થાણે: કલ્યાણમાં બનેલી ચોંકાવનારી ઘટનામાં પિયરમાં આવેલી દીકરીની વજનદાર વસ્તુ ફટકારી હત્યા કરવામાં આવ્યા પછી પિતા શંકાના ઘેરામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં બિલ્ડિંગ બહાર ઝડપભેર જતો દેખાતો પિતા ઘટના બાદથી ગુમ હોવાથી પોલીસ તેની શોધ ચલાવી રહી છે.આ હત્યા પાછળનું રહસ્ય એટલા માટે ઘેરાયું હતું કે ઘટનાના એક દિવસ પહેલાં પિતા-પુત્રી સાથે બેસીને ટીવી જોતાં હતાં. એ સિવાય તેમની વચ્ચે કોઈ વિવાદ કે ઝઘડો પણ નહોતો, એવું પરિવારજનોનું કહેવું છે.
બાઝારપેઠ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના કલ્યાણ પશ્ર્ચિમમાં પારેકરવાડા વિસ્તારની રચના રૉયલ બિલ્ડિંગમાં બની હતી. મૃતકની ઓળખ ગાયત્રી શિંદે (25) તરીકે થઈ હતી. ગાયત્રીનાં લગ્ન નવેમ્બર, 2025માં ભિવંડી તાલુકામાં રહેતા અક્ષય શિંદે સાથે થયાં હતાં. ગાયત્રીની હત્યા સોમવારની બપોરે થઈ હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.ઘટના બાદથી ગુમ ગાયત્રીના પિતા વિનોદ વસઈકરની પોલીસ શોધ ચલાવી રહી છે. પિતા-પુત્રી વચ્ચે કોઈ ઝઘડો થયો નહોતો કે કોઈ વિવાદ પણ નહોતો. રવિવારે પરિવારજનો સાથે ટીવી જોતા હતા અને પછી સાંજે નજીકના કાલા તળાવ પાસે ફરવા ગયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે સોમવારની રાતે ગાયત્રીની માતા કામેથી પાછી ફરી ત્યારે ઘટના પ્રકાશમાં આવી હતી. ખાનગી કંપનીમાં કામ કરતી માતા ઘરે પહોંચી ત્યારે મુખ્ય દરવાજો ખુલ્લો હતો. માતા ઘરમાં ગઈ ત્યારે ગાયત્રી લોહીના ખાબોચિયામાં પડેલી નજરે પડી હતી. તેણે તાત્કાલિક દીકરા અને પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં વજનદાર વસ્તુ માથા પર ફટકારી ગાયત્રીની હત્યા કરાઈ હોવાનું જણાયું હતું.
પોલીસે બિલ્ડિંગના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ખાનગી કંપનીમાં કામ કરતો વસઈકર સોમવારની સવારે અણધારી રીતે ઘરે પાછો ફર્યો હતો. બાદમાં સાંજે ચાર વાગ્યાની આસપાસ તે બિલ્ડિંગ બહાર ઉતાવળે જતો ફૂટેજમાં દેખાય છે. સિનિયર ઈન્સ્પેક્ટર સુરેશ સિંહ ગૌડે જણાવ્યું હતું કે મૃતકના પતિની ફરિયાદને આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ માટે પોલીસ અધિકારીઓની ત્રણ ટીમ બનાવવામાં આવી હતી. (પીટીઆઈ)