(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: જામનગર જિલ્લાની ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા અને તબીબી શિક્ષણને વેગ આપતી વિવિધ આધુનિક સુવિધાઓનો ઉમેરો થયો છે. શરીરના લગભગ બધા જ અંગોની તપાસ માટે અનુકૂળ અને કેન્સરના દર્દીઓ માટે વિવિધ પ્રકારની ગાંઠનું આબેહૂબ ચિત્ર નિરૂપણ કરી શકે તેવું રૂ.70 લાખની કિંમતના વી-7 મોડેલનું હાઈ-એન્ડ સોનોગ્રાફી મશીનનું રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
તે ઉપરાંત રૂ. 75 લાખના ખર્ચે નવીનતમ ફ્લો સાયટોમેટ્રી મશીનની સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ એક એવી આધુનિક લેબોરેટરી ટેકનોલોજી છે જેની મદદથી રક્ત તથા અન્ય નમૂનાઓમાં રહેલા કોષોનું ખૂબ જ ચોકસાઈપૂર્વક વિશ્લેષણ કરી શકાય છે અને તે લ્યુકેમિયા તેમજ લિમ્ફોમા જેવા બ્લડ કેન્સરના નિદાનમાં અત્યંત મદદરૂપ બને છે. પેથોલોજી પી.જી. વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધા સાથેના નવા એક્ઝામિનેશન હોલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં એક સાથે 20 પી.જી. વિદ્યાર્થીઓ માટે શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને અનુકૂળ વાતાવરણ સાથે પરીક્ષાની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે જેનાથી પરીક્ષા પ્રક્રિયા વધુ સરળ, પારદર્શક અને અસરકારક બનશે તેમજ ઉચ્ચ ગુણવત્તાવાળા તબીબી શિક્ષણને વધુ પ્રોત્સાહન મળશે.