ભુજઃ રણપ્રદેશ કચ્છ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી મેઘરાજાએ વિરામ લેતાં ગરમી અને અસહ્ય ઉકળાટનું પ્રમાણ વ્યાપકપણે વધી ગયું છે. આકાશમાંથી વાદળો વિખેરાતાં કંડલા ૩૫ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ મથક નોંધાયું હતું, જ્યારે જિલ્લા મથક ભુજમાં પારો ૩૪ ડિગ્રી પર પહોંચ્યો હતો. ઓગસ્ટ માસના અંત સુધીમાં જિલ્લામાં સરેરાશના માત્ર ૨૯ ટકા જ વરસાદ નોંધાતાં પશ્ચિમ કચ્છ સહિત સમગ્ર પંથકમાં ભયાનક દુષ્કાળના એંધાણ વર્તાઈ રહ્યા છે.
પશ્ચિમ કચ્છના વાવેતર 'વેન્ટિલેટર' પર
વરસાદ ખેંચાવાના કારણે પશ્ચિમ કચ્છના વાવેતર 'વેન્ટિલેટર' પર આવી ગયા છે. બીજી તરફ, માલધારીઓ સામે હજારો પશુધન માટે ચારા અને પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. તંત્ર દ્વારા રાહત દરે ઘાસચારો પૂરો પાડવાની જાહેરાત કરાઈ હોવા છતાં ગ્રામીણ વિસ્તારો સુધી ઘાસની એક પણ ગાડી ન પહોંચ્યાની ગંભીર ફરિયાદો ઉઠી છે. માંડવી તાલુકાના કાઠડા, ભારાપર, શિરવા અને મેરાઉ સહિતના ગામોના ખેડૂતોએ નર્મદા કેનાલના ૩૩૮ નંબરના તબક્કામાં તાત્કાલિક પાણી છોડવા ધારાસભ્ય અને સાંસદને રજૂઆત કરી છે.
દોઢ લાખથી વધુ પશુધનનું ભવિષ્ય સંકટમાં
કચ્છના ભાતીગળ બન્ની પંથકમાં ૪૦ હજારની માનવ વસતી સામે રહેલા દોઢ લાખથી વધુ પશુધનનું ભવિષ્ય સંકટમાં મુકાયું છે. ઉત્તમ ઓલાદની કિંમતી સિંધી ભેંસો અને વિંધિયારી ગાયો માટે એક મુઠ્ઠી ઘાસ મેળવવું પણ મુશ્કેલ બની ગયું છે. વરસાદના અભાવે સમગ્ર બન્ની અને નાની બન્ની (નખત્રાણા) તેમજ લુડબાય અને હાજીપીર વિસ્તારના તળાવો તળિયાઝાટક થઈ જતાં પીવાના પાણીનો 'પ્રાણપ્રશ્ન' ઊભો થયો છે.
દૂધ ઉત્પાદનમાં ૫૦ ટકા જેટલો જંગી ઘટાડો
ચારા-પાણીની અછત વચ્ચે દૂધ ઉત્પાદનમાં ૫૦ ટકા જેટલો જંગી ઘટાડો નોંધાતાં માલધારીઓની આર્થિક કમર તૂટી ગઈ છે. બજારમાં ઘાસ (પૂળા)ના ભાવ પ્રતિ કિલો રૂ.૨૦થી ૨૨, ભૂસાની ગુણી રૂ.૧,૩૦૦ અને ખોળની ગુણી રૂ ૨,૨૦૦ જેવા આસમાની ભાવે પહોંચી ગયા છે.
સ્થાનિક અગ્રણી જી.કે.મુતવાએ માંગ કરી છે કે, રાજ્ય સરકાર તાત્કાલિક ઘાસના ડેપો શરૂ કરી સબસિડીયુક્ત ચારો ઉપલબ્ધ કરાવે. આ ઉપરાંત, બન્ની અને મોટા રણ આસપાસ કાર્યરત નમક અને મરીન કેમિકલ કંપનીઓ તેમના સીએસઆર ફંડમાંથી પશુઓ માટે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરી માનવધર્મ નિભાવે તેવી લોકમાગણી પ્રબળ બની છે.
(ઉત્સવ વૈદ્ય)