Fri May 01 2026

Logo

જેપી સર ઉર્ફ જય દીક્ષિત: ધારદાર સંવાદકાર વત્તા જલદ સાહિત્યકાર

2026-03-27 08:49:00
Author: Sanjay Chel
Article Image

સ્ટાર-યાર-કલાકાર - સંજય છેલ 

જેપી સર

‘પઢાઈ સિરફ નોકરી કે લિયે નહીં, ઇન્સાન બનને કે લિયે હોતી હૈ!’

‘સદીયોં સે સાધુ મહાત્મા ઇન્સાન કો અચ્છીઅચ્છી બાતેં સમઝાતે રહે પર ઇન્સાન હંમેશાં જાનવર કા જાનવર હી રહા!

 

‘મુરદા-ઘર મેં લોગ મરતે નહીં જીતે-જી ખતમ હો જાતે હૈં.’

 

1994માં બાંદ્રાની ફિલ્મી ઓફિસમાં બુઝાયેલ આંખે હતાશ પ્રૌઢ પુરુષે મને કહેલું:

 

‘બેટા, ફિલ્મોં મેં રાઇટર ક્યું બનના હૈ? આજ હી મુઝે એક નિર્માતા નિર્દેશકને કહા: 

 

‘તુમ્હારા ટેલેન્ટ તુમ્હારી તાકત નહીં હૈ પર તુમ્હારી ગરીબી મેરા પાવર હૈ! જો મિલે ઉસમેં કામ કરો!’      

 

આ કડવી સચ્ચાઇ મને શીખવનારા હતા: જે.પી સર.

 

જે.પી. એટલે હિંદી સાહિત્યનાં તેજાબી લેખક ‘જગદંબાપ્રસાદ દીક્ષિત’ ઉર્ફ ‘જય દીક્ષિત’ નામે ફિલ્મ લેખક.  જેમણે મહેશ ભટ્ટ્ની અદ્ભુત ‘સર’ જેવી અનેક ફિલ્મો લખેલી. જેપી દીક્ષિત ફક્ત લેખક નહોતા. મુંબઈની ઝેવિયર્સ કોલેજમાં હિન્દીના પ્રોફેસર હતા. જેપીના વિદ્યાર્થીઓ એટલે નિર્દેશક વિજય આનંદ, મહેશ ભટ્ટ, અઝીઝ મિર્ઝા અને અભિનેતા ફારુક શેખ જેવા અનેક કલાકારો હતા. જેપીએ એમને ફક્ત હિંદી સાહિત્ય જ શીખવ્યું નહીં, પણ વિચારવાની દિશા આપી. પછી એ વિચારોનું ઊંડાણ એ લોકોની ફિલ્મોમાં ઝળક્યું. વરસો પછી નિર્દેશક મહેશ ભટ્ટે, જેપીને ફિલ્મો લખવાની તક આપી, જેમાંની એક અદ્ભુત ફિલ્મ: ‘સર’. જેમાં શિક્ષક, ડોન ને વિદ્યાર્થિનીનો સંબંધ હતો, જે માત્ર પાઠ્યપુસ્તક સુધીનો નહીં પણ ડોન પિતા અને સ્ટુડંટ છોકરીના જીવન ઘડતરનો હતો. ‘નાજાયજ’ ફિલ્મમાં સંબંધોની આંટીઘૂંટી છે. એમાં એક સુંદર સંવાદ હતો:

 

‘નાજાયઝ રિશ્તે કભી છુપતે નહીં વો વક્ત આને પર ખુદ સામને આ જાતે હૈં.’

 

એ પછી તો ‘ક્રિમિનલ’, ‘ફિર તેરી કહાની યાદ આઈ’, ‘દીક્ષા’, ‘નારાઝ’, ‘કલયુગ’ (2005) જેવી ફિલ્મોમાં પણ જેપીના લેખનની છાપ છે. બોલિવૂડમાં ભલભલાએ બાંધછોડ કરવી પડે છે, પણ જેપીએ અંદરની સચ્ચાઈને ક્યારેય છોડી નહીં. જેપીના સંવાદોમાં શબ્દોના સાથિયા નહોતા, પણ એક એવી ચોટ હતી, જે વરસો સુધી ગુંજે. જેમકે ‘સર’ ફિલ્મમાં પ્રોફેસર કહે છે :

 

‘વહાં શહરમેં ખૂન કી નદીયાં બહ રહી હૈ ઓર મૈં ક્લાસ મેં અચ્છી અચ્છી કિતાબેં પઢાઉં? માનવીય સભ્યતા કા ઇતિહાસ?’

 

જેપીની સૌથી મોટી તાકાત હતી: નિરીક્ષણ. જીવનને અને પાત્રોને ખૂબ નજીકથી જોતા, સમજતા.

 

‘સર’ ફિલ્મમાં પ્રોફેસર નસીર એક પાર્ટીમાં પોતાની ભૂતપૂર્વ પત્નીને મળવાની કોશિશ કરે છે. મિત્ર અટકાવે છે તો નસીર કહે છે:

 

‘મિલને દો યાર, એક ઝમાને મેં મેરી બીવી થી! અબ નહીં તો ક્યા? ઝિંદગી કોઇ બ્લેકબોર્ડ તો નહીં કિ ડસ્ટર  ઘુમાયા ઔર સબ સાફ હો ગયા?’

 

આ ને કહેવાય એક કમર્શિયલ સિનેમામાં પણ એક પ્રોફેસરની ભાષા!   

 

વ્યક્તિ તરીકે જેપી, શાંત ને અંતર્મુખ હતા. ફિલ્મી ચકાચૌંધથી દૂર રહેતા. નામ કરતા કામને મહત્ત્વ આપતા એટલે જ આજે તેમનું નામ ગાજતું નથી, પણ જેમણે જેપીને વાંચ્યા છે કે એમની ફિલ્મો જોઇ છે, એ લોકો ક્યારેય નહીં ભૂલી શકે. સાચુકલા ડ્રામામાં એ જેપી 

ખિલતા. ‘સર’ ફિલ્મમાં લોકલ ડોન-પરેશ રાવલ વેલજીભાઇ જ્યારે પ્રોફેસર નસીરને માથે બંદૂક મૂકીને મારવાની ધમકી આપે છે ત્યારે નસીર કહે છે:

 

‘ચલાઓ ગોલી, માર ડાલ બાહર રાસ્તે પર તાકિ તુમ્હારી બહાદુરી કી વાહવાહી હો ઓર મુઝે ઇસ શરીર સે મુક્તિ મિલે!’

 

એ પછી એ રાતે ડોન વેલજીભાઇને ઊંઘ નથી આવતી ને એ કહે છે: ‘પહલીબાર એસા આદમી દેખા જિસ કી આંખો મેં મૌત કા ડર નહીં જો મૌત સે નહીં ડરતા ઉસે હમ ક્યા ડરાયેંગે?’

 

હિન્દી સાહિત્યમાં જેપીનું સ્થાન ખૂબ અનોખું. ‘મુરદા-ઘર’ જેવી નવલકથામાં મુંબઇની અંદર રોજ રિબાતામરતા અતિ ગરીબ માણસોની વેદના છે. મુંબઈની ચમક-ધમક પાછળ છુપાયેલું ગંદુ અને વરવું જીવન નજીકથી જોયું. ઝૂંપડપટ્ટી, ફૂટપાથ, ગંદકી અને ગરીબીમાં જીવતા લોકોને મળ્યા.

 

 ‘મુરદાઘર’માં ભિખારીઓ, નશેડી, લાચાર સ્ત્રીઓ, વેશ્યાઓ, દલાલો અને બીમાર બાળકોનું એક એવું વિશ્વ છે, જે બીજા કોઈની નજરે ચઢ્યું નથી એમાં અપવાદ રહ્યા જેપી સર..!  

 

કાનમાંથી કીડા ખરી પડે એવી ગાળો, એવી હિંસા, અપરાધ ને શોષણ છે. વેશ્યા ને દલાલો વચ્ચેનાં સંવાદો એમણે છેક 1974માં બોલ્ડ ભાષામાં લખેલા. છતાં જેપી માનતા કે આવા અંધકારમાંય જીવન છે, ભાવનાઓ છે, સપનાઓ છે. લોકો ભગવાનને શોધવા તીર્થયાત્રા કરે છે, જેપી જેવા લેખકો માણસ અને એના જીવનને શોધવા નરકમાં ઊતરે છે!  

 

જેપી માનતા કે 1947માં મળેલી આઝાદી અધૂરી લાગતી, કારણ કે સમાનતા અને ન્યાય પર આધારિત સમાજ હજુ બન્યો નહોતો. આઝાદી પછી પણ ખેડૂતો, મજૂરો, આદિવાસીઓ અને હાંસિયા પરના લોકોના જીવનમાં કે એમને મળતા ન્યાયમાં ઝાઝો ફર્ક આવ્યો નથી. એથી જ માર્ક્સવાદી વિચારધારાની એ નજીક ગયા. થોડો સમય નક્સલવાદી આંદોલન સાથે પણ જોડાયેલા અને ‘પીપલ્સ પાવર’ 

 

નામનું અંગ્રેજી સામયિક પણ કાઢેલું.

 

‘મુરદાઘર’ જેવી અજરાઅમર નવલકથા પછી પણ વિવેચકો ને સાહિત્યના પાવરફૂલ લોકો જેપીને સતત નકારતા રહ્યા. ‘કટા હુઆ આસમાન’ નોવેલમાં સપનાઓના તૂટવાના અવાજ છે. ‘અકાલ’માં ફક્ત અન્નનો અભાવ નથી, એમાં માણસની લાગણીઓની સૂકાવાની વાત છે. ‘ઇતિવૃત્ત’માં જીવનનો હિસાબ છે, પણ હિસાબની પૂરેપૂરી બેલેન્સ શીટ નથી.

 

પ્રખ્યાત હિંદી લેખિકા મધુ કાંકરિયા જેપીના અંતિમ દિવસો વિશે લખેલું:

 

કદી વિચાર્યું નહોતું કે એમને છેલ્લીવાર મળી રહી છું. જેપી પથારી પર લાચાર પડેલા દર્દથી કંટાળેલા, બેચેન. આસપાસ છૂટીછવાઇ ગોળીઓ ને કેપ્સ્યુલો. થોડીવાર અમારા વચ્ચે માત્ર મૌન જ બોલતું રહ્યું. જેપી, જાતે બેસી પણ શકતા નહોતાં. આવી હાલતમાં આવતીકાલે બર્લિન કેવી રીતે જશે? એ વિચાર મને સતાવતો હતો. મેં પૂછ્યું પણ, પણ જેપી પોતાનું દુ:ખ કહેવા માગતા જ નહોતાં. પછી એમની એક નર્સે બે-ત્રણ ગોળીઓ આપી. જેપીની અંદર એક અજાણી ઉદાસી હતી,

 

પછી જેપી ધીમેથી બોલ્યા :

 

 ‘આજકાલ મને મારી મા બહુ યાદ આવે છે. એ કેવી રીતે જીવી હશે, કેમ વિતાવી હશે એકલતાની એ જીવલેણ ઘડીઓ? આજે માની પીડા સમજાઈ રહી છે.’

 

 મારી નજર પાસે પડેલ ઘૂળ ભરેલ ફિલ્મફેર એવોર્ડ પર ગઇ હવે જેને કોઇ પૂછવાવાળું પણ નહોતું!

 

જીવનના અંતિમ સમયમાં સારવાર માટે જેપી યુરોપ ગયા. ત્યાંથી 2014માં મૃત્યુના સમાચાર આવ્યા. જેપી   પાછળ અસંખ્ય યાદો ને એક અધૂરી નવલકથા છોડી ગયા. જે ક્યારેય પૂર્ણ નહીં થાય.

 

મિસ યુ ‘સર’ ફિલ્મના લેખક અને ખરેખરા ‘જેપી સરને!’