જાલંધર: પંજાબના જાલંધર સ્થિત એક પ્રાઇવેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ જોરદાર હંગામો મચાવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. યુનિવર્સિટી પ્રશાસન સામે રોષે ભરાયેલા 2,000 થી વધુ વિદ્યાર્થીઓ એકઠા થઈને વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યા હતા. જોતજોતામાં વાતાવરણ તંગ બની ગયું હતું અને વિદ્યાર્થીઓએ કેમ્પસ પરિસરમાં તોડફોડ તથા પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આખરે શા માટે આ વિદ્યાર્થાઓ રસ્તા પર ઉતરી આવ્યા અને તોડફોડ કરવા લાગ્યાં? ચાલો જાણીએ સમગ્ર મામલો....
રેપ અને આત્મહત્યાની ખબરથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા
આ સમગ્ર મામલે એસએસપી ગૌરવ તુરાએ વિગતો આપી હતી. એસએસપી ગૌરવ તુરાએ કહ્યું કે, યુનિવર્સિટીની એક મહિલા વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયું હોવાની અફવાઓ ફેલાઈ હતી અને ત્યારબાદ તેણે આત્મહત્યા કરી હતી. આ અંગેનો સંદેશ સોશિયલ મીડિયા જૂથો અને સમગ્ર યુનિવર્સિટીમાં એટલી ઝડપથી ફેલાઈ ગયો કે હજારો વિદ્યાર્થીઓ વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા; જોકે, પોલીસ તપાસમાં ન તો ઘટનાઓની પુષ્ટિ થઈ કે ન તો કોઈ પુરાવા મળ્યા! આગળની તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મોટા પ્રમાણમાં યુનિવર્સિટીની મિલકતને નુકસાન પહોંચાડ્યું
યુનિવર્સિટી વહીવટીતંત્રે પણ આવા કોઈ કેસ કે આવી કોઈ ઘટના બની હોવાનો ઇનકાર કર્યો છે. વિદ્યાર્થીઓએ આ બાબતની ચકાસણી થાય તે પહેલાં જ વિરોધ કરવાનું શરૂ કર્યું, યુનિવર્સિટીની મિલકતને નુકસાન પહોંચાડ્યું. તેઓએ બારીઓના કાચ તોડી નાખ્યા, ફૂલદાની ફેંકી અને ઈંટો મારીને ઈમારતોમાં તોડફોડ કરી હોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
કેમ્પસમાં તોડફોડ બાદ વિદ્યાર્થીઓએ નેશનલ હાઇવે જામ કર્યો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, કેમ્પસની અંદર વિરોધ પ્રદર્શન કર્યા બાદ ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓનો મોટો કાફલો રસ્તા પર ઉતરી આવ્યો હતો અને નજીકમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર ધસી ગયો હતો. વિદ્યાર્થીઓએ હાઇવે પર બેસીને ચક્કાજામ કરી દેતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. હાઇવેની બંને બાજુ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી, જેના કારણે વાહનચાલકો અને સામાન્ય જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
પંજાબના જાલંધરમાં આવેલી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં થયેલા હોબાળા અંગે એસએસપી ગૌરવ તુરાએ વિગતો આપી
— Vimal Prajapati GJ (@mgvimal_12) September 27, 2026
#LPUprotest #lpu #protest #punjab #SSPGauravTura pic.twitter.com/6UMPvcPsb5
ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટુકડીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. વધતા જતા તણાવને જોતાં પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વધારાનો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને શાંત પાડવા અને વાટાઘાટો દ્વારા મામલો ઉકેલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ નેશનલ હાઇવે પરથી ચક્કાજામ દૂર કરાવીને વાહનવ્યવહાર ફરી શરૂ કરાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. યુનિવર્સિટી પ્રશાસન અને વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજીને તેમની માંગણીઓ સાંભળવામાં આવી રહી છે.