Fri Jun 26 2026

Logo

મુંદરાના નાના કપાયાની લેબર કોલોનીમાંથી 1.40 લાખનો ગાંજો ઝડપાયો, બિહારી યુવકની ધરપકડ

2026-06-26 11:31:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: સીમાવર્તી કચ્છ જિલ્લામાં વ્યાપક બનેલા નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘નો ડ્રગ્સ ઇન કચ્છ કેમ્પેઇન’ અંતર્ગત પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટુકડીએ બંદરીય મુંદરા પંથકના નાના કપાયા વિસ્તારમાં આવેલી શ્રમિક વસાહતમાંથી 2.817 કિલોગ્રામ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે મૂળ બિહારના એક શખ્સને રંગેહાથ ઝડપી લીધો છે.

બાતમીના આધારો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી

ભુજ સરહદી રેન્જના આઈજી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષક વિકાસ સુંડાની સૂચનાથી એસઓજીની ટુકડી મુંદરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન એસઓજીના પીઆઈ એ. ડી. પરમાર અને તેમની સાથેના જવાનોને નાના કપાયા ગામની લેબર કોલોનીમાં આવેલી ‘ફ્રેશ વેજિટેબલ એન્ડ ફ્રૂટ’ નામની દુકાનની પાછળ ઓરડીમાં એક પરપ્રાંતીય શખ્સ ગાંજાનો જથ્થો છુપાવીને તેનું વેચાણ કરી રહ્યો હોવા અંગેની પૂર્વ બાતમી મળી હતી.

દરોડા દરમિયાન 02.817 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો

આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ત્યાં રહેતા સોનુકુમાર પ્રમોદ મંડલ (મૂળ રહે. કોઇબી સેખરા, જિ. પુર્ણિયા, બિહાર) નામના યુવકને અટકમાં લીધો હતો. ઓરડીની તલાશી લેતાં અંદરથી રૂપિયા 01,40,850ની કિંમતનો 02.817 કિલોગ્રામ ગાંજો અને રૂપિયા 20,000ની કિંમતનો એક સ્માર્ટફોન મળી આવ્યો હતો. પોલીસે દ્રવ્યનો જથ્થો અને ડિજિટલ પુરાવા જપ્ત કરી આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી સોનુકુમારે કબૂલાત કરી હતી કે, આ ગાંજાનો જથ્થો તેને ગત શનિવારે બિહારમાં તેના જ ગામનો વતની અને મિત્ર પંકજકુમાર બિચ્છો મંડલ મુંદરા આવીને સપ્લાય કર્યો હતો.  મુંદરા પોલીસે આ મામલે પકડાયેલા સોનુકુમાર અને ફરાર સપ્લાયર પંકજકુમાર સહિત તપાસમાં ખુલનારા અન્ય શખ્સો વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(ઉત્સવ વૈદ્ય)