અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન રાજ્યમાં એક મોટી ઘટના સર્જાઈ હતી. ખેડાના ફાગવેલની ચિખલોડ બેઠક પર ભાજપ-કોંગ્રેસ, અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. ચિખલોડ ગામને કપડવંજ તાલુકામાંથી હટાવીને નવા બનાવેલા ફાગવેલ તાલુકામાં સમાવાતા વિરોધ વ્યક્ત કરવા ઉમેદવારોએ આ પગલું ભર્યું હતું.
ખેડા જિલ્લાના ફાગવેલ તાલુકાની ચિખલોડ બેઠક પર તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેચ્યું હતું. એક બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોય તેવી રાજ્યમાં પ્રથમ ઘટના બની હતી. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભાવનાબેન મનોહરભાઈ પરમાર, કોંગ્રેસના ઉમેદવાદ સોનલબેન સુરેશભાઈ પરમાર, અપક્ષના ઉમેદવારો ઇલાબેન અમૃતભાઈ શર્મા તથા વિજયભાઈ શર્માએ ફોર્મ પરત ખેંચ્યા હતા.
ચિખલોડ ગામ કપડવંજમાંથી ફાગવેલ તાલુકામાં સમાવેશ કરાતા વિરોધ કરવામાં આવ્યો હતો. ચિખલોડ ગામને અગાઉ પણ કપડવંજ તાલુકામાં યથાવત રાખવા માટે ગ્રામજનોએ ઉપવાસ આંદોલન કર્યું હતું. જેથી લોકો તેમજ ઉમેદવારોમાં અસંતોષનો ભાવ પેદા થયો છે.
4,500 જેટલી વસ્તી ધરાવતા ચિખલોડ ગામમાં મંગળવારે મોડી રાત્રે ગામના અગ્રણીઓ અને ગ્રામજનો એકઠા થયા હતા. બેઠકમાં ગામનો ફાગવેલ તાલુકામાં સામેલ કરવાનો વિરોધ નોંધાવવા માટે ચૂંટણીમાંથી તમામ ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તેવો નિર્ણય લેવાયો હતો. બુધવારે ચારેય ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે ફાગવેલ તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા અને ચૂંટણી અધિકારી સમક્ષ દાવેદારી પાછી ખેંચવાની રજૂઆત કરી હતી.
આ અંગે ફાગવેલના ચૂંટણી અધિકારીએ જણાવ્યું, ફાગવેલ તાલુકા પંચાયતની ચિખલોડ બેઠક પર ચાર ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. બે રાષ્ટ્રીય પક્ષોના હતા અને બે અપક્ષના હતા. જેમણે ફોર્મ પરત ખેંચવાનું કહેતાં મેં તટસ્થ પણે, સારા વાતાવરણમાં ચૂંટણી યોજાય અને દરેકે ચૂંટણી લડવી જોઈએ, જેથી લોકશાહીનું હનન ન થાય લોકશાહીની રક્ષા માટે ચૂંટણી લડવી અનિવાર્ય છે તેવી ચારેય ઉમેદવાર અને તેમની સાથે આવેલા તેમના ટેકેદારોને વારંવારની સમજૂતી આપવા છતાં આ ચારેય ઉમેદવારો ઉમેદવારી પત્રો પરત ખેંચવા અડગ રહ્યા હતા.