ભુજ: દેશની પશ્ચિમ સરહદે આવેલા કચ્છના વ્યૂહાત્મક અને અતિસંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને અભેદ્ય બનાવવાના ભાગરૂપે મરીન ટાસ્ક ફોર્ દ્વારા વિશેષ કોમ્બિંગ અને ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. 17 સપ્ટેમ્બરના રોજ સાંજના સુમારે મરીન કમાન્ડોની વિશેષ ટીમોએ જખૌ સેક્ટરમાં દરિયાઈ પટ્ટાને ધમરોળી બોટોનું આકસ્મિક નિરીક્ષણ કર્યું હતું.
સમગ્ર દરિયાઈ સીમાડામાં સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું
મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી અમિત વિશ્વકર્મા, ડીઆઈજીપી એ. એમ. મુનિયા તેમજ એસપી એસ. જે. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ તથા ડીવાયએસપી આર. એમ. ચૌધરીના પ્રત્યક્ષ નેતૃત્વમાં આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. મરીન કમાન્ડોને અલગ-અલગ જૂથોમાં વહેંચીને સ્પીડ બોટ મારફતે ખીદરત ટાપુથી માંડીને જખૌ બંદર અને ભારતસોલ્ટ સુધીના સમગ્ર દરિયાઈ સીમાડામાં સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું હતું.
આ દરમિયાન દરિયામાં અવરજવર કરતી અને લાંગરેલી સ્થાનિક ફિશિંગ બોટોના દસ્તાવેજો, ખલાસીઓના ઓળખકાર્ડ તેમજ બોટમાં રહેલી સામગ્રીની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી.

કમાન્ડો ટીમોએ સાગરખેડૂઓ સાથે સીધો સંવાદ સાધ્યો
અભિયાન દરમિયાન કમાન્ડો ટીમોએ દરિયામાં માછીમારી કરી રહેલા સ્થાનિક સાગરખેડૂઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. દેશની દરિયાઈ સરહદોના પ્રથમ ‘આંખ અને કાન’ સમાન માછીમારોને માર્ગદર્શન આપતાં જણાવાયું હતું કે, દરિયામાં કોઈ પણ બિનવારસી, શંકાસ્પદ કે અજાણી બોટ નજરે પડે અથવા કોઈ અજાણ્યા શખ્સોની શંકાસ્પદ હિલચાલ જણાય તો વિલંબ કર્યા વિના તાત્કાલિક સુરક્ષા એજન્સીઓ અને કોસ્ટલ પોલીસને જાણ કરવી.
સતર્કતા વધુ મજબૂત બની
કચ્છનો દરિયાકાંઠો આંતરરાષ્ટ્રીય જળસીમાની તદ્દન નજીક હોવાથી રાષ્ટ્રવિરોધી તત્વો કે દાણચોરો દ્વારા કોઈપણ અનિચ્છનીય ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવવા સમગ્ર ગુજરાત કાંઠે આ પ્રકારની સુરક્ષા સમીક્ષા ડ્રાઇવ તેજ કરવામાં આવી છે. પોલીસ તંત્રના જણાવ્યા અનુસાર, જખૌ સેક્ટરમાં થયેલી આ ત્વરિત કામગીરીથી કાંઠાળ ક્ષેત્રમાં ચાંપતી નજર અને સતર્કતા વધુ મજબૂત બની છે.
(ઉત્સવ વૈધ)