Mon Aug 17 2026

Logo

કચ્છના શિપિંગ બિઝનેસમેનનું ખાસ મિત્રે જ અપહરણ કરાવી 5.5 કરોડ વસૂલ્યા, કઈ રીતે ગદ્દારીનો ફૂટ્યો ભાંડો ?

2026-07-30 09:44:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ કચ્છના શિપિંગ બિઝનેસમેનનું ખાસ મિત્રે જ અપહરણ કરાવી 5.5 કરોડ વસૂલ્યા હતા. જોકે ગણતરીના દિવસોમાં જ ગદ્દારીનો ભાંડો ફૂટ્યો હતો. દેવામાં ડૂબેલો મિત્રએ તેના ખાસ મિત્રની આર્થિક સ્થિતિથી વાકેફ હોવાથી આ પ્લાન બનાવ્યો હતો. ક્રિપ્ટો કરન્સી મારફતે નાણાં ટ્રાન્સફર કરાવવા માટે આદિપુરના રાજ ઘનવાણી સહિતના અન્ય ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા સાગરીતોની મદદ લેવાઈ હતી.

શું છે સમગ્રમ મામલો

 પૂર્વ કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ ખાતે એક જાણીતા શિપિંગ બિઝનેસમેનને બંધક બનાવી, ઢોર માર મારીને દુબઈ રહેતા તેમના ભાઈ પાસેથી વિડિઓ કોલ મારફતે ૫.૫૫ કરોડ રૂપિયાની માતબર ખંડણી પડાવવાના સનસનાટીભર્યા કેસનો પૂર્વ કચ્છ પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસે ગણતરીના દિવસોમાં જ આ કાવતરાના માસ્ટરમાઈન્ડ અને ફરિયાદીના અંગત મિત્ર સહિત સાત આરોપીઓની ધરપકડ કરી લી હતી.

ઘટનાની વિગત મુજબ, અંજાર ખાતે રહેતા અને શિપિંગ બિઝનેસ સાથે સંકળાયેલા દિલીપભાઈ ગોકળભાઈ મજેઠીયા (ઠક્કર)નું ગત ૨૧ જુલાઈના રોજ તેમની ઓફિસના પાર્કિંગમાંથી કપટપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું. જાણીતા મિત્રના ઓળખીતા હોવાનો દાવો કરીને જાવેદ સાથચા અને તેના સાગરીતો તેમને ગાંધીધામના સપનાનગર સ્થિત ઘરે લઈ ગયા હતા. ત્યાં તેમને દોરડાથી બાંધી, ગળા પર છરી રાખીને ૨૦ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી.

દિલીપભાઈએ આંગડિયા મારફતે ૨૦ લાખનો હવાલો આપ્યો હતો, પરંતુ પોલીસ સક્રિય થતાં આરોપીઓ નાણાં લીધા વિના જ તેમને રસ્તામાં ઉતારીને ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસ તપાસ દરમિયાન મોટો ઘટસ્ફોટ થયો હતો કે, બંધક બનાવ્યા તે દરમિયાન આરોપીઓએ દુબઈ રહેતા દિલીપભાઈના ભાઈ નરેશભાઈને વીડિયો કોલ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેનાથી ડરીને નરેશભાઈએ ક્રિપ્ટો કરન્સી મારફતે ૫,૮૪,૪૨૦ યુએસ ડૉલર (ભારતીય મૂલ્ય રૂ. ૫.૫૫ કરોડ) ટ્રાન્સફર કરી આપ્યા હતા.

રેન્જ આઈજી અને એસપીના માર્ગદર્શન હેઠળ પોલીસે ૧૦ અલગ-અલગ ટુકડીઓ બનાવી તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે બહાર આવ્યું કે ફરિયાદીનો ખાસ મિત્ર હર્ષ સદાદપુરી (રહે. અંજાર) આ આખા કાવતરાનો મુખ્ય સૂત્રધાર હતો. દેવામાં ડૂબેલા હર્ષે દિલીપભાઈની આર્થિક સ્થિતિથી વાકેફ હોવાથી આ પ્લાન બનાવ્યો હતો. ક્રિપ્ટો કરન્સી મારફતે નાણાં ટ્રાન્સફર કરાવવા માટે આદિપુરના રાજ ઘનવાણી સહિતના અન્ય ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા સાગરીતોની મદદ લેવાઈ હતી.

પોલીસે દિલ્હીથી માસ્ટરમાઈન્ડ હર્ષની ધરપકડ કરી સાત આરોપીઓને જેલભેગા કર્યા છે અને તેમની પાસેથી રૂ. ૯.૬૮ લાખ રોકડા તથા ૧૧ મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા.  ઝડપાયેલા તમામ આરોપીઓ અગાઉ સાયબર ફ્રોડ, ઓઇલ ચોરી અને પ્રોહિબિશન મુખ્ય આરોપી જાવેદ અને તેના બે ચોરી અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે.