બેંગલુરુ: કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અનામતમાં સુધારાના વિવાદ વચ્ચે નવો સૂર વ્યક્ત કર્યો છે. તેમણે રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી લાગુ કરવા અને દલિતો, પછાત સમુદાયો અને લઘુમતીઓ માટે અનામત 75 ટકા સુધી વધારવાની માંગ કરી છે. હાલ દેશમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અનામત મર્યાદા 50 ટકા સુધી મર્યાદિત છે. તેમણે જણાવ્યું હતું કે વસ્તીના આધારે સમાન તકો પૂરી પાડવી જોઈએ.
વસ્તીના પ્રમાણમાં અનામત આપવી જોઈએ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વસ્તીના આધારે સમાન તકો પૂરી પાડ્યા વિના સમાનતાવાદી સમાજનું નિર્માણ થઈ શકતું નથી. કર્ણાટક રાજ્ય પછાત વર્ગ ફેડરેશનના રજત જયંતિ સમારોહમાં બોલતા સિદ્ધારમૈયાએ કહ્યું કે જાતિ સર્વેક્ષણ અહેવાલ લાગુ થવો જોઈએ. તેમણે ભાર મૂક્યો કે દરેક સમુદાયની વસ્તીના પ્રમાણમાં અનામત આપવી જોઈએ.
જાતિ અને વસ્તીના પ્રમાણમાં અનામત મળે
સિદ્ધારમૈયા જણાવ્યું હતું કે સમાનતાવાદી સમાજ ત્યારે જ બનાવી શકાય છે જ્યારે દરેકને તેમની જાતિ અને વસ્તીના પ્રમાણમાં અનામત મળે.તેમજ રાજકીય સમાનતા પ્રાપ્ત કરવા માટે લોકસભા અને વિધાનસભાઓમાં જાતિ અને વસ્તીના આધારે સમાન અનામત જરૂરી છે.
પછાત વર્ગ આયોગનો અહેવાલનો અમલ કરવા માંગ
સિદ્ધારમૈયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મુખ્યમંત્રી તરીકેના તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા જાતિ સર્વેક્ષણનો અમલ થવો જોઈએ. તેમણે મધુસુદન નાઈકના નેતૃત્વ હેઠળના પછાત વર્ગ આયોગ દ્વારા રજૂ કરાયેલા અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં નોંધ્યું હતું કે તેમણે મુખ્યમંત્રી પદ છોડતા પહેલા અહેવાલ સ્વીકાર્યો હતો.