તહેરાનઃ મધ્યપૂર્વમાં ઇઝરાયલ અને અમેરિકાએ કહેર વરસાવ્યો છે. છેલ્લા 4 દિવસથી સતત મિસાઈલો અને ડ્રોન હુમલાઓ થઈ રહ્યાં છે. જવાબી કાર્યવાહીમાં ઈરાન દ્વારા બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો તો અમેરિકા પણ B-52 બોમ્બરોથી તબાહી મચાવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમેરિકન સેના દ્વારા દોવા કરવામાં આવ્યો છે તેમણે ઈરાનમાં કુલ 2000 જગ્યાઓ તબાહ કરી નાખી છે. જેના કારણે ઈરાનને મોટા પ્રમાણમાં નુકસાન થયું હશે તેવું અનુમાન છે.
અમેરિકાનો ઈરાનના કરજ શહેરમાં મોટો હુમલો
અત્યારે ઇઝરાયલ અને અમેરિકા બંને સાથે મળીને ઈરાન પર હુમલો કરી રહ્યાં છે. જેમાં ઈરાનના કરજ શહેરમાં મોટો હુમલો કરવામાં આવ્યો છે, એટલું જ નહીં પરંતુ અમેરિકા દ્વારા ચેતવણી પણ આપી દેવામાં આવી છે કે, ઈરાન પર હજી પણ વધારે હુમલાઓ કરવામાં આવશે. જ્યાં સુધી ઈરાન આત્મસમર્પણ નહીં કરે ત્યાં સુધી અમેરિકા દ્વારા આ યુદ્ધ જારી રાખવામાં આવશે.
અમેરિકાએ B-52 બોમ્બરોથી કહેર વરસાવ્યો
આ સાથે ઈરાને પણ દાવો કર્યો છે કે, તેણે ઇઝરાયલ સાથે સાથે 12 દેશોમાં હુમલો કરીને તબાહી મચાવી છે. જેમાં ખાસ કરીને બહેરીન, કુવૈત, કતાર, સંયુક્ત આરબ અમીરાત (UAE), ઓમાન, ઇરાક, જોર્ડન અને સાઉદી અરેબિયાનો સમાવેશ થાય છે. આ દેશોમાં આવેલા અમેરિકન એર બેઝ પર ઈરાન હુમલો કરી રહ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ઈરાનમાં અત્યાર સુધીમાં 1045થી વધુના મોત
ઈરાનમાં થયેલા નુકસાનની વાત કરવામાં આવે તો, ઈરાનની સરકાર દ્વારા નુકસાનનો સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાના કારણે ઈરાનમાં અત્યાર સુધીમાં 1045થી પણ વધારે લોકોના મોત થયાં છે. આ યુદ્ધના કારણે મધ્યપૂર્વની સ્થિતિ ખૂબ જ વણસી ગઈ છે.