Fri Jul 24 2026

Logo

કાનૂની લડાઈ બાદ કચ્છી માલધારીનો વિજય: હાઈ કોર્ટે ૩૨ ઊંટોનો કબજો માલિકને સોંપવા હુકમ કર્યો

2026-04-06 11:49:00
Author: Mumbai samachar Team
Article Image

ભુજઃ કચ્છના લખપત તાલુકાના છેવાડાના જાડવા ગામના એક માલધારીને પોતાના જ ૩૨ ઊંટો છોડાવવા માટે મહારાષ્ટ્રની હાઈકોર્ટ સુધી લાંબી કાનૂની લડાઈ લડવી પડી હતી. ‘જીવદયા’ના નામે કરવામાં આવેલી હેરાનગતિ બાદ આખરે ઔરંગાબાદ હાઈકોર્ટે ઊંટોનો વચગાળાનો કબજો તેના મૂળ માલિકને સોંપવાનો આદેશ આપ્યો હતો.

શું છે મામલો

પ્રાપ્ત માહિતી મુજબ, લખપતના જાડવા ગામના માલધારી ભારાભાઈ મંગુભાઈ રબારી અને તેમના પુત્ર મંગલ રબારીના ૩૨ ઊંટોને મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શાહદા પોલીસ સ્ટેશન દ્વારા અટકમાં લેવામાં આવ્યા હતા. પશુ ક્રૂરતાના આક્ષેપો હેઠળ થયેલી આ કાર્યવાહીની તપાસ માટે શાહદા પોલીસની ટીમ છેક કચ્છ સુધી આવી હતી. જોકે, પોલીસ તપાસ અને સરકારી પશુ ચિકિત્સા અધિકારીના રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે ઊંટો પર કોઈ પ્રકારની ક્રૂરતા થઈ નથી અને તમામ ઊંટ સંપૂર્ણપણે સ્વસ્થ છે.

શાહદા પોલીસે કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ રજૂ કરતા નીચલી કોર્ટે ઊંટોનો કબજો માલિકને પરત સોંપવા હુકમ કર્યો હતો. પરંતુ, ફરિયાદી પક્ષે આ હુકમ પર સ્ટે મેળવતા મામલો ગૂંચવાયો હતો. અંતે, વૃદ્ધ માલધારી ભારાભાઈએ હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટે નોંધ્યું કે જ્યારે પોલીસ અને તબીબી તપાસમાં પશુ ક્રૂરતાના કોઈ પુરાવા મળ્યા નથી, ત્યારે ઊંટોને માલિકથી દૂર રાખવા અયોગ્ય છે. કોર્ટે રિવિઝનલ બેન્ચના સ્ટેને રદ કરી ઊંટોનો કબજો સોંપવા આખરી મહોર મારી હતી.

ત્રણ મહિનાની લાંબી કાનૂની લડાઈ અને શારીરિક નાદુરસ્તીથી કંટાળેલા ભારાભાઈએ ભારે હૈયે જણાવ્યું હતું કે, હું પોતે લોહીની બીમારીથી પીડાઉં છું અને સમયસર દવા પણ લઈ શક્યો નથી. જીવદયાના નામે અમને અને આ અબોલ જીવોને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે હવે તેઓ મહારાષ્ટ્ર કે છત્તીસગઢ તરફ આગળ વધવાને બદલે થાકેલા ઊંટોને લઈને પરત કચ્છ ફરી જશે.

સહજીવન સંસ્થાના પ્રોગ્રામ ડાયરેક્ટર રમેશ ભટ્ટીએ આ અંગે જણાવ્યું હતું કે, કાનૂની લડાઈમાં વિજય તો મળ્યો છે પરંતુ પરંપરાગત રીતે હિજરત કરતા માલધારીઓ માટે ઊભા કરવામાં આવતા આવા અવરોધો ગંભીર ચિંતાનો વિષય છે. 

(ઉત્સવ વૈદ્ય)