Sun May 31 2026

Logo

કચ્છની 350  ખાનગી શાળાઓમાં  રાઈટ ટૂ એજ્યુકેશનના દ્વાર ખુલ્યા, વંચિત બાળકોને મળશે મફત શિક્ષણ

2026-03-28 16:03:31
Author: Mumbai Samachar Team
Article Image

ભૂજ : કચ્છના આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગના તેજસ્વી બાળકો માટે પ્રતિષ્ઠિત ખાનગી શાળાઓમાં અભ્યાસ કરવાનું સપનું હવે સાકાર થશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27  માટે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. કચ્છ જિલ્લાની અંદાજે 400  પૈકી 350 જેટલી ખાનગી શાળાઓમાં ધોરણ-1 માં મફત પ્રવેશ આપવામાં આવશે.

આવક મર્યાદામાં  વધારો કરી વાર્ષિક રૂ.6  લાખ સુધીની છૂટછાટ

આ યોજના હેઠળ જે બાળકોએ 1  જૂન 2026 ના રોજ 6  વર્ષ પૂર્ણ કર્યા હોય, તેઓ ઓનલાઈન અરજી કરી શકશે.  આ વર્ષે સરકારે આવક મર્યાદામાં મોટો વધારો કરી વાર્ષિક રૂ. 6 લાખ સુધીની છૂટછાટ આપી છે, જેનાથી મધ્યમ વર્ગના વધુ પરિવારોને લાભ મળશે. આ ઉપરાંત, વાલીઓ હવે પોતાની અનુકૂળતા મુજબ શાળાની સવાર કે બપોરની શિફ્ટ પણ પસંદ કરી શકશે. સરકારના અગ્રતાક્રમ મુજબ અનાથ બાળકો, દિવ્યાંગો, શહીદના સંતાનો અને આંગણવાડીમાં ભણતા બાળકો સહિત SC,STઅને OBC કેટેગરીના પરિવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

યોજના ગરીબ અને તેજસ્વી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ

પ્રવેશ ઈચ્છતા વાલીઓએ 5 એપ્રિલથી 16 એપ્રિલ દરમિયાન સત્તાવાર પોર્ટલ https://rte.orpgujarat.com પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી સાથે બાળકનો જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો, પિતાનો આવકનો દાખલો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે, હાલમાં કોઈ પણ ફોર્મ ક્યાંય રૂબરૂ જમા કરાવવાનું નથી. કચ્છ જેવા ભૌગોલિક રીતે મોટા જિલ્લામાં આ યોજના ગરીબ અને તેજસ્વી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

(ઉત્સવ વૈધ)