ભુજ: કચ્છમાં કિંમતી સરકારી અને ગૌચરની જમીનો પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને નાબૂદ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા આક્રમક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેના ભાગરૂપે આજે મહેસૂલ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના કાફલાએ અંજાર તાલુકાના શિણાઈ-ભારાપર અને નખત્રાણાના કોટડા (જડોદર) ગામે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ધાર્મિક બાંધકામ, ૫૦થી વધુ ઓરડીઓ-કેબિનો અને પાકા મકાનો સહિતના મોટા દબાણો જમીનદોસ્ત કરી દેતાં દબાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. અંજાર તાલુકાના શિણાઈ ગામ નજીક સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભું કરાયેલું અંદાજે ૪૦ ચોરસ મીટરનું ધાર્મિક દબાણ (અંદાજિત કિંમત રૂા. ૪૦,૦૦૦) તંત્ર દ્વારા કાયદેસરની પ્રક્રિયા અનુસરીને તોડી પાડવામાં આવ્યું હતું.
આ જ સમયે તંત્રની બીજી ટીમે ભારાપર ગામ નજીક આવેલી ‘રેણુકા શુગર’ ફેક્ટરીની સામે મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. અહીં સરકારી કિંમતી જમીન પચાવી પાડીને વ્યાપારી હેતુ માટે ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા ૫૦થી વધુ ઓરડીઓ અને કેબિનોના સામ્રાજ્યને બુલડોઝરની મદદથી નેસ્તનાબૂદ કરાયું હતું. તંત્રના જણાવ્યા અનુસાર આ જમીન અને દબાણની બજાર કિંમત આશરે રૂા. ૧ કરોડ ૯૪ લાખ જેટલી થવા જાય છે.
દબાણ હટાવ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો હતો. સ્થળ પર અંજારના મામલતદાર જાવેદભાઈ સિંધી, ડીવાયએસપી ભાટિયા, પ્રોબેશનરી ડીવાયએસપી ચૌધરી, પીઆઈ વાળા, પીઆઈ એસ.એન. કરંગીયા અને પીએસઆઈ ગોહિલ સહિતના અધિકારીઓએ પ્રત્યક્ષ હાજર રહીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખી હતી.
બીજી તરફ નખત્રાણા તાલુકાના કોટડા (જડોદર) ગામે પણ વહેલી સવારથી જ વહીવટી તંત્રે દબાણ હટાવવાની મોટી કાર્યવાહી હાથ ધરતાં ગામમાં સન્નાટો વ્યાપી ગયો હતો. તંત્ર દ્વારા છ દિવસ પૂર્વે અપાયેલી નોટિસની મુદત પૂર્ણ થતાં જ નખત્રાણા પોલીસના સઘન બંદોબસ્ત વચ્ચે મેગા ડ્રાઈવ શરૂ કરાઈ હતી, જેમાં ૮ પાકી દુકાનો અને ૩ ચાની હોટેલો,૩ વ્યાપારી કેબિનો અને ૨ ઓટલા,૧ પાકું મકાન અને એક ધાર્મિક સ્થાનની ગેરકાયદે દીવાલ મળીને કુલ ૧૮ જેટલાં નાના-મોટાં કાચાં-પાકાં દબાણોને તોડી પાડી કિંમતી જમીન ખુલ્લી કરાવાઈ હતી.
આ કામગીરી દરમિયાન કેટલાક સ્થાનિક નાના વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે તંત્ર દ્વારા તેમને પૂર્વ નોટિસ આપવામાં આવી ન હતી, જેના કારણે તેમનો માલસામાન વેરવિખેર થઈ ગયો છે અને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ગામના રહીમા મા નામના એક નિરાધાર વિધવા વૃદ્ધાએ ચોધાર આંસુએ વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, સગા-સંબંધીઓએ આર્થિક મદદ કરીને તેમને આ પાકી દુકાન આજીવિકા માટે બનાવી આપી હતી, જેને તંત્રએ કોઈ પણ આગોતરી જાણ કર્યા વિના તોડી પાડી તેમની રોજીરોટી છીનવી લીધી છે.
જિલ્લામાં સરકારી જમીનો પર કરાયેલાં દબાણો હટાવવાની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ અવિરત ચાલુ રહેશે. આગામી રવિવારે બાકી રહી ગયેલા અન્ય દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવશે, જેની મૌખિક તાકીદ આજે જ અધિકારીઓ દ્વારા જે-તે દુકાનદારોને કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.
(ઉત્સવ વૈદ્ય)