ભુજઃ નૈઋત્યના ચોમાસાની મૌસમ અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. છેલ્લા કેટલાક સમયથી મેઘરાજા હવે વિદાય લઈ રહ્યા હોય એવું ચિત્ર જોવા મળી રહ્યું છે. સરહદી કચ્છ જિલ્લામાં વરસાદની લાંબી ખેંચના કારણે 'રામમોલ' (ચોમાસુ પાક) ખેતરોમાં જ મુરઝાઈ રહ્યા છે. ભુજ તાલુકાની આહિરપટ્ટી સહિતના વિસ્તારોમાં વરસાદના અભાવે ખેડૂતોનું લાખો રૂપિયાનું રોકાણ એળે જવાની અને ભારે આર્થિક દેવામાં ધકેલાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. સત્તાવાર આંકડા મુજબ, ભુજ તાલુકામાં કુલ 55,559 હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે, જેમાં સૌથી વધુ 22,295 હેક્ટરમાં એરંડા, 7,791 હેક્ટરમાં મગફળી અને 3,026 હેક્ટરમાં શાકભાજી વાવવામાં આવ્યા છે.
વરસાદની ઘટથી ચિંતા
ખેડૂત અગ્રણીઓના જણાવ્યા મુજબ, હાલ મગફળીમાં દાણો બેસવાની અને એરંડા માટે અત્યંત મહત્વની સિઝન છે, પરંતુ પાણી નહીં મળતાં એરંડાના પાકમાં 75 ટકા સુધીના નુકસાનની શક્યતા છે. આ ઉપરાંત, ટામેટાં અને ફ્લાવર જેવા શાકભાજીની ગુણવત્તા એટલી નબળી પડી છે કે તેને માર્કેટ સુધી લઈ જવા પણ મુશ્કેલ બન્યા છે.
બીજી તરફ, ભારતીય હવામાન વિભાગના આંકડા મુજબ સમગ્ર દેશમાં સૌથી ઓછો વરસાદ મેળવનારા વિસ્તારોમાં કચ્છ સામેલ થઈ ગયું છે. ચોમાસાની મોસમમાં કચ્છમાં અત્યાર સુધી માત્ર 136.7 મીમી વરસાદ થયો છે, જે સામાન્ય સરેરાશ 334.2 મીમી સામે 59 ટકાની ભારે ખાધ દર્શાવે છે. 57.4 મિમી વરસાદ સાથે દેવભૂમિ દ્વારકા બાદ સમગ્ર રાજ્યમાં સૌથી ઓછો વરસાદ મેળવવામાં કચ્છ બીજા ક્રમે છે.
જૂન મહિનો સંપૂર્ણ કોરો ગયા બાદ જુલાઈના અંતમાં સામાન્ય રાહત મળી હતી. ઓગસ્ટ માસમાં ફરીથી સતત મોનસૂન બ્રેક રહેતાં જિલ્લામાં બોર્ડરલાઈન સ્થિતિ સર્જાઈ છે. જો આગામી દિવસોમાં મેઘરાજા મહેર નહીં કરે તો ખેડૂતોની હાલત અત્યંત કફોડી બનશે.
પાક સામે જોખમ
ખાસ કરીને વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ વરસાદ ન પડતા ખેડૂતો હવે ચિંતામાં મૂકાયા છે. ખાસ કરીને જે ખેડૂતોએ સારૂ એવું વાવેતર કર્યું છે એ ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાઈ રહ્યા છે. બીજી તરફ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા કેટલાક પાકેલા પાકમાં પણ રોગ પેસી જવાની ભીતિ સેવાઈ રહી છે.
બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વરસાદ ન થતા ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સિંચાઈની મદદથી ખેતી તો થશે પણ વરસાદી અસરથી પાકતા પાક સામે અત્યારે એક પડકાર ઊભો થયો છે. માત્ર કચ્છ જ નહીં, સૌરાષ્ટ્રના ખેડૂતોમાં પણ વરસાદની ઘટના કારણે ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને મોટી જમીન પર કરેલા વાવેતર સામે વરસાદ ઓછો થતા હવે પાક સામે જોખમ ઊભું થયું છે.
(ઉત્સવ વૈદ્ય)