ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે સમગ્ર વિશ્વની નજર હાલમાં પશ્ચિમ એશિયા પર ટકેલી છે. ઈઝરાયેલના ડિફેન્સ મિનિસ્ટરે દેશમાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે અને આ સૈન્ય સંઘર્ષની વચ્ચે બંને દેશોની આર્થિક સ્થિતિ અને તેમની કરન્સીની મજબૂતીની ચર્ચા પણ જોરશોરથી થઈ રહી છે. ચાલો નજર કરીએ કે આખરે ઈરાન અને ઈઝરાયેલ બંનેમાંથી કોની કરન્સી વધારે શક્તિશાળી છે...
લેટેસ્ટ એક્સચેન્જ રેટ મુજબ, ઈઝરાયેલની કરન્સી 'ન્યૂ શેકેલ' ઈરાનના 'રિયાલ' કરતા અનેકગણી શક્તિશાળી છે. વાત કરીએ સરખામણીની તો 3.14 ઈઝરાયેલી શેકેલ એટલે એક યુએસ ડોલર થાય. જ્યારે ઈરાનની કરન્સીની વાત કરીએ તો આશરે 16,64,000 ઈરાની રિયાલ એટલે એક યુએસ ડોલર. આ આંકડો જ સ્પષ્ટ કરી દે છે કે ઈરાનની કરન્સી વૈશ્વિક બજારમાં અત્યંત નબળી છે.
ખેર, આ તો થઈ ડોલરની સાથે ઈઝરાયેલના શેકેલ અને ઈરાનની રિયાલની સરખામણીની વાત. જો ભારતના રૂપિયા સાથે બંને દેશની કરન્સની સરખામણી કરીએ તો ઈઝરાયેલનો 1 શેકેલ એટલે ભારતના અંદાજે 27થી 28 રૂપિયા જેટલી થાય છે, જ્યારે ઈરાની રિયાલની કિંમત પૈસામાં પણ નહીંવત છે.
વાત કરીએ ઈઝરાયેલની મજબૂતીના રહસ્ય વિશે તો ઈઝરાયેલની અર્થવ્યવસ્થા મુખ્યત્વે તેના હાઈ-ટેક સેક્ટર પર ટકેલી છે. ઈઝરાયેલ સાયબર સિક્યોરિટી અને ઈનોવેશનમાં વિશ્વનું નેતા છે. વિશ્વભરમાંથી આવતું વિદેશી રોકાણ તેની કરન્સીને સ્થિર રાખે છે. ઈઝરાયેલ પાસે 212.93 અબજ ડોલરનું મજબૂત વિદેશી મુદ્રા ભંડાર છે, જે કોઈપણ આર્થિક આંચકા સામે રક્ષણ આપે છે.
હવે ઈરાનની કરન્સી કેમ આટલી નબળી છે? એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં ઈરાનની આર્થિક કમર તૂટવા પાછળ કેટલાક મુખ્ય કારણો જવાબદાર છે જેમાંથી પ્રમુખ કારણ એટલે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો. જી હા, કડક પ્રતિબંધોને કારણે ઈરાન તેના તેલની નિકાસ કરી શકતું નથી અને ગ્લોબલ બેંકિંગ સિસ્ટમથી કપાયેલું છે. આ સિવાય ઈરાનમાં ફુગાવાનો દર 48 ટકાથી પણ વધુ છે, જેના કારણે કરન્સીની વેલ્યુ સતત ઘટી રહી છે. અસ્થિરતાને કારણે રોકાણકારો દેશમાંથી અબજો ડોલર બહાર લઈ જઈ રહ્યા છે.
ઈઝરાયેલ પાસે સ્થિર અર્થ વ્યવસ્થા અને નિકાસ આધારિત ઈકોનોમી છે, જે તેને યુદ્ધ જેવી સ્થિતિમાં લાંબો સમય ટકી રહેવામાં મદદ કરે છે. બીજી તરફ, ઈરાન પહેલેથી જ આર્થિક સંકટમાં હોવાથી યુદ્ધ તેના માટે વધુ વિનાશક સાબિત થઈ શકે છે.