દર્શન ભાવસાર
બોલ્યા વિના બોર કેવી રીતે વેચાય?
* સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકીને...
સૌથી પાકું ધન ક્યું?
* આપ કમાઈનું ...
સૌથી પાકો રંગ ક્યો?
* દિલ (પ્રેમ)નો...
મુંબઈમાં રોટલો મળે. તો અમદાવાદમાં શું મળે?
* રોટલો, ઓટલો, ચોટલો અને બાટલો (ખાનગીમાં!)
સંસારી વ્યક્તિ કથા કરે તો?
* તો કથાકાર સંસારીસાધુ બની જાય...
કીડીને કણ, હાથીને મણ. તો માણસને?.
* સદાય સવા મણ...
સટ્ટો ક્યારે અને ક્યાં રમાય?
* પૈસા હોય ત્યારે અને પોલીસ ના પહોંચે ત્યાં...
લગ્નમાં શું શું વાગે?
* ઢોલનગારા, શરણાઈ, ડીજે અને છેલ્લે રિસાયેલા સગાના મહેંણાટોણાં...
સૌથી વધુ બદનામ કયા સાધુ?
* તક સાધુ.
જીભ લપસીને ક્યાં પડે?
* એ ક્યાંય ન પડે, પણ એને બોલનારો ઊથલી પડે...
મહેમાન માથે પડે તો?
* છોકરાંવને એમના પગે પાડતા શીખવી દો.
લગ્નની જેમ લિવ ઈનમાં પણ કોઈ વિધિ હોય ?
* હા, બન્ને પક્ષના વકીલને પૂછવાની.
ગુજરાતી ફિલ્મની સિકવલ કેમ ઓછી બને છે?
* મૂળના જ જ્યાં ભાગ્યે જ ઠેકાણા હોય ત્યાં....
ઉલ્લુ કયારે બનાવાય?
* 24 કલાક 365 દિવસ...
સ્કૂલમાં સ્માર્ટ બોર્ડ આવી ગયા. હવે શું?
* શિક્ષક સ્માર્ટ બને એટલી વાર...
જુઠ્ઠું કેમ બોલવું પડે?
* સાચું બોલવાની ફાવટ ન હોય એથી...