ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે મધ્ય પૂર્વના આકાશમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના સૈન્ય સંઘર્ષ દરમિયાન કુવૈત દ્વારા ભૂલથી અમેરિકાના જ ફાઈટર જેટ્સ પર હુમલો કરી દેવામાં આવતા સનસનાટી મચી ગઈ છે. યુદ્ધના મેદાનમાં સર્જાયેલી આ 'ફ્રેન્ડલી ફાયર'ની ઘટનાને કારણે સંરક્ષણ નિષ્ણાતો પણ ચોંકી ઉઠ્યા છે. આ ઘટના ત્યારે બની જ્યારે અમેરિકી વાયુસેના ઈરાન વિરુદ્ધ આક્રમક કાર્યવાહી કરી રહી હતી.
અમેરિકી સૈન્ય (US Military) દ્વારા સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે કે કુવૈતની એર ડિફેન્સ સિસ્ટમે ભૂલથી અમેરિકાના ત્રણ 'F-15E સ્ટ્રાઈક ઈગલ્સ' (F-15E Strike Eagles) લડાયક વિમાનોને તોડી પાડ્યા છે. આ ઘટના ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશન દરમિયાન બની હતી. સદનસીબે, આ વિમાનોમાં સવાર તમામ 6 ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા છે અને હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકાએ આ ઘટનાને 'એક્ટિવ કોમ્બેટ' દરમિયાન થયેલી ટેકનિકલ કે માનવીય ભૂલ ગણાવી છે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે આ 'ફ્રેન્ડલી ફાયર'ની ઘટના કેવી રીતે બની તેની ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ રિપોર્ટ બાદ જ ખબર પડશે કે ટાર્ગેટ ઓળખવામાં ક્યાં ખામી રહી ગઈ હતી. નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, જ્યારે ઈરાની એરક્રાફ્ટ, બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા હતા, તે ગભરાટભરી સ્થિતિમાં કુવૈતી સેનાએ ભૂલથી અમેરિકી જેટ્સને નિશાન બનાવ્યા હતા.
આ ચોંકાવનારી ઘટના છતાં અમેરિકાએ કુવૈત પ્રત્યે ઉદારતા દાખવી છે. અમેરિકી સૈન્યે ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા 'ઓપરેશન એપિક ફ્યુરી' (Operation Epic Fury) માં કુવૈત દ્વારા આપવામાં આવી રહેલા સમર્થન બદલ તેમનો આભાર માન્યો છે. કુવૈતે પણ આ દુર્ઘટનાની જવાબદારી સ્વીકારી છે. અમેરિકાએ જણાવ્યું છે કે યુદ્ધ જેવી ગંભીર સ્થિતિમાં આવી ભૂલો થવાની શક્યતા રહેલી હોય છે, પરંતુ કુવૈત તેમનો મજબૂત સાથી દેશ છે અને રહેશે.
વિમાન તોડી પાડવામાં આવ્યા બાદ તરત જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તમામ છ જવાનો પેરાશૂટની મદદથી સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા હતા, જેમને બાદમાં અમેરિકી ટુકડીએ રિકવર કરી લીધા હતા. હાલમાં આ તમામ જવાનો સૈન્ય નિરીક્ષણ હેઠળ છે. આ ઘટનાને કારણે યુદ્ધના મેદાનમાં કોમ્યુનિકેશન અને ઓળખની સિસ્ટમ પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે, કારણ કે સાથી દેશો વચ્ચે આવી ભૂલ ખૂબ મોટું નુકસાન પહોંચાડી શકે છે.