ખુશ્બુ મુલાણી ઠક્કર
વૉટરપ્રૂફ ફૂટવેર
મોનસૂનમાં સૌથી મહત્ત્વની વસ્તુ છે યોગ્ય ફૂટવેર. ચામડાનાં જૂતાં કે ભારે સ્પોર્ટ્સ શૂઝ વરસાદમાં ઝડપથી ખરાબ થઈ શકે છે. તેના બદલે વૉટરપ્રૂફ સૅન્ડલ, રબર સ્લિપર્સ અથવા ઙટઈ ફૂટવેર પસંદ કરો. તે સરળતાથી સૂકાઈ જાય છે અને પગને આરામદાયક રાખે છે. આ ફૂટવેર એટલા કલરફુલ હોય છે તમારા આઉટફિટના કલર સાથે મિક્સ ઍન્ડ મૅચ પણ કરી શકો. ફૂટવેરના કલરની પસંદગી તમારા વર્ક પ્લેસની અનુરૂપ કરી શકો. જેમકે, જો તમે કોઈ કૉર્પોરેટ કંપનીમાં કામ કરતા હોવ તો સોબર કલરના ફૂટ વેર સારા લાગશે અને જો તમે કૉલેજ ગાઇંગ છો તો તમે કલરફુલ ફૂટવેર પહેરી શકો.
લાઇટવેઇટ અને ક્વિક-ડ્રાય કપડાં
વરસાદી મોસમમાં કૉટનનાં ભારે કપડાં ભીનાં થયા પછી મોડાં સૂકાય છે. પૉલિયેસ્ટર, રેયોન અથવા ક્વિક-ડ્રાય ફેબ્રિકનાં કપડાં વધુ અનુકૂળ રહે છે. હળવા અને આરામદાયક કપડાં પસંદ કરવાથી આખો દિવસ તાજગીનો અનુભવ થાય છે. આવાં કપડાં જો ભીનાં થાય તો તેમાંથી પાણી જલ્દી નીકળી જાય છે અને જલ્દીથી સુકાઈ જાય છે. સિન્થેટિક કપડાં ભીનાં થાય તો પણ શરીરને ચોંટતાં નથી.
સ્ટાઇલિશ રેઇનકોટ
આજકાલ બજારમાં વિવિધ રંગો અને ડિઝાઇનના રેઇનકોટ ઉપલબ્ધ છે. પારદર્શક અથવા ટ્રેન્ડી રેઇનકોટ માત્ર વરસાદથી બચાવે છે એટલું જ નહીં, પરંતુ તમારા લુકને પણ ફૅશનબલ બનાવે છે. ખાસ કરીને યુવાનોમાં લાંબા અને ઓવરસાઇઝ રેઇનકોટનો ટ્રેન્ડ વધી રહ્યો છે. રેઇેનકોટમાં પણ હવે ઘણી વેરાઇટી આવે છે. જેમકે, પોન્ચા સ્ટાઇલ રેઇનકોટ કે જેમાં કોઈ ખાસ સાઇઝ નથી હોતી. લુઝ હોવાથી મેલ ફિમેલ બન્ને પર સારાં લાગે છે.
મજબૂત છત્રી
મોનસૂનમાં એક સારી ગુણવત્તાવાળી છત્રી હંમેશા સાથે રાખવી જોઈએ. ફોલ્ડિંગ અને લાઇટવેઇટ છત્રી સરળતાથી બૅગમાં સમાઈ જાય છે. તેજ પવનમાં પણ ટકી રહે તેવી મજબૂત છત્રી પસંદ કરવી વધુ ફાયદાકારક રહે છે. આમ જોઈએ તો વધારે વરસાદમાં છત્રી ઉપયોગી નથી માત્ર માથું જ ઢંકાઈયેલું હોય છે , બાકી આખા ભીના થઈ જવાય છે...
વૉટરપ્રૂફ બૅગ
મોબાઇલ, દસ્તાવેજો અને અન્ય જરૂરી વસ્તુઓને વરસાદથી બચાવવા માટે વૉટરપ્રૂફ બૅગ અથવા બૅગકવર રાખવું જરૂરી છે. આજકાલ ફૅશનેબલ વૉટરપ્રૂફ બેકપેક અને હૅન્ડબૅગ પણ સરળતાથી ઉપલબ્ધ છે. વૉટરપ્રૂફ બૅગ હોવી તે સૌથી મહત્ત્વનું છે. જો બૅગ વૉટરપ્રૂફ હોય તો તમારી બધી જ વસ્તુ સચવાયેલી રહે છે. વૉટરપ્રૂફ બૅગ જલ્દી સુકાઈ પણ જાય છે.
હેર કૅર પ્રોડક્ટ્સ
વરસાદી મોસમમાં વાળ વધુ ફ્રિઝી અને ચિપચિપા બની શકે છે. એન્ટી-ફ્રિઝ સીરમ, ડ્રાય શૅમ્પૂ અને હેર સ્પ્રે જેવી વસ્તુઓ તૈયાર રાખો. તે તમારા વાળને સુંદર અને વ્યવસ્થિત રાખવામાં મદદ કરશે. જો તમારે બહાર જવાનું હોય તો વાળને ખાસ કરીને બ્લો કરાય કે પછી આર્યન કરવા.
વૉટરપ્રૂફ મોબાઇલ કવર
સ્માર્ટફોન આજે જીવનનો મહત્ત્વનો ભાગ બની ગયો છે. વરસાદમાં તેને સુરક્ષિત રાખવા માટે વૉટરપ્રૂફ કવર અથવા ઝિપ પાઉચનો ઉપયોગ કરવો જોઈએ. હવે તો ઘણાં સારાં વૉટરપ્રૂફ પાઉચ આવે છે જેને લીધે ટિપિકલ લુક નથી આવતો પણ ફૅન્સી લુક આવે છે.
વધારાનાં કપડાં
જો તમે લાંબા સમય સુધી બહાર રહેતા હોવ તો બૅગમાં એક વધારાનું ટૉપ, ટી-શર્ટ અથવા સ્ટૉલ રાખવો ઉપયોગી સાબિત થઈ શકે છે. અચાનક ભીના થઈ જાઓ તો તરત બદલવાની સુવિધા મળી રહે છે. આ એક એક્સ્ટ્રા કામ થઈ જાય, પરંતુ આખો દિવસ ઑફિસમાં ભીના બેસી રહેવું એના કરતાં તો એક્સ્ટ્રા જોડી કપડાં રાખવાં સારાં.
બ્રાઇટ કલર્સનો સમાવેશ
મોનસૂન દરમિયાન આકાશ મોટાભાગે વાદળછાયું રહે છે. તેથી પીળો, ગુલાબી, ઑરેન્જ, લીલો અને બ્લૂ જેવા ચટક રંગોનાં કપડાં તમારા લુકમાં તાજગી અને આકર્ષણ ઉમેરે છે. જો તમે ડાર્ક કલરનાં કપડાં પહેર્યા હોય અને જો તમે ભીના થાવ તો ખરાબ નથી લાગતું. જો ચાલતી વખતે કીચડ ઊડે તો ડાર્ક કલરને લીધે દેખાતું નથી. વાદળિયા વાતાવરણથી આળસ આવે છે. તેથી જો બ્રાઇટ કલર પહેર્યો હશે તો થોડું ફ્રેશ પણ ફીલ થશે.
મોનસૂન ફૅશન માત્ર સુંદર દેખાવ પૂરતી મર્યાદિત નથી, પરંતુ આરામ અને વ્યવહારિકતા પણ એટલી જ મહત્ત્વની છે. જો તમે વરસાદી મોસમ પહેલાં આ જરૂરી વસ્તુઓ તૈયાર રાખશો તો વરસાદની મજા માણતાં-માણતાં પણ તમારો સ્ટાઇલિશ લુક જાળવી શકશો. યોગ્ય તૈયારી સાથે મોનસૂન તમારા માટે ફૅશન અને કમ્ફર્ટનું પરફેક્ટ કૉમ્બિનેશન બની શકે છે.