Fri Apr 17 2026

Logo

ઈરાન-યુએસ વાટાઘાટો નિષ્ફળ જતાં ભારતીય શેરબજાર પર અસર: સેન્સેક્સ આટલા પોઈન્ટ્સ તુટ્યો

2026-04-13 10:28:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: યુએસ અને ઈરાન વચ્ચે વાટાઘાટો નિષ્ફળ જતાં આજે ભારતીય શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ 1613 પોઈન્ટના ઘટાડા સથે 75,937 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 461 પોઈન્ટના ઘટાડા સાથે 23,589 પર ખુલ્યા. 

નિફ્ટી પર શરૂઆતના કારોબારમાં કોલ ઇન્ડિયા, ONGC અને સન ફાર્મા ટોપ ગેનર્સ રહ્યા, જ્યારે બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ, આઇશર મોટર્સ, ઇન્ટરગ્લોબ એવિએશન અને શ્રીરામ ફાઇનાન્સ ટોપ લૂઝર્સ રહ્યા. શરૂઆતમાં લગભગ 617 શેરોમાં વધરો નોંધાયો, જ્યારે 2246માં ઘટાડો નોંધાયો. 196 શેરોમાં કોઈપણ ઉતારચઢાવ વગર ખુલ્યા.

એશિયન બજારો પણ તૂટ્યા:
પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ફરી શરુ થવાની શક્યતાને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો નોંધાયો છે, એશિયન બજારોમાં ઘટાડો નોંધાયો છે. જાપાનના નિક્કી-225માં 0.84%નો ઘટાડો નોંધાયો, જ્યારે ટોપિક્સ 0.42%માં ઘટાડો નોંધાયો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 1.83%નો ઘટાડો નોંધાયો, જ્યારે કોસ્ડેકમાં 1.43%નો ઘટાડો નોંધાયો. 

શુક્રવારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ફ્યુચર્સ 517 પોઈન્ટ(1.1%)ના ઘટાડા સાથે બંધ થયો હતો. S&P 500 ફ્યુચર્સ 1.1% અને Nasdaq 100 ફ્યુચર્સ 1.2%ના ઘટાડા સાથે  બંધ થયા હતાં.

ક્રુડ ઓઈલના ભાવ ફરી ઉછળ્યા:
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ધમકી બાદ ઓઇલના ભાવમાં વધારો થયો. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 7.05% વધીને $101.91 પ્રતિ બેરલ પર પહોંચી ગયા, જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ 7.86% વધીને $104.16 પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે.