Fri Jul 24 2026

Logo

ગુજરાતી સિંગર કાજલ મહેરિયાએ કર્યા પ્રેમ લગ્ન, ભાઈની સોશિયલ મીડિયા પોસ્ટથી ખળભળાટ

2026-04-17 09:07:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતની વધુ એક જાણીતી સિંગરના લગ્નનો વિવાદ સામે આવ્યો છે. બેવફા સોંગ ક્વીન તરીકે ઓળખાતી કાજલ મહેરિયાએ પરિવારની જાણ બહાર લગ્ન કરી લેતા તેના ભાઈ સંદીપ મહેરિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને સમાજને મદદ માટે વિનંતી કરી છે. 

સંદીપ મહેરિયાએ શું કરી પોસ્ટ

સંદીપ મહેરિયાએ પોસ્ટ કરીને લખ્યું કે, ગુજરાતના સિંગર કાજલબેન મહેરિયાએ ઘર-પરિવારની જાણ બહાર લગ્ન કર્યા છે. સમાજ કે પરિવારને જાણ નથી. જેથી આ સમાજ તથા 18 આલમ મહેરિયા પરિવારને સપોર્ટ કરવા વિનંતી. 

કાજલ મહેરિયાના પરિવારનો દાવો છે કે આટલી મોટી સેલિબ્રિટી હોવા છતાં સામાજિક મર્યાદાઓનો ભંગ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટને કારણે સમાજના અગ્રણીઓમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.   

હાલ સુધી કાજલ મહેરિયાની તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જેના કારણે મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. ચાહકો અને સમાજના લોકો આ મુદ્દે ગાયિકાની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે.

કોણ છે કાજલ મહેરિયા

કાજલ મહેરિયા ગુજરાતની  લોકપ્રિય ગાયિકા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં તેમનો એક વિશાળ ચાહક વર્ગ છે, જે તેમની ગાયકીને ખૂબ જ પસંદ કરે છે. તેઓ મૂળ મહેસાણા જિલ્લાના વતની છે. સંગીત ક્ષેત્રે તેમણે ખૂબ જ ટૂંકા ગાળામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે અને ગુજરાતી સંગીત જગતમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કાજલ મહેરિયા તેમના સુરીલા અવાજ અને વિવિધ પ્રકારના ગીતો માટે જાણીતા છે. નવરાત્રી અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેમના ગરબાની ભારે ધૂમ જોવા મળે છે. આ ઉપરાત સેડ સોંગ અને દર્દભર્યા ગીતો માટે પણ જાણીતી છે, જેથી તેને બેવફા સોંગ ક્વીન પણ કેટલાક લોકો કહે છે. તેમના ગીતો સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે અને મિલિયનોમાં વ્યૂઝ મેળવે છે.

આ પહેલા આ ત્રણ જાણીતી સિંગર આવી હતી વિવાદમાં

થોડા દિવસ પહેલાં રાધનપુરના સીનાડ ગામની રહેવાસી સિંગર કિંજલ રબારીએ  આંજણા પટેલ જ્ઞાતિના યુવક અશોક ચૌધરી સાથે ભાગીને લગ્ન કર્યા હતા. ભાગીને લગ્ન કર્યાં બાદ રબારી સમાજે કિંજલ રબારીનો ભારે વિરોધ કર્યો હતો, અને ગમે ત્યાંથી શોધી કાઢવાની વાતો પણ કરી હતી. થોડા દિવસ બાદ કિંજલ રબારીએ વીડિયો વાયરલ કરતા કહ્યું કે, હું કિંજલ રબારી મારા નામે હાલ જે વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે કહેવા માગું છું કે, હું મારી રાહ ભટકી જે પગલું ભરેલું તે પગલું ખોટુ હતું માટે હું રાજી ખુશી થી મારા પરિવારનો સપર્ક કરી મારા પરિવાર પાસે આવી ગયેલી છું અને હું કાયમ માટે મારા પરિવાર સાથે હળીમળી ને રહેવા માંગુ છું. 

કિંજલ દવે પણ આવી હતી ચર્ચામાં

ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે આંતરજ્ઞાતિય સગાઈ કરી હતી. જે બાદ પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે તેને ન્યાત બહાર કરી હતી. જે બાદ કિંજલે સમાજ સામે બંડ પોકાર્યો હતો અને સમાજના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. આ પછી કિંજલ દવેએ શાનદાર સગાઈ પાર્ટી યોજી હતી અને માલદીવમાં ધ્રુવિન સાથે વેકેશન માણવા પણ ગઈ હતી.

સિંગર આરતી સાંગાણીએ પણ કર્યા હતા પ્રેમલગ્ન

કિંજલ દવે બાદ સુરતની જાણીતી ગાયિકા આરતી સાંગાણીએ પણ તબલા વાદક યુવક દેવાંગ ગોહિલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેના આંતરજ્ઞાતિય લગ્નના કારણે પાટીદાર સમાજ રોષે ભરાયો હતો અને કાર્યક્રમો રદ કરાવ્યા હતા. જોકે થોડા દિવસ બાદ વિવાદ શાંત પડી ગયો હતો.