Tue Aug 18 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ કૉંગ્રેસને દલિતોના અપમાનના નામે દેકારાની તક કોણે આપી?

2026-08-14 08:53:00
Author: Bharat Bharadwaj
Article Image

 

ભરત ભારદ્વાજ

ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામાં આવેલા હલ્દવાનીના  રામલીલા મેદાનમાં કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની જાહેરસભા પછી મેદાનનું  ‘શુદ્ધિકરણ’ કરવા યોજાયેલા યજ્ઞ-હવનને કારણે બબાલ થઈ ગઈ છે. કૉંગ્રેસે આ ઘટનાનો રાજકીય ફાયદો લેવા માટે દલિત કાર્ડ ખેલી નાંખ્યું છે. કૉંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ખડગે દલિત છે ને ભાજપ દલિત વિરોધી હોવાથી તેના ઈશારે આઠ ઓગસ્ટની જાહેરસભા પછી રામલીલા મેદાનનું શુદ્ધિકરણ કરાયું હતું. 

કૉંગ્રેસે ઉત્તરાખંડમાં ને બીજે પણ આ મુદ્દે દેખાવો તો કર્યા જ પણ સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો. સંસદમાં ભાજપ વતી જે.પી. નડ્ડાએ ચોખવટ કરી કે, હવન-યજ્ઞનો કાર્યક્રમ એક ખાનગી સંગઠનનો કાર્યક્રમ હતો અને આ સંગઠન સાથે પાર્ટીને નાહવા-નિચોવવાનો પણ સંબંધ નથી. ભાજપના બીજા નેતા પણ મેદાનમાં આવ્યા છે ને કૉંગ્રેસ સમાજને વિભાજિત કરવાનું ગંદું રાજકારણ રમી રહી છે. 

કૉંગ્રેસ આ મુદ્દે ગંદુ રાજકારણ રમી રહી છે ને દલિત કાર્ડ ખેલીને રાજકીય ફાયદો મેળવવા માટે ઉધામા કરી રહી છે એ વાત સાચી છે. કૉંગ્રેસે વરસોથી હિંદુ સમાજમાં ભાગલા કરવાનું રાજકારણ રમીને દુકાન ચલાવી તેથી કૉંગ્રેસ આવું કરે તેની નવાઈ જ નથી પણ કૉંગ્રેસને આ તક ભાજપની ઉત્તરાખંડ સરકારે જ આપી છે એ વાત પણ એટલી જ સાચી છે. આ ઘટના નવમી ઓગસ્ટની છે એ જોતાં ઉત્તરાખંડની ભાજપ સરકારે તાત્કાલિક પગલાં લીધાં હોત તો કૉંગ્રેસને તક જ ના મળી હોત. 

કૉંગ્રેસના દલિત કાર્ડની વાત છોડો પણ ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતા છે ને એ પોતે હિંદુ છે એ સંજોગોમાં તેમની સભા પછી શુધ્ધિકરણનું નાટક કરાય એ યોગ્ય નથી જ. આ હરકત વાસ્તવમાં હિંદુઓમાં વિભાજન કરનારી છે ને તેની સામે પગલાં ભરાવાં જોઈએ પણ કશું ના થયું. અત્યારે પણ ભાજપ આ હરકત કરનારા સામે તાત્કાલિક પગલાં ભરવામાં ખચકાટ અનુભવી રહી છે. 

નડ્ડાએ સંસદમાં ગોળી ગળાવી કે, તપાસ કરીને કાર્યવાહી કરાશે. સવાલ એ છે કે, આ હરકત કરનારા સામે તપાસ શું કરવાની ? કામ કરતા ‘શ્રી રામ સેના ધર્માર્થ સેવા ન્યાસ’ નામના સંગઠને રામ અવસ્થીના નેતૃત્વમાં આ હવન કરેલો. હવનનો વીડિયો પણ ઉતારાયો છે તેથી બધું જગજાહેર છે. પોલીસ વીડિયોના આધારે કહેવાતું શુધ્ધિકરણ કરનારાને ઉઠાવીને જેલમાં નાખી શકે છે, તેમની સામે સમાજમાં નફરત ફેલાવવાનો કેસ પણ ઠોકી શકે છે. 

ઉત્તરાખંડમાં ભાજપની સરકાર છે એ જોતાં નડ્ડા કે કેન્દ્ર સરકાર તાત્કાલિક આટલી કાર્યવાહી કરવાનો આદેશ તો આપી જ શકે છે. નડ્ડા ઉત્તરાખંડ ભાજપને અવસ્થીને ભાજપ સાથે કંઈ લેવાદેવા છે કે નહીં તેની તપાસ કરવાનો આદેશ પણ આપી શકે. અવસ્થીને ભાજપ સાથે સંબંધ હોય તો તેની સામે આકરાં પગલાં પણ ભરવાં જોઈએ. 

ભાજપ એવું કશું કરવા તૈયાર નથી, ઊલટાનું ભાજપના નેતા કાર્યક્રમનો બચાવ કરી રહ્યા છે અને અવસ્થી આણિ મંડળીની ભાષા બોલી રહ્યા છે. આ કારણે નડ્ડાની ભાજપને આ ઘટના સાથે કંઈ લેવાદેવા નથી એવી ચોખવટ સ્વીકારી લેવામાં વાંધો નથી પણ ભાજપ આ તત્ત્વોને છાવરી રહી છે એ ખટકે જ છે. 

અવસ્થી આણિ મંડળીનો આક્ષેપ છે કે, ખડગેની સભામાં ઈસ્લામને લગતા નારા લગાવાયા હતા ને હિંદુ ધર્મ તથા હિંદુ સમાજ સામે વાંધાજનક ટિપ્પણીઓ કરાઈ હતી. ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી ખજાનદાસે તો એવો હુંકાર કર્યો છે કે, પવિત્ર રામલીલા મેદાનમાં કૉંગ્રેસની સભા દરમિયાન ધર્મ વિશેષના એટલે કે ઈસ્લામના નારા લગાવવામાં આવ્યા હતા અને આ હરકત સનાતન ધર્મમાં કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.

ઈસ્લામિક નારા લાગ્યા હોય તો પણ આ મોટો મુદ્દો નથી કેમ કે આ દેશમાં ઈસ્લામિક નારા લગાવવા ગુનો નથી. દેશવિરોધી નારા લગાવાયા હોય તો ચોક્કસ અક્ષમ્ય હરકત કહેવાય ને તેની તપાસ થવી જોઈએ, પગલાં પણ ભરાવાં જોઈએ પણ માત્ર ઈસ્લામિક નારા લગાવવામાં કશું ખોટું નથી. 

ભાજપના મંત્રી તો ઈસ્લામિક નારાને સનાતન ધર્મ સાથે જોડીને રીતસરની નાગાઈ કરી રહ્યા છે. કોઈ રાજકીય પક્ષની સભામાં કોઈ બીજા ધર્મના નારા લાગે તેમાં સનાતન ધર્મનું અપમાન કઈ રીતે થઈ ગયું ? ને મૂળ તો સનાતન ધર્મ સાથે આખી વાતને શું લેવાદેવા? સભામાં હિંદુવાદી સંગઠનો વિરુદ્ધ થયેલી ટિપ્પણીઓના આક્ષેપોની વાતમાં કેટલું તથ્ય છે તેની તપાસ ચોક્કસ થવી જોઈએ. 

હિંદુવાદી સંગઠનો સામે થયેલા આક્ષેપો કાયદાનો ભંગ કરતા હોય તો ખડગે હોય કે બીજું કોઈ હોય, તેની સામે કેસ પણ થવો જોઈએ પણ એ નક્કી કરવાનું કામ પોલીસનું છે, કોઈ ટૂણિયાટ સંગઠનનું નથી, પોતાને હિંદુવાદી કહેવડાવતું કોઈ સંગઠન પોતાની રીતે નક્કી કરી નાખે કે, આ આક્ષેપોના કારણે રામલીલા મેદાન દૂષિત થઈ ગયું ને શુદ્ધિકરણ માટે હવન કરી નાખે એ ના ચાલે. આ સંગઠનને ઈસ્લામિક નારા કે સભામાં થયેલી ટિપ્પણીઓ સામે વાંધો હતો તો તેમણે પોલીસ પાસે જવું જોઈતું હતું. રામલીલા મેદાન તેમના બાપનો બગીચો હોય એ રીતે હવન ના કરી દેવાય. 

કૉંગ્રેસ આખા મુદ્દાને ખડગે દલિત હોવા સાથે જોડીને રાજકારણ રમી રહી છે તેમાં બેમત નથી પણ કૉંગ્રેસને આવું રાજકારણ રમવાની તક કોણ આપી રહ્યું છે ? હિંદુત્વને નામે ચરી ખાતાં ફાલતું સંગઠનો આ તક આપી રહ્યાં છે ને ભાજપ તેમની સામે આકરું વલણ લેવાના બદલે તેમનો બચાવ કરી રહ્યો છે.ઉત્તરાખંડની સરકાર અવસ્થી કે ‘શ્રી રામ સેના ધર્માર્થ સેવા ન્યાસ’ના ચાર નમૂનોઓને ઉઠાવીને જેલમાં નાખી દે તો તરત કૉંગ્રેસના રાજકારણની હવા નીકળી જાય પણ ભાજપને એવું કરવામાં રસ નથી ને ફાલતુ લોકોને હિંદુત્વના ઠેકેદાર બનાવવામાં રસ છે તેની આ મોંકાણ છે. 

ભાજપ પોતાને હિંદુવાદી પક્ષ ગણાવતો હોય તો તેણે હિંદુત્વના નામે ચાલતાં તૂત બંધ કરાવીને દાખલો બેસાડવો જોઈએ. ગમે તે લલ્લુ સનાતન ધર્મના નામે લઠ્ઠુ પકડીને ઊભો થઈ જાય ને બંધારણીય હોદ્દા પર બેઠેલા ખડગે જેવા મહાનુભાવનુ અપમાન કરી નાખે એ ના ચાલે. બીજા કોઈ ધર્મના નારા લાગે તેના કારણે સનાતન ધર્મનું અપમાન થઈ ગયું એવો બકવાસ કરનારાને પણ સીધા કરવા જરૂરી છે.

જે લોકો આવી વાતો કરે છે તેમના પોતાના સ્વાર્થ છે. પોતાના સ્વાર્થને ખાતર સનાતન ધર્મના નામે ચરી ખાનારાને સીધા કરીને પણ ભાજપે દાખલો બેસાડવો જોઈએ. દલિતો હિંદુ જ છે ને તેમના મનમાં પોતાના અપમાનની સહેજ પણ લાગણી ના જન્મે એ માટે આ જરૂરી છે. ખાલી, અમે નથી કર્યું એવું કહીને હાથ ખંખેરી નાખો એ ના ચાલે.