Thu Jun 18 2026

Logo

જમ્મુ-કાશ્મીરે રણજી ટ્રોફીમાં રચ્યો ઈતિહાસ, બંગાળને હરાવી પહેલીવાર ફાઈનલમાં પ્રવેશ્યું

2026-02-18 16:06:00
Author: Savan Zalariya
Article Image

કોલકાતા: ડોમેસ્ટિક ક્રિકેટમાં જમ્મુ અને કાશ્મીરની ટીમે ઈતિહાસ રચ્યો છે, પહેલીવાર રણજી ટ્રોફીમાં ભાગ લીધાના 67 વર્ષ બાદ જમ્મુ અને કાશ્મીરની ટીમ આ સિઝનમાં ટુર્નામેન્ટના ફાઈનલમાં પ્રવેશવામાં સફળ રહી છે.  સેમિફાઇનલમાં પશ્ચિમ બંગાળની ટીમને છ વિકેટથી હરાવીને જમ્મુ અને કાશ્મીરે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. 

બંગાળ ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડ રમાયેલી મેચમાં જમ્મુ અને કાશ્મીરની ટીમે 4 વિકેટ ગુમાવીને 126નો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. સેમીફાઈનલમાં પશ્ચિમ બંગાળ સામેની જીતમાં આકિબ નબીએ મહત્વની ભૂમિકા ભજવી, તેણે મેચમાં કુલ નવ વિકેટ લીધી હતી. તેને સતત બીજી મેચ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. બેટિંગમાં અબ્દુલ સમદે નોંધપાત્ર યોગદાનમ આપ્યું હતું, તેણે પ્રથમ ઇનિંગમાં 82 રન બનાવ્યા હતાં, જ્યારે બીજી ઇનિંગમાં અણનમ 30 રન બનાવ્યા હતાં.

પહેલી મેચ જીતવા 44 વર્ષ રાહ જોવી પડી: 

1959-60ની રણજી સીઝનમાં જમ્મુ અને કાશ્મીરની ટીમે પહેલી વાર ભાગ લીધો હતો, પરંતુ અત્યાર સુધી જમ્મુ અને કાશ્મીરની ટીમ ફાઈનલ સુધી પહોંચી શકીન હતી.

હાલ ચાલી રહેલી રણજી સિઝન પહેલા જમ્મુ અને કાશ્મીરે 334 રણજી મેચ રમી હતી, જેમાંથી ટીમ માત્ર  45 મેચ જ જીતી શકી હતી. રણજી ટ્રોફીમાં પ્રવેશ્યાના છેક 44 વર્ષ બાદ 1982-83માં જમ્મુ અને કાશ્મીરની ટીમ સર્વિસિસ સામે પોતાની પહેલી જીત શકી.

2013-14ની સિઝન જમ્મુ અને કાશ્મીર માટે ખાસ રહી, ટીમ પહેલીવાર ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી શકી..

આ સિઝનમાં શાનદાર પ્રદર્શન: 

ચાલુ સિઝનમાં મુંબઈ સામે શરૂઆતની મેચમાં હાર બાદ, જમ્મુ અને કાશ્મીરે રાજસ્થાન, દિલ્હી અને હૈદરાબાદ સામે મોટી જીત મેળવી, ત્યાર બાદ ક્વાર્ટર-ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. 

સેમિફાઇનલમાં જમ્મુ અને કાશ્મીરનો મુકાબલો બંગાળની ટીમ સામે હતો, જેમાં મોહમ્મદ શમી, આકાશ દીપ, મુકેશ કુમાર અને શાહબાઝ અહેમદ જેવા ચાર આંતરરાષ્ટ્રીય ખેલાડી હતાં અને ઈન્ડિયા Aનો સ્ટાર બેટર અભિમન્યુ ઈશ્વરન પણ હતો. કોઈ પણ સ્ટાર ખેલાડી ન હોવા છતાં જમ્મુ અને કાશ્મીરે પશ્ચિમ બંગાળને હરાવ્યું.