જૂઈ પાર્થ
સંયુક્તાબહેનના પતિ હરિદાસભાઈને ગુજરી ગયે એક મહિનો પૂરો થયો. ચાર દાયકાના સુખી લગ્નજીવન બાદ જીવનસાથી અચાનક દુનિયામાંથી વિદાય થાય તો એ દુ:ખ જીરવવું કેટલું મુશ્કેલ હોય! સંયુક્તાબહેન અને હરિદાસભાઈ દંપતી તરીકે ખૂબ પ્રેમાળ અને આનંદી. એમનું મિત્રવર્તુળ વિશાળ, સગાંવહાલાનાં ઘેર અવારનવાર જતા. હરવાફરવાનાં શોખીન એટલે દર ચાર-છ મહિને બહારગામ જતાં. પરંતુ હવે હરિદાસભાઈના ગયા પછી સંયુક્તાબહેન ઘરમાં એકલાં જ રહેતાં. સંયુક્તાબહેન પહેલેથી ખૂબ મળતાવડાં. પરિવારમાં, સમાજમાં બધાને ઉત્સાહથી મળે, પરંતુ હરિદાસભાઈના ગયા પછી આ બધું જ બંધ થઈ ગયું. સંયુક્તાબહેનનું ક્યાંય મન નહોતું લાગતું. ના ખાવાનું મન થાય કે ના કોઈના ઘેર જવાનું. હવે એ ના સારી રીતે તૈયાર થાય કે ના તો ઘરની બહાર નીકળે. ક્યાંક જવાનું હોય તો મન ના જવાનું બહાનું શોધે. જોકે એમને ઘેર કોઈને કોઈ મળવા આવતું જતું હોય પણ એ ક્યાં સુધી ચાલે? અંતે તો એ એકલાં જ! સંયુક્તાબહેનની ઉદાસી સમજી શકાય એવી હતી.
એકવાર એમનાં પાડોશીની વહુ ત્વરા સંયુક્તાબહેનને પોતાની સાસુની વર્ષગાંઠનું આમંત્રણ આપવા આવી. સંયુક્તાબહેને જવાની ના પાડી. ત્વરાએ જીદ કરીને સંયુક્તાબહેનને આવવા મનાવી લીધાં. દોઢ મહિને સંયુક્તાબહેન ઘરની બહાર નીકળ્યાં. તેમ છતાં એમની ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી. એ દિવસે જ્યારે સંયુક્તાબહેને પાર્ટીમાં બધાને ખિલખિલાટ હસતા જોયા ત્યારે એમને પોતાના સુખના દિવસો યાદ આવી ગયા. એ ઘડીએ સંયુક્તાબહેને નિર્ધાર કર્યો કે આજ પછી એ સુખને ગળે લગાવશે અને ઉદાસીને છેટી રાખશે. સંયુક્તાબહેનમાં આ પરિવર્તન જોઈને કોઈ ખુશ થયું તો સમાજના અમુક લોકોએ અલગ વાત કરવાનું શરૂ કર્યું કે પતિ ગયે હજી બે મહિના પણ નથી થયા અને સંયુક્તાબહેનને એની કંઈ પડી નથી વગેરે.
આ બાજુ નીરવે બત્રીસ જ વર્ષની ઉંમરે પત્નીને રોડ અકસ્માતમાં ગુમાવી. નીરવનો હસતો ચહેરો હંમેશાં માટે વિલાઈ ગયો. એણે પોતાની જાતને સાવ એકલો પાડી દીધો. ભાઈબંધો સાથે સંપર્ક તોડ્યો, કોઈના ફોન ના ઉપાડે, ઘરમાં અને ઑફિસમાં પણ જરૂર પૂરતી જ વાત.
એના જીવનમાંથી લાગણીઓને હંમેશ માટે દૂર કરી નાખી હતી જાણે! દેખીતી રીતે નીરવ હતાશામાં સરી પડ્યો હતો. આમ ને આમ બે વર્ષ વીતવા આવ્યાં. એક ભાઈબંધ એને જબરજસ્તી કાઉન્સેલર પાસે લઈ ગયો અને પછી નીરવની ગાડી ધીમે ધીમે પાટે ચડવા લાગી.
આપણા પરિવારમાં, આપણા સમાજમાં જીવનસાથી ગુમાવવા એ સામાન્ય ઘટના છે, પરંતુ આ દુ:ખ જેની પર આવી પડે છે એ જ આની ગહેરાઈ સમજી શકે છે. અહીં પ્રશ્ન એ થાય છે કે શું જીવનસાથીની દુનિયામાંથી વિદાય જે હયાત છે એની જિંદગીમાંથી સુખી થવાનો હક છીનવી લે છે? નહીં ને? શરૂઆતમાં સમાજની બીકે અને પાછળથી પોતે ખુશ થવાનો અધિકાર નથી એમ માનીને વિધવા કે વિધુર થયેલ વ્યક્તિ નાખુશ રહે એવું તેઓ અનેક કારણોસર સ્વીકારી લે છે. હા, પહેલાંના સમયમાં જીવનસાથી ગુમાવ્યા બાદ સાદગી અને નિરસતા, રંગ ત્યાગ વગેરે અપેક્ષિત હતું, પરંતુ હવે સમય બદલાયો છે. હવે સમાજ સ્વીકારે છે કે જીવનના અંત સાથે દુ:ખના અંતને સ્વીકારવો પણ એટલો જ જરૂરી છે. જીવનસાથીના જવાથી થતું દુ:ખ એ જીવનભરની શિક્ષા નથી. આત્માનો સ્વભાવ જ આનંદ છે એમ માની દુ:ખમાંથી બહાર આવી ધીમે ધીમે ખુશીઓ અપનાવવી પણ જરૂરી છે. સમાજ શું કહેશે, સગાં કે મિત્રોની સામે પહેલાંની જેમ હસવા બોલવાથી કે વિરુદ્ધ જાતીની વ્યક્તિ સાથે બહાર જવાથી લોકો ચારિત્ર્ય પર શંકા કરશે વગેરે વિશે વિચાર્યા કરતાં તે પોતે પણ નિર્દોષ આનંદના હકદાર છે એવું સ્વીકારવું અઘરું છે, પણ અશક્ય નહીં.
એકલતાનો ઉપાય છે હળવું મળવું, લોકોની વચ્ચે રહેવું. જે એકલું રહે છે એનું મન જાણે છે કે એકલતા કોરી ખાય છે, એકલતા ક્યારેક અસહ્ય બની પીડા આપે છે. સમાજ ભલે કહે કે એકલા રહેતાં શીખી જવું પડે કે એકલતાનો આનંદ માણતાં આવડવો જોઈએ, પરંતુ જેને આ કરવાનું આવે એના માટે આ અનુસરવું મુશ્કેલ બની જાય છે. કહેવા અને કરવામાં ફેર હોય એ જ રીતે! જીવનનાં કોઈ પણ તબક્કે કમ્પેનિયનશિપનું મૂલ્ય ઓછું નથી હોતું. આ દુનિયામાં મારું કોઈ છે, મારી સાથે કોઈ છે એ હૂંફ જ જીવનનો આધાર બને છે. બાળકો, ભાઈ, બહેન બધાં જ હોવા છતાં જીવનસાથીનું સ્થાન કોઈ લઈ શકતું નથી. કોઈ પણ ઉંમરે એક કમ્પેનિયન એટલે કે સહયાત્રીની જરૂર પડે છે, જે આપણને સમજી શકે, સાચા નિર્ણયો લેવામાં મદદ કરે, આપણને શાંતિથી સાંભળે, વાત કરવાનો વિસામો મળે.
જીવનસાથી ગુમાવ્યા પછીનું જીવન, જીવનથી ઓછું નથી. માટે અંગત મર્યાદાઓ, સમાજ, પરિવાર, બાળકો વગેરે કરતાં પણ વધુ મહત્ત્વની એક બાબત છે કે પોતાની જાત સાથે સાયુજ્ય સ્થાપવું. જીવનસાથીનું જવું એટલે ખુશ થવાનો હક ગુમાવી દેવો નથી. ખુશ રહેવું એ સાથીના ગયાનું અપમાન કરવું એમ પણ નથી. કોઈ પ્રિયજનને ગુમાવ્યા પછીનું જીવન, અધૂરું જીવન નથી એ સમજવું જરૂરી થઈ જાય છે. આ વિશે બોલો, તમે શું કહો છો?