જેરૂસલેમઃ મધ્યપૂર્વમાં તણાવ સતત વધી રહ્યો છે, કારણ કે ઇરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ વધુ ખતરનાક દિશામાં આગળ વધી રહ્યું છે. ઈરાને ઇઝરાયલના અતિસંવેદનશીલ ડિમોની ન્યુક્લિયર સાઈટ પર હુમલો કરવાની ચેતવણી આપી હતી. તેવામાં અમેરિકા અને ઇઝરાયલ સાથે વાતચીત થઈ હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકાએ ઇઝરાયલને આ યુદ્ધમાં અંત સુધી સાથ આપવા માટે કહ્યું અને પોતે પણ અંત સુધી ઇઝરાયલનો સાથ આપશે તેવું કહ્યું છે, જે ઈરાનની ચિંતા વધારી શકે છે.
ઇઝરાયલે છ અમેરિકન સૈનિકના મોત પર દુઃખ વ્યક્ત કર્યું
ઇઝરાયલી સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇઝરાયલના રક્ષા પ્રધાન કાત્ઝે ઇરાની હુમલામાં છ અમેરિકન સૈનિકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે ઇઝરાયલ અમેરિકન સૈનિકોના રક્ષણ માટે શક્ય તમામ સહાય પૂરી પાડશે અને પૂરી પાડતું રહેશે. સામે અમેરિકા દ્વારા પણ આવો જ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. અત્યારે મધ્યપૂર્વની હાલત ખૂબ જ ગંભીર છે. આટલું નુકસાન થયું હોવા છતાં પણ ઈરાન હજી અમેરિકા અને ઇઝરાયલને ધમકી આપી રહ્યું છે.
અમેરિકન પ્રશાસને ઇઝરાયલને સપોર્ટ કરતા શું કહ્યું?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમેરિકન પ્રશાસને ઇઝરાયલને સપોર્ટ આપતાં કહ્યું છે કે, તે ઇરાન દ્વારા થતા કોઈપણ હુમલા સામે સંપૂર્ણ રીતે સાથ આપશે. વ્હાઇટ હાઉસ અને પેન્ટાગનની આંતરિક ચર્ચાઓ બાદ એવો સંકેત મળ્યો છે. અમેરિકન નેતૃત્વે સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ ઇરાનની આક્રમક નીતિને રાજકીય અને વૈશ્વિક સુરક્ષા માટે ખતરો માને છે. જેના કારણે આ યુદ્ધ અંત સુધી ચાલુ રહેશે તેવા એંધાણ છે.
ઈરાને ન્યુક્લિયર સંપર્ક કેન્દ્રો પર હુમલો કરવાની ધમકી
અમેરિકા અને ઇઝરાયલ એકબીજાનો સાથે આપવાની વાત કરી રહ્યાં છે તો સામે તહેરાન તરફથી ઇઝરાયલને ચેતવણી આપવામાં આવી છે કે જો ઇરાનના પોતાના હિતો અથવા તેના પ્રદેશ પર સીધી કાર્યવાહી થશે, તો ઇઝરાયલના ન્યુક્લિયર સંપર્ક કેન્દ્રો, ખાસ કરીને ડિમોના રિએક્ટર, તેની મિસાઇલ રેન્જમાં પ્રથમ નિશાન બની શકે છે.
જો ઈરાન દ્વારા આ હુમલો કરવામાં આવે છે તો માત્ર ઇઝરાયલ જ નહીં, પરંતુ મધ્યપૂર્વના અનેક દેશોમાં તેની અસર જોવા મળશે તેવું વિશેષજ્ઞોવું માનવું છે.