ભુજ: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સસ્તા કૂપન અને લકી ડ્રોના નામે લોકોને જાળમાં ફસાવી નાણાં ખંખેરતી કુખ્યાત સાયબર ઠગ ટોળકીએ કચ્છના સીમાવર્તી લખપત તાલુકાના છેવાડાના છેર મોટી ગામના એક મહિલાને નિશાન બનાવી રૂપિયા ₹1.85 લાખથી વધુની રકમ પડાવી લીધી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ મામલે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે દયાપર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, છેર મોટી ગામના મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર માત્ર ₹199ના કૂપનથી વિવિધ મોંઘા ઈનામો જીતવાની લોભામણી જાહેરાત જોઈ હતી.
તપાસનો ધમધમાટ શરૂ
જાહેરાતમાં આપેલી લિંક પર ક્લિક કરતાં એક વોટ્સએપ નંબર સાથે સંપર્ક થયો હતો, જેમાં નામ અને સરનામું મોકલીને કૂપન ખરીદવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. શરૂઆતમાં લકી ડ્રોની લિંક મોકલવાની ખાતરી અપાઈ હતી, પરંતુ બીજા જ દિવસે સાયબર ગઠિયાઓએ મહિલાને મોટરસાઇકલ જીતી હોવાનો મેસેજ મોકલી વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ ગઠિયાઓએ જીતેલી મોટરસાઇકલની ડિલિવરી મેળવવા માટે જીએસટી, પ્રોસેસિંગ ફી અને વિવિધ સરકારી ટેક્સ પેટે નાણાં ભરવા પડશે તેમ જણાવી ક્યૂઆર કોડ તેમજ વિવિધ યુપીઆઈ આઈડી મોકલ્યા હતા. ઈનામની લાલચમાં મહિલાએ તબક્કાવાર અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ ₹185,500 જમા પણ કરાવી દીધા હતા! નાણાં ચૂકવ્યા બાદ પણ જીતેલું ઇનામ ન મળતાં અને સામે છેડેથી સંપર્ક તૂટી જતાં પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં મહિલાએ દયાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સાયબર ફ્રોડનો ગુનો નોંધી બેંક ખાતાઓ અને મોબાઈલ નંબરના આધારે આરોપીઓનું પગેરું મેળવવા તપાસ આદરી છે.
સાવધાની એ જ સુરક્ષા
આ પ્રકારની છેતરપિંડીમાં સાયબર ઠગો સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર લકી ડ્રો, સસ્તા કૂપન, લોટરી અથવા મોંઘા ઈનામોની જાહેરાત મૂકે છે. શરૂઆતમાં નાની રકમ ભરાવીને વ્યક્તિનો વિશ્વાસ જીતવામાં આવે છે અને ત્યારબાદ GST, ટેક્સ, ડિલિવરી ચાર્જ, પ્રોસેસિંગ ફી જેવા અલગ-અલગ બહાનાં હેઠળ મોટી રકમ ટ્રાન્સફર કરાવવામાં આવે છે. કોઈ અજાણી વ્યક્તિ ઈનામના નામે GST, ટેક્સ કે ડિલિવરી ફી માટે વ્યક્તિગત UPI ID અથવા QR Code પર પૈસા માગે તો ચુકવણી કરતા પહેલાં તેની અધિકૃતતા ચકાસવી જરૂરી છે.
ઉત્સવ વૈદ્ય