Thu Apr 30 2026

Logo

‘ચાલતાં-ભણતાં ને રાંધતાં સેંકડો લોકો અચાનક ઘસઘસાટ ઊંઘી જાય!

2026-04-05 09:35:17
Author: પ્રફુલ શાહ
Article Image

હેં...  ખરેખર?! - પ્રફુલ શાહ

કોઈ ચાલતાં હોય, કોઈક વળી રસોઈ કરતાં હોય કે શાળામાં ભણતાં હોય અને અચાનક જ્યાં હોય ત્યા ઊંઘી જાય. આમાં નર, નારી, બાળકો અને વડીલો પણ ખરા. એટલું જ નહિ, જાગી ગયા પછી બધાં ભયંકર થાક, શિર દર્દ, ભ્રમ અને સ્મૃતિભ્રંશ જેવી મુશ્કેલી અનુભવે. 

આ કોઈ સાયન્સ ફિક્શન નવલકથાનાં કે હોરર સ્ટોરીના સિચ્યુએશન કે પાત્રોની વાત નથી. હકીકત છે, એકદમ નક્કર અને સાચુકલી. ઘટના સ્થળ કલાચી. ના, પાકિસ્તાનના કરાંચીની નહિ, કઝાકિસ્તાનના કલાચીમાં આવું બન્યું હતું. સમયગાળો હતો 2013થી 2016. 

હવે થોડી માંડીને વાત. કલાચીના રહેવાસીઓ રહસ્યમય ‘સ્લીપિંગ સિકનેસ’ (જેને નામ આપવામાં આવ્યું હતું ‘સ્લીપિંગ હોલો-જહયયાુ ઇંજ્ઞહહજ્ઞ’) થી પીડાતા હતા. આના કારણે લોકો અચાનક ઘણા દિવસો સુધી ઊંઘી જતા, હેલ્યુસિનેશન (ભ્રમ) અનુભવતા અને યાદશક્તિ પણ ગુમાવી બેસતા હતા. આ બીમારીની લપેટમાં બે-પાંચ-દશ નહિ, 150થી વધુ ઝડપાઈ ગયા હતા. ઉત્તર કઝાકિસ્તાનના કલાચી સાથે અને નજીકના ગામ ક્રાસ્નોગોર્સ્કમાં પણ આ માંદગી દેખા દીધી હતી. ક્રાસ્નોગોર્સ્ક એક નાનું નગર છે જે ઐતિહાસિક રીતે યુરેનિયમ ખાણકામ માટે જાણીતું હતું. આ સ્થળ કઝાકિસ્તાનના અક્મોલા પ્રદેશમાં આવેલું છે.

કુલ આશરે 810ની વસ્તીવાળા આ ગામોમાં (મૂળત્વે રશિયન અને જર્મન વંશના લોકો), લોકો અચાનક ઊંઘી જતા. ચાલતા-ફરતા લોકો અચાનક ઊંઘી જતા અને જાગ્યા પછી સ્મૃતિભ્રંશ, બેહોશી જેવી હાલત, નબળાઈ અને માથાનો દુખાવો અનુભવતા. કેટલાક લોકોને આ સમસ્યા ઘણી વાર (અડધી ડઝન કરતાં વધુ વખત) થઈ. કેટલાક દર્દીઓ સતત છ દિવસ સુધી ઊંઘ્યા રહ્યા. બીમારીગ્રસ્ત વ્યક્તિ બહારથી જાગૃત લાગે, ચાલી પણ શકે, પરંતુ અચાનક ઊંઘમાં તૂટી પડે અને ઊંઘમાં ઘોરવા માંડે. કેટલાક લોકો જાગવાનો પ્રયાસ કરતા છતાં આંખો ખોલી શકતા નહોતા અને સતત ઊંઘમાં જ રહેતા હતા. 

આનો શિકાર બનેલા તથા કલાચી અને ક્રાસ્નોગોર્સ્કવાસી ઉપરાંત દુનિયા આખી સ્તબ્ધ થવા સાથે મુંઝાયેલી હતી કે આ વિચિત્ર માંદગીનું કારણ શું? તબીબી વિજ્ઞાન પણ સાવ અંધારામાં હતું. ડોક્ટરોએ કેટલાય પરીક્ષણો કર્યા, પરંતુ કારણ હાથ લાગતા નહોતા. કઝાકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે સાત હજારથી વધુ ઘરોની તપાસ કરી હતી. શરૂઆતમાં આ બનાવટી દારૂ-વોડકા-ની અસર હોવાની શક્યતા પણ વ્યક્ત થઈ હતી. પછી મગજના કોઈ અજાણ્યા રોગોની શંકા ય ચર્ચાઈ હતી. આસપાસ રેડિએશન અથવા ભારે ધાતુઓના જોખમી સ્તરો મળ્યા નહોતા. કેટલાક ઘરોમાં રેડિયમનું પ્રમાણ વધેલું મળ્યું, પરંતુ તે આ રહસ્યમય ઘટના સમજાવવા પૂરતું નહોતું. 

‘સ્લીપિંગ સિકનેસ’ને લીધે ‘સ્લીપિંગ વિલેજ’ જેવી નવી ને વણગમતી ઓળખ તો મળી પણ એ બીમારી થવાના કારણો મોટાભાગના નેતાલોગની પ્રમાણિકતા જેમ દેખાતા નહોતા. આ રહસ્યમય માંદગીના કારણો અંગે વિશ્વ વિખ્યાત પ્રકાશનો ‘ધ ગાર્ડિયન’ અને ‘ધ ટાઈમ’ની તપાસમાં અસલી કારણ પ્રગટ થયા હતા. આ ભેદી માંદગી માટે જવાબદાર હતા જૂના સોવિયેત સંઘ યુગની યુરેનિયમ ખાણોમાંથી નીકળતા કાર્બન મોનોક્સાઈડ અને હાઈડ્રોકાર્બન વાયુઓ. આને લીધે હવામાં ઓક્સિજનનું સ્તર ઘટી જતું હતું. બન્ને ગામ નજીક આવેલી સોવિયેત યુગની યુરેનિયમ ખાણો ભલે બંધ પડેલી હતી પણ એમાંથી કાર્બન મોનોક્સાઈડ અને હાઈડ્રોકાર્બન વાયુઓ હવામાં ફેલાતા રહેતા હતા.

 પણ અગાઉ ક્યારેય નહિ પણ એ સમયે એવું અચાનક અને મોડે મોડે કેમ થવા લાગ્યું હતું? ખાણોમાં પાણી ભરાતા ઝેરી વાયુઓ બહાર નીકળતા હતા જે ઓક્સિજન કરતાં ભારે હોવાથી હવામાં ફેલાઈ ઓક્સિજનનું પ્રમાણ ઘટાડી દેતા હતા. ખુદ કઝાકિસ્તાનના તત્કાલીન નાયબ વડા પ્રધાને આ કારણો સ્વીકાર્યા હતા. ખાણો લાંબા સમયથી બંધ હોવા છતાં ક્યારેક કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધી જવાથી હવામાં ઓક્સિજન ઘટી જતું હતું અને એ જ બાબત આ ‘સ્લીપિંગ સિકનેસ’નું મૂળ કારણ હતું. 

હવે કરવું શું? જોખમને ધ્યાનમાં રાખીને કઝાકિસ્તાન સરકારે ગામના લોકોનું સ્થળાંતર કરાવવાનો નિર્ણય લીધો. દાયકા જૂના સંવેદનાત્મક મૂળ છોડવાનું આસાન નથી. 

આથી સ્થાનિક સત્તાવાળાઓએ ગામવાસીઓને નવા ઘર અને રોજગાર સાથે અન્ય સ્થળે વરસાવવાની ઓફર કરી. એ સમયે મહાપ્રાણ ગામના અડધાથી વધુ રહેવાસીઓ અન્યત્ર સ્થળાંતર માટે તૈયાર થયા હતા.

માનવીની વિનાશક લાલસાને પાપે ન જાણે કેટલાય માનવીઓ ક્યાં ક્યાં અને કેવી કેવી બીમારીના શિકાર બનતા હશે?