- સંજય છેલ
ટાઇટલ્સ:
બૂઢી આંખોના મૌન હાસ્યમાં જીવતરની ગાથા હોય છે.
(છેલવાણી)
એક સ્કૂલમાં ટીચરે, ‘એક બાળકને પૂછ્યું, તારા મા-બાપના નામ શું છે?’
‘મારા પપ્પાનું નામ ‘લાફિંગ’ છે અને મમ્મીનું નામ ‘સ્માઇલિંગ’, બાળકે કહ્યું.
ટીચરે ભડકીને પૂછ્યું, ‘ઓહ, મશ્કરી એમ?’
‘ના..ના..‘મશ્કરી’ તો મારી બહેનનું નામ છે. મારું નામ ‘જોકિંગ’ છે!, પેલા બાળકે હસીને કહ્યું ને આ સાંભળીને આખો ક્લાસ હસવા માંડ્યો. જો આવી મસ્તી પીએચ.ડી.ના સ્ટુડંટે કરી હોત તો કોઇ ના હસત! એક બાળકના હાસ્યમાં, સ્મિતમાં નિર્દોષતા છે. દરેક હાસ્યકારે પોતાની અંદર આવી નિર્દોષતા સાચવી રાખવી પડતી હોય છે.
હાસ્ય વિશેના એક સર્વે મુજબ જે કલાકારો પોતાની જાત પર હસે ને પોતાની મજાક ઉડાવે તેઓ વધુ સુખી હોય છે. કદાચ એવું હશે કે કલાકારનું બધું ટેન્શન એનાથી ઊતરી જતું હશે! પણ આપણને હસાવનારા કલાકારો સૌથી વધુ દુ:ખી હોય છે એવું માનવું આપણને ગમે? હોલિવૂડના કોમેડિયન અને કલાકાર રોબિન વિલિયમ્સે 2014માં આપઘાત કર્યો હતો. એને બાયપોલર ડિસઓર્ડરની માનસિક બીમારી હતી અને વારંવાર ડિપ્રેશન કે હતાશાના એટેક આવતા. ત્યારથી આ ચર્ચા ચાલુ થયેલી કે હાસ્ય કલાકારને ડિપ્રેશન કેવી રીતે આવી શકે? દુનિયાને હસાવનાર જોકરનાં આંસુ કોઈને દેખાતાં નથી. કદાચ જોકર આંસુ વહાવીને પણ લોકોને હસાવવા માગે છે. કદાચ આ દોરંગી દુનિયામાં એક જોકરના આંસુ જેવી પવિત્ર ચીઝ કોઇ નથી.
હાસ્ય અને હતાશા પર ડો. ડોબરાહ સેરની કહે છે કે ડિપ્રેશન એવી વાત છે કે સામેવાળો માણસ કોણ છે, એ જોતું નથી. સામાન્ય માણસને પણ થાય અને અસામાન્ય ટેલેન્ટેડ માણસને પણ થાય. તેના કહેવા પ્રમાણે હાસ્ય કલાકારની સારવાર કરવામાં વધારે તકલીફ પડે, કારણકે તેમના માટે હળવાશનો અનુભવ કરવો મુશ્કેલ હોય છે. તો બીજી બાજુ સાઈકોલોજિસ્ટ પ્રો. પીટર મેકગ્રા કહે છે કે લોકોને હસાવવા માટે રમૂજી અને મશ્કરા બનવામાં સામાન્ય કામ કરતાં વધારે તકલીફ પડે છે. હાસ્ય કલાકારોને સફળતા માટે ખૂબ સંઘર્ષ કરવો પડે છે કારણકે મનોરંજન ક્ષેત્રે ગળાકાપ સ્પર્ધા હોય છે. હાસ્ય કલાકારો પર સતત સફળ રહેવાનું ટેન્શન હોય છે. હાસ્ય કલાકારો પોતાની જ સફળતાની જાળમાં ફસાઈ જાય છે. ટીવીનો પોપ્યુલર સ્ટેંડઅપ હાસ્યકાર- કપીલ શર્મા પણ બાકી નથી રહ્યો!
ઇન્ટરવલ :
અપને પે હંસકર, જગ કો હંસાયા. બન કે તમાશા, મેલે મેં આયા.
(મેરા નામ જોકર-ફિલ્મ)
ફ્રાન્સમાં એક સાઇકિયાટ્રિસ્ટ પાસે દર્દી આવ્યો અને તેણે ફરિયાદ કરી, ‘ડો. મને બેચેની જેવું લાગે છે, ડિપ્રેશન જેવું લાગે છે, ઊંઘ નથી આવતી. સતત ઉદાસ રહું છું.’
ડોક્ટરે કહ્યું, ‘તમે એક કામ કરો. અહીં પાસે જ નાટકનું થિયેટર છે. ત્યાં નાટ્યલેખક મોલોયેરનાં નાટકો ભજવાય છે એને જોવા જાવ. એમાં બહુ સરસ કોમેડી હોય છે. એને જોતાં વેંત જ તમારું બધું જ ડિપ્રેશન જતું રહેશે ને તમે સાજા થઇ જશો.’
દર્દીએ કહ્યું, ‘હું પોતે જ મોલિયેર છું!’
હિંદી વ્યંગકાર હરીશંકર પરસાઇ, પોતાના હાસ્ય વ્યંગ્ય લેખન માટે લખે છે : ઓ. હેન્રી જેલમાં જવાથી લેખક બન્યો અને હું બેકારીને લીધે બન્યો. હું વ્યંગ્ય લખતો થયો તો મને લોકો સલાહ આપતાં કે કશુંક શાશ્ર્વત લખ જેથી અમર થઇ શકાય. એવી અમર થવાની સલાહ આપનારાં આજે ક્યારનાય મરી ગયાં છે અને હું હજી જીવું છું કારણ કે હું આજે જે લખું છું એ કાલે મરી જાય છે અને હું ફરી ફરી નવું લખતો રહું છું. કલાકારે દર વખતે નવો જન્મ લેવો પડે છે અને પોતાની હાજરી નોંધાવવી પડે છે.
એક અભ્યાસ પરથી એવું તારણ પણ આવ્યું છે કે સ્ટેજ પર કોમેડી કરીને હસાવતા કલાકારો અંગત જીવનમાં અંતર્મુખી અને ગંભીર પ્રકૃતિના હોય છે. ખૂબ વિચારશીલ હોય છે અને એકલા રહેવાનું પસંદ કરતા હોય છે. કોમેડી અને ડિપ્રેશન વચ્ચેના સંબંધ વિશે એક તારણ એવું છે કે નોન કોમેડિયન કરતાં કોમેડિયન ઓછું જીવતા હોય છે. આપણે ત્યાં રમૂજી અને હળવી ભૂમિકા ભજવનાર રાજ કપૂર જોકે 65 વર્ષની ઉંમરે મરી ગયા, જ્યારે ગંભીર ભૂમિકાઓ ભજવી લોકોને રડાવનાર દિલીપકુમાર ટ્રેજેડી કિંગ 98 વર્ષ જીવ્યા. કેટલાક સમાજવિજ્ઞાનીઓનું કહેવું છે કે કોમેડિયનનું પારિવારિક જીવન મુશ્કેલીઓથી ભરેલું હોય છે. કોમેડિયન પતિ ગમે તેટલી સિરિયસ વાત કરે, પત્ની કે બાળકો એને ગંભીરતાથી લેતા હશે કે નહીં? નાટકનો કલાકાર ગંભીરતાથી વાત કરે કે એના ઘરવાળા તરત કહે છે કે- નાટકના ડાયલોગ ના મારો અથવા તમને તો નાટક કરવાની આદત છે. આખી દુનિયાના કલાકારોને આ અભિશાપ હોય છે. લોકોને હસાવવાના ટેન્શનમાં ને ટેન્શનમાં હાસ્ય કલાકારને ડિપ્રેશનનો એટેક આવતો હશે.
કેરોલ ચેનિંગ નામની હોલિવૂડની કલાકાર કહે છે કે તાળીઓ કરતાં હાસ્ય વધારે મહત્ત્વનું છે. તાળીઓ તો પ્રેક્ષકોની ફરજનો ભાગ છે જ્યારે હાસ્ય એ જ સાચું પારિતોષિક છે. જોનાથન વિન્ટર નામનો હોલિવૂડનો હાસ્ય કલાકાર બાયપોલર ડિસઓર્ડરનો ભોગ બનેલો. તેનું કહેવું હતું કે બીમારીથી એની ક્રિએટિવીટી, સર્જનાત્મકતાને વેગ મળે છે. તે કહે છે કે- ભલે ગમે તેટલી ખરાબ બીમારી હોય, મને એ વેદનાની જરૂર છે. હું એને વારંવાર સામેથી આમંત્રણ આપું છું.
એન્ડ ટાઇટલ્સ
આદમ: એક જ જોક પર વારેવારે કેમ હસવું આવે છે?
ઇવ: જેમ તને મારા પર વારે વારે વ્હાલ આવે છે!