Thu Jul 23 2026

Logo

સૌરાષ્ટ્રના જાણીતા રણુજા ધામ મંદિરના મહંતે કઈ બીમારીથી કંટાળી કર્યો આપઘાત? જાણો વિગત

2026-06-29 13:35:00
Author: Mayur Patel
Article Image

રાજકોટઃ જેતપુરના બોરડી સમઢીયાળા અને ખારચીયા ગામ વચ્ચે આવેલા રણુજા ધામ મંદિરના મહંત કરસનદાસ બાપુએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. મહંતના આપઘાત બાદ સ્થળ પરથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં તેમણે પોતાની જીવનયાત્રા અને અંતિમ પગલાં ભરવા પાછળના કારણોનો ખુલાસો કર્યો છે.

45 વર્ષથી રણુજા મંદિરમાં કરતા હતા સેવા પૂજા

સુસાઈડ નોટમાં મહંતે જણાવ્યું છે કે, તેઓ છેલ્લા 47 વર્ષથી પોતાના પરિવારથી દૂર હતા. તેઓ મૂળ ટાટા મીઠાપુરના વતની હતા અને વરીયા કુંભાર જ્ઞાતિમાં તેમનો જન્મ થયો હતો. છેલ્લા 45  વર્ષથી તેઓ રણુજા મંદિરમાં સેવા-પૂજાનું કાર્ય સંભાળતા હતા અને આટલા વર્ષોમાં તેમણે ક્યારેય પોતાના પરિવાર સાથે મુલાકાત કરી ન હતી.

કેમ ભર્યું આવું ચોંકાવનારું પગલું

મહંતે નોટમાં સ્પષ્ટતા કરી છે કે, તેઓ છેલ્લા 10  વર્ષથી કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતા હતા. બિમારીના કારણે થતી અસહ્ય પીડા અને શારીરિક વેદના સહન ન થતા તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે તેમણે બોરડી સમઢીયાળાના સરપંચને સંબોધીને લખ્યું છે કે, તેમના બાદ વડલ હનુમાનના સેવક રામદાસ બાપુને મંદિરના નવા મહંત તરીકે નિયુક્ત કરવામાં આવે.

ગત વર્ષે અમદાવાદમાં બની હતી આવી ઘટના

ગત વર્ષે અમદાવાદમાં પણ આવી ઘટના બની હતી. અમદાવાદના નરોડા વિસ્તારમાં કુબેરનગર રોડ પર આવેલા સંતોષી માતાના મંદિરના મહંત મહેન્દ્રભાઈએ 16 માર્ચ, 2025 વહેલી સવારે મંદિરમાં જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી  હતી.