિક્સ્ડ ચાર્જ માફ કરો અને જ્યાં ભૂગર્ભ કે નહેરનું પાણી બચ્યું હોય ત્યાં સિંચાઈ માટે ૧૨ કલાક વીજળી આપો.  

પાક નુકસાનીનું તાત્કાલિક અને પૂરતું વળતર જાહેર કરો,  ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના તાત્કાલિક ફરી શરૂ કરો. અસરગ્રસ્ત ગામોમાંથી ૭ કિલોમીટરની અંદર ઘાસચારા વિતરણ કેન્દ્રો અને પશુશાળા, ગૌશાળા ખોલો. સૌની, સુજલામ સુફલામ અને અન્ય લિંક્સ દ્વારા નર્મદાનું પાણી તાત્કાલિક છોડો અને સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના ડેમ-તળાવો ભરો, વરસાદની ઘટવાળા ગામોમાં મોટા પાયે રાહત કામો અને મનરેગા હેઠળ રોજગાર શરૂ કરો,જેથી ખેતમજૂરો અને નાના ખેડૂતોને રવિ સિઝન પહેલાં હાથમાં રોકડ મળે. વેઈટ એન્ડ વોચ નીતિ બંધ કરો. મુખ્ય પ્રધાન દ્વારકા, પોરબંદર,  જામનગર અને કચ્છના ખેતરોમાં જઈને ખેડૂતોની પીડા જોવી જોઈએ.  

રવિ સિઝન માટે સંપૂર્ણ પેકેજ હમણાં જ આપો સબસિડીવાળા બિયારણ, ખાતર, ડીઝલ અને ધિરાણ જેથી જે ખેડૂતોનો ખરીફ નાશ પામ્યો છે તેઓ આગામી સિઝનમાં જમીન પડતર ન છોડે. આ સહાય વગર એક નિષ્ફળ ચોમાસું બે વર્ષની વિપત્તિ બની જશે.જ્યારે આમ આદમી પાર્ટીએ પણ આ માગણી કરતા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ઉત્તર ગુજરાત, કચ્છ સહિતના અનેક વિસ્તારમાં ખેડૂતો ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

વરસાદ પડ્યો હોવા છતાં અનેક વિસ્તારોમાં મગફળી સહિતના પાકને નુકસાન થયું છે અને ખેડૂતોની મહેનત તથા મૂડી બંને જોખમમાં મુકાઈ છે. એક તરફ મહારાષ્ટ્ર સરકારે દુષ્કાળગ્રસ્ત વિસ્તાર અંગે નિર્ણય લઈ ખેડૂતોને રાહત આપવાની પ્રક્રિયા શરૂ કરી છે, ત્યારે ગુજરાતના ખેડૂતો પણ સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. સવાલ એ છે કે મહારાષ્ટ્ર સરકારે દુષ્કાળ જાહેર કર્યો, તો ગુજરાત સરકાર ક્યારે જાહેર કરશે? અમારી માંગ છે કે ગુજરાત સરકારે રાજકીય વિલંબ કર્યા વિના અસરગ્રસ્ત વિસ્તારોનો તાત્કાલિક સર્વે કરાવી વાસ્તવિક પરિસ્થિતિના આધારે દુષ્કાળ જાહેર કરવો જોઈએ.