Mon Oct 05 2026

Logo

જમ્મૂ-કાશ્મીર: રાજૌરીમાં લશ્કર-એ-તૈયબાના 3 મદદગારની ધરપકડ, આતંકીયોના ગાઇડ બનીને બતાવતા હતા રસ્તો; મોટી સંખ્યામાં IED જપ્ત

2026-09-15 10:59:00
Author: Mumbai Samachar Team
જમ્મૂ-કાશ્મીર: રાજૌરીમાં લશ્કર-એ-તૈયબાના 3 મદદગારની ધરપકડ, આતંકીયોના ગાઇડ બનીને બતાવતા હતા રસ્તો; મોટી સંખ્યામાં IED જપ્ત

રાજૌરીઃ જમ્મુ-કાશ્મીર પોલીસે રાજૌરીમાંથી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલા હોવાના આરોપસર એક 'ઓવર ગ્રાઉન્ડ વર્કર' (OGW) નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. મળેલી માહિતી મુજબ, જે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેઓ આતંકવાદીઓના મદદગાર હતા.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ઝાકિર હુસૈન (પિતા ગુલામ હુસૈન, રહેવાસી કોટચરવાલ તેરિયાથ, રાજૌરી), મોહમ્મદ આઝમ (પિતા અલી બહાદુર, રહેવાસી કોટચરવાલ તેરિયાથ, રાજૌરી) અને મોહમ્મદ મુશ્તાક (પિતા મોહમ્મદ ઇકબાલ, રહેવાસી ઉધાન, રાજૌરી) તરીકે થઈ છે. ત્રણેયમાં સમાન બાબત એ છે કે તેઓ ત્રણેય રાજૌરીના જ રહેવાસી છે.

ટેરર મોડ્યુલની તપાસ દરમિયાન કરવામાં આવી ધરપકડ

પોલીસ દ્વારા પીર પંજાલ વિસ્તારમાં સક્રિય એક ટેરર મોડ્યુલની તપાસ દરમિયાન આ ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ કથિત રીતે આતંકવાદીઓને લોજિસ્ટિકલ સપોર્ટ (સહાયક સામગ્રી), સુરક્ષિત અવરજવર અને ગ્રાઉન્ડ લેવલ પર અન્ય મદદ પૂરી પાડવામાં સામેલ હતા.

આરોપીઓ આતંકવાદીઓ માટે ગાઇડનું કામ કરતા હતા

તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપીઓ કથિત રીતે ગાઇડ તરીકે કામ કરતા હતા અને આતંકવાદી જૂથોને કાશ્મીર ખીણ તરફ આગળ વધવામાં મદદ કરતા હતા. નાગરિકો પર થયેલા હુમલા સહિતના અનેક મોટા હુમલાઓમાં સામેલ આતંકવાદીઓને ગ્રાઉન્ડ સપોર્ટ પૂરો પાડવાની પણ તેમના પર શંકા છે.

IED જપ્ત કરવામાં આવ્યું

તપાસ દરમિયાન, એક આરોપીની બાતમી પરથી મોટા પ્રમાણમાં IED (વિસ્ફોટક સામગ્રી) જપ્ત કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ડિવાઇસ કથિત રીતે એક આતંકવાદી સંગઠનના સભ્યો દ્વારા આરોપીને સાચવી રાખવા અને કોઈ ટાર્ગેટેડ હુમલામાં ઉપયોગ કરવા માટે આપવામાં આવ્યું હતું.