જેરૂસલેમઃ મધ્યપૂર્વમાં ઇરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલી લડાઈએ હવે આર્થિક ક્ષેત્રે પણ વ્યાપક વિનાશ ફેલાવ્યો છે. ઇઝરાયલના નાણાકીય મંત્રાલયના તાજેતરના અંદાજ મુજબ, આ યુદ્ધને કારણે દેશને દર અઠવાડિયે આશરે 3 અબજ અમેરિકન ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. આ આંકડો ઇઝરાયલની અર્થવ્યવસ્થા પર થઈ રહેલા ભારે નુકસાનનું પરિણામ છે. સ્વાભાવિક છે કે, લાંબા સમય માટે આ યુદ્ધ ઈઝરાયલ માટે આર્થિક બાબતે ચિંતાનો વિષય બની શકે છે.
ઇઝરાયલના નાણાકીય મંત્રાલયે આ મામલે શું કહ્યું?
ઇઝરાયલના નાણાકીય મંત્રાલયના અધિકારીઓૉ જણાવ્યા પ્રમાણે આ નુકસાનમાં મુખ્યત્વે રક્ષણ ખર્ચ, નિકાસમાં ઘટાડો, પર્યટન ઉદ્યોગનું ઠપ્પ થવું અને બજારોમાં અસ્થિરતા સામેલ છે. યુદ્ધને કારણે ઇઝરાયલના મુખ્ય બંદરો અને વિમાનમથકો પર કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે, જેનાથી આયાત-નિકાસનું વહેંચણ ખોરવાઈ ગયું છે. યુદ્ધ સાથે અનેક પ્રકારની મુશ્કેલીઓ પણ આવતી હોય છે તેમાં આર્થિક મંદી પણ એક છે, અને ઇઝરાયલ પર આર્થિક મંદીનો ખતરો મંડરાઈ રહ્યો હોવાની ત્યાના નાણાકીય મંત્રાલય દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
પ્રતિબંધોને ઓરેન્જ એલર્ટ પર રાખવાથી શું ફાયદો?
ઇઝરાયલ હાલમાં રેડ એલર્ટ સ્તરના પ્રતિબંધો હેઠળ છે, જે આવશ્યક વ્યવસાયો સિવાય તમામ મેળાવડા, શૈક્ષણિક સંસ્થાઓ અને કાર્યસ્થળો પર પ્રતિબંધ મૂકે છે. લોકોને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવી રહ્યું છે, અને મુસાફરી પર પણ પ્રતિબંધ છે. આ પ્રતિબંધોને ઓરેન્જ એલર્ટમાં બદલવા માટે સહાલ આપવામાં આવી છે. પ્રતિબંધોને ઓરેન્જ એલર્ટ પર રાખવાથી શું ફાયદો થશે? ઓરેન્જ એલર્ટમાં સલામત સ્થળોની નજીક સ્થિત કાર્યસ્થળોને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવતી હોય છે. જો આમ કરવામાં આવે તો, સાપ્તાહિક ખાધ આશરે 1.5 બિલિયન ડોલર સુધી ઘટી જશે, જે વર્તમાન ખાધના અડધાથી પણ ઓછી છે.
દેશની સુરક્ષા અને સંરક્ષણ નીતિ જ સર્વોપરી
સ્વાભાવિક છે કે, કોઈ પણ દેશ માટે પહેલા દેશની સુરક્ષા અને સંરક્ષણ નીતિ જ સર્વોપરી છે, પરંતુ સામે તમામ પ્રકારના કામો બંધ થવા એ અર્થતંત્ર પર ભારે અસર કરી શકે છે. છેલ્લા અઢી વર્ષથી વધેલી સુરક્ષા જરૂરિયાતો અને યુદ્ધને કારણે ઇઝરાયલી અર્થતંત્ર પહેલેથી જ દબાણ હેઠળ છે. તેવામાં હવે યુદ્ધ થઈ રહ્યું છે એટલે ઇઝરાયલની ચિંતાઓ વધારે વધી છે.