Mon Aug 24 2026

Logo

રિઝર્વ બૅન્કના અસિસ્ટન્ટ મૅનેજર ઇશાન કિશનનો આટલો છે પગાર...

2026-08-05 19:19:23
Author: Ajay Motiwala
Article Image

પટના (બિહાર): વર્તમાન ભારતીય ક્રિકેટના અવ્વલ દરજ્જાના વિકેટકીપર-બૅટ્સમેનોમાં ગણાતો ઇશાન કિશન (ISHAN KISHAN) મંગળવારે ગળામાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)નું આઇડી કાર્ડ પહેરીને પટના શહેરની ઑફિસમાં પહોંચ્યો ત્યારે કેટલાક સ્ટાફ મેમ્બર્સ તેને ઘેરી વળ્યા હતા અને સેલ્ફી લીધા હતા તેમ જ તેના ફોટો પણ પાડ્યા હતા એ આપણે અગાઉ જાણી ગયા અને હવે એ જ વિષયમાં તેને મહિને મળતા પગાર સહિતની વધુ રસપ્રદ જાણકારી મળી છે.

ઇશાન કિશનને બૅન્ક સ્ટાફની વચ્ચે સરકારી બાબુ તરીકેના ફોટો સોશ્યલ મીડિયામાં જોઈને તેના ઘણા ચાહકોને નવાઈ લાગી હતી, કારણકે ઘણાને ખબર નહોતી કે ઇશાન કિશન આરબીઆઇમાં નોકરી કરે છે. તેને આરબીઆઇની પટના બ્રાન્ચમાં અસિસ્ટન્સ મૅનેજરનો હોદ્દો અપાયો છે. તેને આ હોદ્દો માત્ર ખેલકૂદ (ખાસ કરીને ક્રિકેટ)ને લગતી બાબતોના સંદર્ભમાં જ અપાયો હોય છે, પરંતુ સ્વાભાવિક છે કેઇશાન કિશનની હાજરીથી સ્ટાફ મેમ્બર્સમાં એક પ્રકારનો ઉત્સાહ અને રોમાંચ આવ્યા વિના રહે નહીં. 

ઇશાન કિશનને આરબીઆઇ, પટનામાં સહાયક મૅનેજર 2017ની સાલમાં સ્પોર્ટ્સ ક્વૉટા હેઠળ અપાયો હતો. ત્યારે તે માંડ 18 વર્ષનો હતો અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ઊભરી રહ્યો હતો. તેને હવે ક્રિકેટના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે સમય મળે છે ત્યારે પટનાની આરબીઆઇની ઑફિસે પહોંચી જાય છે.

એક અહેવાલ મુજબ આરબીઆઇમાં અસિસ્ટન્ટ મૅનેજરનું પદ પ્રતિષ્ઠિત મનાય છે. આ હોદ્દા પરની વ્યક્તિને પગારના રૂપમાં મહિને બૅઝિક 45,000થી 49,000 રૂપિયા મળે છે. એ ઉપરાંત, મોંઘવારી ભથ્થું, મકાનનું ભાડું તથા અન્ય સરકારી સુવિધાઓ જોડતાં તેની મન્થલી સૅલરી 90,000થી 1,15,000 રૂપિયા સુધી પહોંચે છે. જરૂરી કપાત બાદ તેના હાથમાં મહિને 75,000થી 90,000 રૂપિયા આવે છે.