Sat Sep 05 2026

Logo

શ્રીલંકા સામે સિરીઝની શરૂઆત પહેલાં જ ભારતને ચોથો ઝટકો, બોલિંગ વધુ નબળી પડી

2026-08-02 17:10:00
Author: Ajay Motiwala
શ્રીલંકા સામે સિરીઝની શરૂઆત પહેલાં જ ભારતને ચોથો ઝટકો, બોલિંગ વધુ નબળી પડી

નવી દિલ્હીઃ શ્રીલંકામાં 15મી ઑગસ્ટે ટેસ્ટ સિરીઝ શરૂ થાય એ પહેલાં જ ટીમ ઇન્ડિયાને ચોથો ઝટકો લાગ્યો છે. મુખ્ય પેસ બોલર જસપ્રીત બુમરાહ (Bumrah) ઘૂંટણની ઈજાને લીધે શ્રેણીની બહાર થઈ ગયો છે. તેની પહેલાં ઈજાને કારણે હર્ષિત રાણા અને નીતીશ કુમાર રેડ્ડીની પણ શ્રેણીમાંથી બાદબાકી થઈ ગઈ હતી અને સ્પિન ઑલરાઉન્ડર પ્રથમ ટેસ્ટ નથી રમી શકવાનો.

બુમરાહને ડાબા ઘૂંટણ (Knee Injury)માં જે સોજો છે એ ઓછો થવાને બદલે વધી રહ્યો છે અને તેની આ ઈજા પૂર્ણપણે દૂર થવાની સંભાવના ન હોવાથી તે શ્રીલંકાના બે ટેસ્ટના પ્રવાસે નહીં જાય એવી જાહેરાત રવિવારે કરી દેવામાં આવી હતી. એક જાણીતી ક્રિકેટ વેબસાઇટના અહેવાલમાં જણાવાયું હતું કે બીસીસીઆઇની મેડિકલ ટીમે બુમરાહને રમવાનું ફરી શરૂ કરવાની ઉતાવળ ન કરવાની સલાહ આપી છે. બુમરાહને માર્ચના ટી-20 વર્લ્ડ કપના સમયથી ઘૂંટણમાં દુખાવો છે.

બીસીસીઆઇના ડૉક્ટરોની ટીમે બુમરાહને સલાહ આપી છે કે જો તે ઉતાવળ કરીને ફરી રમવાનું શરૂ કરશે તો તેની ઈજા વકરી જશે અને તેણે લાંબા સમય સુધી મેદાનથી દૂર રહેવું પડશે.

પેસ બોલર હર્ષિત રાણાને પગના ઉપરના ભાગમાં ઈજા છે. નીતીશ કુમાર રેડ્ડીને પણ પગના ઉપરના ભાગમાં ઈજા છે જેને લીધે તેઓ શ્રીલંકાની ટેસ્ટ શ્રેણીમાં નથી રમવાના. વૉશિંગ્ટન સુંદરને પણ પગમાં દુખાવો છે અને તે 15મી ઑગસ્ટે ગૉલમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટમાં નહીં રમે. પેસ બોલર આકાશ દીપ હજી પૂરેપૂરો ફિટ નથી થયો.