Tue Oct 06 2026

Logo

મુંદરામાં મની ટ્રાન્સફર સંચાલક સાથે ₹2.94 લાખની છેતરપિંડી, બોગસ ઓર્ડર આપી દુકાને મોકલ્યો

2026-09-18 14:26:27
Author: Mumbai Samachar Team
મુંદરામાં મની ટ્રાન્સફર સંચાલક સાથે ₹2.94 લાખની છેતરપિંડી, બોગસ ઓર્ડર આપી દુકાને મોકલ્યો

AI Image


ભુજઃ સરહદી કચ્છ જિલ્લામાં મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા વેપારીઓને શિકાર બનાવતી ભેજાબાજ ટોળકી સક્રિય થઈ છે. આદિપુર અને સામખિયાળી બાદ હવે મુંદરામાં પણ એ જ મોડસ ઓપરેન્ડી અપનાવી ગઠિયાઓએ મની ટ્રાન્સફર સંચાલકને વિશ્વાસમાં લઈ વિવિધ બેંક ખાતાઓમાં રૂપિયા ₹294,000 ટ્રાન્સફર કરાવી રફૂચક્કર થઈ જતાં ભારે ચકચાર મચી છે. પોલીસ મથકેથી મળેલી વિગત મુજબ, મુંદરા તાલુકાના વવાર ગામના વતની અને મુંદરામાં મની ટ્રાન્સફરની દુકાન ધરાવતા નારણ હરિભાઈ ગઢવી પર ગત તા. 14 સપ્ટેમ્બરના રોજ એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલરે પોતાનું નામ 'રામજીભાઈ' જણાવી ₹23લાખ અન્ય ખાતામાં મોકલવા માટે ચાર્જની પૂછપરછ કરી હતી. 

બે બેંક ખાતામાં 10 ટ્રાંઝેક્શન

તેણે જણાવ્યું હતું કે તેનો માણસ રોકડા રૂપિયા લઈને દુકાને આવી રહ્યો છે અને તે જણાવે તે ખાતામાં રકમ ટ્રાન્સફર કરી દેવી. અડધા કલાક બાદ હનીફભાઈ સલીમ આરબ (રહે. હરિનગર, મુંદરા) નામના વ્યક્તિ દુકાને આવ્યા હતા અને પોતાનો ફોન સંચાલકને આપી સામે છેડે રહેલા શખ્સ સાથે વાત કરાવી હતી. સામેવાળાએ પોતે અગાઉ વાત કરેલી વ્યક્તિ જ હોવાનું કહી વોટ્સએપ પર આપેલા બે બેંક ખાતાઓમાં કુલ 10 ટ્રાન્ઝેક્શન મારફતે ₹294,000 જમા કરાવી લીધા હતા. રકમ ટ્રાન્સફર થયા બાદ ગઠિયાએ આવેલી વ્યક્તિને ફોન આપવાનું કહ્યું હતું. ફોન આપતાં જ તેણે કોલ કટ કરી મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો. વેપારીએ નાણાંની માંગણી કરતાં હનીફભાઈએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેઓ નોનવેજ કેટરિંગનું કામ કરે છે. તેમને સવારે કોઈ અજાણ્યા ગ્રાહકે 150 માણસની રસોઈનો ઓર્ડર આપી એડવાન્સ પેટે ₹30,000 લેવા આ મની ટ્રાન્સફરની દુકાને મોકલ્યા હતા.

પોલીસે તપાસ શરૂ કરી

દુકાનદાર સાથે વાત કરાવવા જણાવ્યું હતું. આમ, બંને પક્ષોને અંધારામાં રાખી ગઠિયાએ રકમ સેરવી લીધી હોવાનું સ્પષ્ટ થયું હતું. મુંદરા પોલીસે આ મામલે ઓનલાઇન છેતરપિંડીનો ગુનો નોંધી બેંક ખાતાઓ અને કોલ ડિટેઇલ્સના આધારે તપાસ તેજ કરી છે. કચ્છમાં ટૂંકા ગાળામાં ત્રીજી વખત આ જ રીતે છેતરપિંડી આચરાઈ હોવાથી મની ટ્રાન્સફર સંચાલકો તેમજ કેટરર્સ કે વેપારીઓને આવા અજાણ્યા કોલર્સથી સતર્ક રહેવા પોલીસે ખાસ અનુરોધ કર્યો છે.