વિઠ્ઠલ વઘાસિયા
માનવજીવનમાં `સંભવ' અને `અસંભવ' બે એવા દ્વંદ્વ છે, જે આપણા વિચાર, શ્રદ્ધા અને પ્રયત્નોની દિશા નક્કી કરે છે. જીવનના દરેક તબક્કે માણસ સામે અનેક પરિસ્થિતિ ઊભી થાય છે - કેટલીક સરળ લાગે છે, તો કેટલીક અશક્ય જેવી, પરંતુ ખરેખર શું કંઈ અસંભવ છે? કે પછી અસંભવ એ માત્ર માનવીય મર્યાદિત વિચારનો પડછાયો છે? આ પ્રશ્નો માનવ ઈતિહાસથી આજ સુધી ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે.
સંભવ એટલે જે કરી શકાય તેવું, જે પ્રાપ્ત કરી શકાય, જે માનવીની ક્ષમતા અને પ્રયત્નની પરિધિમાં આવે તે...જ્યારે અસંભવ એટલે જે શક્ય ન લાગે, જેની કલ્પના પણ કરવી મુશ્કેલ લાગે, પરંતુ સમય, જ્ઞાન અને આત્મવિશ્વાસ સાથે અસંભવ પણ સંભવ બનતું જોવા મળે છે. એક સમયે પૃથ્વી ગોળ છે એવી માન્યતા અસંભવ લાગતી હતી. આજે તે વૈજ્ઞાનિક સત્ય છે. આકાશમાં ઉડાન ભરવી, ચંદ્ર પર માનવ પગ મૂકવો, કે એકબીજા સાથે ક્ષણમાં સંવાદ કરવો - આ બધું ક્યારેક અસંભવ ગણાતું હતું.
અસંભવનું મૂળ માનવીના મનમાં છુપાયેલું હોય છે. માણસ પોતાની ક્ષમતાનું મૂલ્યાંકન ઘણી વખત ભય, નિષ્ફળતાના અનુભવ અને સમાજની મર્યાદાઓના આધારે કરે છે. `આ મારી શક્તિ બહાર છે', `આ મારા માટે નથી', `આ તો થઈ જ ન શકે' - આવી માન્યતા માણસને આગળ વધતો અટકાવે છે. `અસંભવ' શબ્દ ઘણી વખત પ્રયત્ન પહેલાં જ હાર સ્વીકારવાનું સાધન બની જાય છે. જ્યારે સંભવમાં વિશ્વાસથી માણસને ઊભા થવાની, પ્રયાસ કરવાની અને સતત આગળ વધવાની પ્રેરણા આપે છે.
સંભવ બનાવવા માટે પ્રથમ આવશ્યક છે દૃઢ સંકલ્પ. સંકલ્પ એ એવી આંતરિક શક્તિ છે, જે માણસને અનેક અવરોધો સામે પણ અડગ રાખે છે. જે વ્યક્તિ પોતાના લક્ષ્યને સ્પષ્ટ જોઈ શકે છે, તે માટે માર્ગ ધીમે ધીમે ખુલતો જાય છે. ઈતિહાસ સાક્ષી છે કે મહાન વૈજ્ઞાનિકો, સમાજ સુધારકો, કવિઓ અને નેતાઓએ શરૂઆતમાં અશક્ય લાગતાં સપનાં જોયાં હતાં, પરંતુ તેમના અડગ વિશ્વાસે તેને સંભવ બનાવ્યા.
પ્રયત્ન અને પરિશ્રમ સંભવના મજબૂત પાયા છે. કોઈ પણ સફળતા એક દિવસમાં મળતી નથી. સતત પ્રયાસ, શીખવાની તૈયારી અને ભૂલોમાંથી પાઠ લેવાની ભાવના માણસને આગળ ધપાવે છે. ઘણી વખત માણસ એકાદ નિષ્ફળ પ્રયાસ પછી અસંભવનો નિર્ણય કરી લે છે, જ્યારે વાસ્તવમાં તે તો સફળતાની નજીક જ હોય છે, પરંતુ તેમનામાં ધીરજ નથી હોતી. અસંભવ દેખાતી પરિસ્થિતિઓ ધીરજ અને શ્રમથી ધીમે ધીમે સરળ બનતી જાય છે.
શિક્ષણ અને જ્ઞાન પણ સંભવને વિસ્તૃત કરે છે. અજ્ઞાન માણસ માટે અનેક બાબતો અસંભવ લાગે છે, જ્યારે જ્ઞાન મળતાં જ તે સંભવ બની જાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસે માનવજીવનમાં અસંભવની સીમાઓ સતત નાની કરી છે. આજે જે અશક્ય લાગે છે, તે આવતીકાલે સામાન્ય બની શકે છે. આથી જ કહેવાય છે કે જ્ઞાન માનવને શક્તિશાળી બનાવે છે.
જોકે અહીં એક મહત્ત્વનો મુદ્દો એ છે કે સંભવ અને અસંભવ વચ્ચે સંતુલન જરૂરી છે. દરેક ઈચ્છા તાત્કાલિક પૂરી થાય એ શક્ય નથી. સમય, સંજોગો અને ક્ષમતાનું યોગ્ય મૂલ્યાંકન જરૂરી છે. અંધ આત્મવિશ્વાસ માણસને ખોટી દિશામાં લઈ જઈ શકે છે. સમજદારી એમાં છે કે માણસ પોતાના સપનાંને વાસ્તવિક આયોજન અને મહેનત સાથે જોડે, ત્યારે જ સપનાં સાકાર થાય છે.
વ્યક્તિગત જીવનમાં સંભવ માણસને આશાવાદી બનાવે છે. આશા એ જીવનની પ્રેરક શક્તિ છે. જે માણસ આશા રાખે છે, તે સંઘર્ષમાં પણ રસ્તો શોધી લે છે. અસંભવની ભાવના નિરાશા, ભય અને નિષ્ક્રિયતાને જન્મ આપે છે. તેથી જીવનમાં આગળ વધવા માટે સંભવનો દૃષ્ટિકોણ અપનાવવો અત્યંત આવશ્યક છે.
અંતમાં કહી શકાય કે સંભવ અને અસંભવ કોઈ સ્થિર પરિભાષા નથી. તે માનવીના વિચાર, પ્રયત્ન અને સમય સાથે બદલાતી રહે છે. જે આજે અસંભવ લાગે છે, તે કાલે સંભવ બની શકે છે - જો તેમાં વિશ્વાસ, જ્ઞાન અને અડગ પ્રયત્ન જોડાય. જીવનનો સાચો સાર એમાં છે કે માણસ `અસંભવ' શબ્દને પડકાર માને, અંત નહીં, કારણ કે માનવની ઈચ્છાશક્તિ અને સંકલ્પશક્તિ પાસે એવી તાકાત છે કે તે અશક્યને પણ શક્ય બનાવી શકે. બીજા શબ્દોમાં કહીએ તો અસંભવ એ માત્ર ત્યાં સુધી જ રહે છે, જ્યાં સુધી માણસ પ્રયાસ કરવાનું સાહસ નથી કરતો.