અમદાવાદઃ જાણીતી સિંગર કિંજલ રબારી હાલ ફરી એક વખત ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા તેનું અપહરણ થયાના સમાચાર વહેતા થયા હતા. જોકે તેણીએ વીડિયો જાહેર કરીને આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી. આજે કિંજલ રબારી ગુજરાત હાઇ કોર્ટના શરણે પહોંચી હતી. તે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે હાજર રહી હતી અને નિવેદન નોંધાવ્યું હતું.
કોર્ટ સમક્ષ કિંજલ રબારીએ ખુલાસો કર્યો હતો કે તેમનું કોઈ અપહરણ થયું નથી. આ મામલે અશોક ચૌધરી સામે નોંધાયેલી અપહરણની પોલીસ ફરિયાદ શંકાસ્પદ હોવાનું સામે આવતાં ગુજરાત હાઇ કોર્ટે તેમને મોટી રાહત આપી હતી અને અશોક ચૌધરીની ધરપકડ પર સ્ટે લગાવી દીધો હતો. જેથી હાલ પોલીસ તેમની ધરપકડ કરી શકશે નહીં.
અશોક ચૌધરી સાથે ડિવોર્સ નહોતા લેવા પણ...
કિંજલ રબારીએ બે દિવસ પહેલાં પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો હતો. જેમાં તેણે લખ્યું કે, અશોક ચૌધરી સાથે ડિવોર્સ નહોતા લેવા પણ પરિવારે બળજબરીથી કોર્ટમાં જવાબ લખાવ્યો હતો. કિંજલ રબારી પોલીસ કમિશ્નર અને ચાંદખેડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને પત્ર લખીને પોતાનું અપહરણ થયું ન હોવાનું જણાવ્યું હતું.
કિંજલે પત્રમાં જણાવ્યું કે તેની ઉંમર 25 વર્ષ છે અને તેણે B.Sc. MLTનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ દરમિયાન રાધનપુર અપડાઉન કરતી વખતે તેની મુલાકાત અશોક ચૌધરી સાથે થઈ હતી. બંને વચ્ચેનો પરિચય બાદમાં પ્રેમસંબંધમાં પરિવર્તિત થયો હતો. ત્યારબાદ બંનેએ જીવનભર સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો અને 2 મે, 2024ના રોજ હિન્દુ વિધિ મુજબ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને પતિ-પત્ની તરીકે સાથે રહેતા હતા.
અશોક સાથે પત્ની તરીકે રહેતી હતી પણ....
કિંજલના જણાવ્યા મુજબ, બંનેના પરિવારજનો લગ્ન સ્વીકારે તેવી વિનંતી કરવામાં આવી હતી, પરંતુ પરિવારજનો સંમત થયા ન હતા. જેના પગલે 10 માર્ચ, 2026ના રોજ તેણે પિતાનું ઘર છોડ્યું હતું અને ત્યારબાદ તે અશોક સાથે પતિ-પત્ની તરીકે રહેતી હતી.
કિંજલે આક્ષેપ કર્યો છે કે ત્યારબાદ તેના પિયર પક્ષના લોકો તેને બળજબરીથી અશોકથી અલગ કરીને ઘરે લઈ ગયા હતા અને ત્યાં તેને ગોંધી રાખવામાં આવી હતી. તેને ઘરની બહાર જવા દેવાતી નહોતી તેમજ તેનો મોબાઇલ ફોન પણ લઈ લેવાયો હતો. પરિવાર દ્વારા તેના પર રાધનપુર કોર્ટમાં છૂટાછેડાની અરજી કરાવવા માટે દબાણ કરાયું હતું. કિંજલે પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે તેને અશોક ચૌધરીથી છૂટાછેડા લેવા જ નહોતા અને કોર્ટમાં પણ તેનો જવાબ બળજબરીથી લખાવવામાં આવ્યો હતો.
કિંજલે આક્ષેપ કર્યો છે કે તેના પરિવારે તેને બળજબરીપૂર્વક મુકેશ દેસાઈને સોંપી દીધી હતી અને મુકેશ તેની સાથે બળજબરી કરતો હતો. આ દરમિયાન તક મળતાં તેણે પોતાના પતિ અશોકનો સંપર્ક કરીને તેને બોલાવ્યો હતો. ત્યારબાદ 6 સપ્ટેમ્બરે તે પોતાની મરજીથી અશોક સાથે ગઈ હોવાનું તેણે પોલીસને જણાવ્યું છે. કિંજલે પોલીસ કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે તેનું કોઈ અપહરણ થયું નથી તેમજ તેની સાથે કોઈ બળજબરી કરાઈ નથી. જોકે, તેના પરિવારજનો અથવા મુકેશ દેસાઈ દ્વારા ખોટી ફરિયાદ કે અન્ય કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા હોવાથી તેણે પોલીસ સમક્ષ પોતાની સાચી હકીકત રજૂ કરી છે. સાથે જ તેની સાથે કથિત રીતે બળજબરી કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ વિનંતી કરી હતી.
કોણ છે કિંજલ રબારી
રાધનપુરના સિનાડ ગામની કિંજલ રબારી આજે લોકસંગીતમાં જાણીતું નામ છે. ધો 1 થી 8 સુધી ગામની શાળામાં અભ્યાસ કરનારી કિંજલને તેના મોટાભાઈ તથા શાળાના શિક્ષકોએ ગાવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. સ્કૂલમાં માઈક પર ગાવાના અનુભવથી ધીમે ધીમે તે પ્રોગ્રામ કરતી થઈ હતી. આજે તેની ગણના ગુજરાતના જાણીતા કલાકારો પૈકીના એકમાં થાય છે. તેના યુટ્યુબ પર 30થી વધુ આલ્બમો છે. માત્ર ગુજરાત જ નહીં રાજસ્થાનમાં પણ તેણે કાર્યક્રમો આપ્યા છે.