Thu Jul 23 2026

Logo

કાસેઝ-કંડલા પોર્ટ માર્ગ બનશે સિક્સ લેન, જાણો કેટલા કરોડનો થશે ખર્ચ

2026-06-29 10:15:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ કચ્છના પ્રથમ મહાનગર ગાંધીધામ-આદિપુર પંથકમાં ઔદ્યોગિક અને માળખાકીય સુવિધાઓના વિસ્તરણની દિશામાં વધુ એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. કંડલા વિશેષ આર્થિક ક્ષેત્રથી દેશના અગ્રણી દીનદયાલ પોર્ટ (કંડલા)ને જોડતા અતિ વ્યસ્ત એવા ૪-લેન માર્ગને હવે ‘સિક્સ લેન’ બનાવવાની વહીવટી ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે. આ પ્રકલ્પ સાકાર થતાં જ દેશના નંબર-વન બંદર સુધી કાર્ગો પરિવહન કરતા ભારે વાહનો અને સ્થાનિક વાહનચાલકોને વર્ષો જૂની ટ્રાફિક સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે.

મળતી વિગતો મુજબ, કાસેઝથી કંડલા પોર્ટના તિલક ગેટ સુધીના અંદાજિત ૮.૪૫ કિલોમીટર લાંબા માર્ગના વિસ્તરણ માટે રૂા. ૭૭ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે અને આ કામગીરી માટે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં દેશની ત્રણ નામાંકિત બાંધકામ એજન્સીઓએ રસ દાખવ્યો છે. ટેન્ડરની ચકાસણીની મોટાભાગની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હોઈ, ટૂંક સમયમાં જ શોર્ટલિસ્ટ થયેલી એજન્સીને સત્તાવાર ‘વર્ક ઓર્ડર’ આપી દેવાશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

જે એજન્સીને કામ સોંપાશે તેણે વર્ક ઓર્ડર મળ્યાના ૧૮ મહિનાની નિયત સમયમર્યાદામાં આ આખો હાઈવે તૈયાર કરીને સુપ્રત કરવાનો રહેશે. આ હાઈ-ટેક સિક્સ લેન પ્રોજેક્ટ માત્ર રસ્તો પહોળો કરવા પૂરતો સીમિત નથી, પરંતુ વાહનોની ગતિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમાં આધુનિક લોજિસ્ટિક્સ સુવિધાઓ ઉમેરાશે. માર્ગ પર ટ્રાફિક જામ નિવારવા માટે વિશેષ ઓવરબ્રિજ અને નાના વાહનોની આંતરિક અવરજવર માટે ‘વ્હીકલ અન્ડરપાસ’ બનાવવામાં આવશે.હાઈવે પર કંડલા પોર્ટ તરફ જતા ભારે માલવાહક ટ્રેલરો અને ટ્રકો વ્યવસ્થિત રીતે પાર્ક થઈ શકે તે માટે ખાસ ‘ટ્રક લે-બાય’ પાર્કિંગ પ્લેસ ઊભા કરાશે.

ભૂતકાળમાં કાસેઝ વળાંકથી કંડલા પોર્ટ વચ્ચેના સાંકડા માર્ગ અને ભારે ટ્રાફિકના કારણે અનેક ગમખ્વાર અકસ્માતો સર્જાયા છે, જેમાં અનેક લોકોએ જાન ગુમાવ્યા છે. સામખિયાળીથી ગાંધીધામ સુધીનો રસ્તો અગાઉ જ સિક્સ લેન બની ચૂક્યો છે અને હાલ ખારીરોહર-કંડલા માર્ગ પર પણ કામ ચાલુ છે, તેવામાં આ ૮.૪૫ કિલોમીટરનો ટુકડો ફોર-લેન હોવાથી ટ્રાફિકની આડશ સર્જતો હતો. આ નવો પ્રકલ્પ પૂર્ણ થતાં જ પોર્ટને જોડતા તમામ હાઈવે સિક્સ લેન થઈ જશે, જેનાથી માર્ગ સુરક્ષામાં વ્યાપક સુધારો થશે.

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આ માર્ગને પહોળો કરવા માટે લાંબા સમયથી કેન્દ્ર અને રાજ્ય સરકારમાં રજૂઆતો કરવામાં આવતી હતી. ચેમ્બરના પ્રમુખ તેજા કાનગડે વહીવટી તંત્રના આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, માર્ગ છ માર્ગીય બનવાથી કંડલા બંદરે આવતો-જતો આયાતી અને નિકાસી કાર્ગો ખૂબ જ ઝડપથી ગંતવ્ય સ્થાને પહોંચી શકશે. આ સાથે તેમણે પૂર્વ કચ્છના આગામી ભવ્ય વિકાસ અને ટ્રાફિકના ભારણને ધ્યાનમાં રાખીને કંડલાથી માળિયા સુધીના હાઈવેને પણ વહેલી તકે ‘સિક્સ લેન એક્સપ્રેસ-વે’માં ફેરવવાની કામગીરી ઝડપથી શરૂ કરવા ઉચ્ચ સ્તરે માંગ કરી છે.

(ઉત્સવ વૈદ્ય)