Mon Oct 05 2026

Logo

કચ્છના ગ્રામીણ પંથકમાં અચાનક અંધારપટ, જ્યોતિગ્રામ યોજનાના 400 ફીડરો દોઢ કલાક બંધ રખાયા

2026-09-22 16:28:31
Author: Chandrakant Kanoja
કચ્છના ગ્રામીણ પંથકમાં અચાનક અંધારપટ, જ્યોતિગ્રામ યોજનાના 400 ફીડરો દોઢ કલાક બંધ રખાયા

પ્રતીકાત્મક તસવીર


ભુજ: કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રાત પડતાં જ અચાનક વીજ પુરવઠો ગુલ થઈ જતાં સેંકડો ગામડાંઓમાં ઘોર અંધારપટ છવાઈ ગયો હતો. જ્યોતિગ્રામ યોજના હેઠળ ગામડાંઓને 24 કલાક અવિરત વીજળી આપતાં જિલ્લાના અંદાજે 400 થી વધુ ફીડરો એકાએક બંધ કરી દેવામાં આવતાં લોકોમાં ભારે આશ્ચર્ય અને રોષની લાગણી ફેલાઈ હતી. જોકે, આશરે દોઢ કલાક બાદ વીજ પુરવઠો તબક્કાવાર પૂર્વવત્ થતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

કંટ્રોલ રૂમ અને સબ-સ્ટેશનો પર ફરિયાદોનો દોર શરૂ

સાંજ ઢળતાં જ અચાનક વીજળી ડૂલ થતાં ભુજ અને અંજાર વીજ સર્કલ હેઠળના ગ્રામ્ય વિસ્તારોમાંથી પીજીવીસીએલના કંટ્રોલ રૂમ અને સબ-સ્ટેશનો પર ફરિયાદોનો દોર શરૂ થયો હતો. હાલ ભાદરવી તાપ અને અસહ્ય ઉકળાટ ચાલી રહ્યો હોવાથી અણધાર્યા વીજકાપના કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

રાજ્ય ગ્રીડમાં વીજ પુરવઠાની અચાનક મોટી ખાધ 

આ સમગ્ર મામલે પીજીવીસીએલના અધિકારીઓનો સંપર્ક સાધતાં સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યના સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર/ લોડ કંટ્રોલ યુનિટમાંથી મળેલી કટોકટીભરી સૂચનાના આધારે આ પાવર કટ કરવામાં આવ્યો હતો. રાજ્ય ગ્રીડમાં વીજ પુરવઠાની અચાનક મોટી ખાધ સર્જાતાં સિસ્ટમને ટ્રીપ થતી બચાવવા અને ફ્રિકવન્સી બેલેન્સ જાળવવા માટે લોડ શેડિંગના ભાગરૂપે જ્યોતિગ્રામ ફીડરો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

ફીડરોને તાકીદે શટડાઉન કરી દેવાયા 

કચ્છના ભુજ અને અંજાર વીજ સર્કલ હેઠળ કાર્યરત તમામ 400 થી વધુ ગ્રામીણ જ્યોતિગ્રામ ફીડરોને તાકીદે શટડાઉન કરી દેવાયાં હતાં. એક તબક્કે સિસ્ટમમાં મોટી ફોલ્ટ સર્જાઈ હોવાની દહેશત વ્યાપી હતી. જોકે, ગ્રીડ સામાન્ય થતાં રાત્રે 8.30 વાગ્યા બાદ તમામ ફીડરો ક્રમશઃ પુનઃ શરૂ કરવામાં આવ્યા હતા અને દોઢ કલાક બાદ ગામડાંઓ ફરી રોશનીથી ઝગમગી ઊઠ્યાં હતાં.

(ઉત્સવ વૈધ)