ભુજઃ રણપ્રદેશ કચ્છમાં ચાલતા ગેરકાયદેસર ખનન અને ખનીજોની બિનઅધિકૃત હેરફેરને નાબૂદ કરવા માટે જિલ્લા વહીવટી તંત્રએ ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ કડક ઝુંબેશ શરૂ કરી હતી. આ દરમિયાન જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ-ખનીજ વિભાગ (પશ્ચિમ કચ્છ) અને રેવન્યુ વિભાગ દ્વારા અબડાસા તેમજ ભુજ તાલુકાના ખાવડા પંથકમાં જુદા-જુદા બે સ્થળોએ દરોડો પાડવામાં આવ્યાં અને કુલ 3.75 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આકરા વલણથી ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો
અબડાસા તાલુકાના કેરવાંઢ-વડસર વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી. પશ્ચિમ કચ્છના ભૂસ્તરશાસ્ત્રી દેવેન્દ્રસિંહ બારીયાની સૂચનાથી ખાણ-ખનીજ વિભાગની વિશેષ ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે આ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન સાદી માટીનું મોટું ગેરકાયદેસર ખનન અને પરિવહન થતું હોવાનું રંગેહાથ પકડાયું હતું. ઘટનાસ્થળેથી કોઈપણ પ્રકારના રોયલ્ટી પાસ કે માન્ય દસ્તાવેજો વિના બિનઅધિકૃત રીતે ખોદકામ અને વહન કરતા 4 ડમ્પર અને 2 તોતિંગ એક્સકેવેટર (જેસીબી/પોકલેન્ડ) મશીનો મળી આવ્યા હતા.
તંત્ર દ્વારા રૂપિયા 02 કરોડની અંદાજિત કિંમતના આ તમામ વાહનો અને મશીનરીને સીઝ કરીને આગળની કાર્યવાહી માટે વાયોર પોલીસ મથકે ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે. આ સફળ દરોડામાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખુશાલી ગરવા, માઇન્સ સુપરવાઇઝર આશિષ પટેલ, દર્શન જોશી, હર્ષદ પ્રજાપતિ, જય કુંડારીયા અને ડ્રાઈવર સોયબ રાયમા જોડાયા હતા.
આ પ્રકારનું સઘન ચેકિંગ યથાવત્ રહેશે તેવી ચેતવણી
આ સાથે ભુજ તાલુકાના સરહદી ખાવડા વિસ્તારમાં પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવની આગેવાની હેઠળની ટીમે ગુરૂવારે વહેલી સવારે ખાવડા ગામ નજીક હાઈવે પર આકસ્મિક વ્હીકલ ચેકિંગ ગોઠવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન રોયલ્ટી પાસ વિના અને નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ માલ ભરેલી અંદાજિત 7 જેટલી મોટી ટ્રકો ઝડપાઈ હતી. તપાસ દરમિયાન ચાલકો ખનીજ વહનના આધારભૂત કાગળો રજૂ ન કરી શકતાં પ્રશાસને ગેરકાયદેસર ખનીજ અને વાહનો સહિત કુલ રૂપિયા 1 કરોડ 75 લાખનો મુદ્દામાલ સીઝ કરી દીધો હતો. આ તમામ વાહનોને દંડનીય વસૂલાત અને આરટીઓ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે સંબંધિત વિભાગને સુપ્રત કરાયા હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે ખનીજ ચોરી અને રોયલ્ટી ચોરી કરનારા તત્વો સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારનું સઘન ચેકિંગ યથાવત્ રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી.