Fri May 01 2026

Logo

વધતા ઈન્ડક્શનના ક્રેઝ વચ્ચે જાણી લો આ સેફ્ટી ફીચર્સ; વીજળીની બચત માટે છે રામબાણ ઈલાજ!

2026-03-31 15:32:46
Author: Mumbai Samachar Team
Article Image

વર્તમાન સમયમાં એલપીજી ગેસની અછત અથવા સુવિધા ખાતર અનેક લોકો હવે પરંપરાગત ગેસ સિલિન્ડરને બદલે ઇન્ડક્શન ચૂલા તરફ વળી રહ્યા છે. જોકે, ઇન્ડક્શન વાપરવામાં જેટલું સરળ અને ઝડપી છે, તેટલી જ સાવચેતી પણ તેમાં જરૂરી છે. જો તમને આ મશીનના સેફ્ટી ફીચર્સ વિશે પૂરતી જાણકારી ન હોય, તો તાપમાન અચાનક વધી શકે છે અથવા ટેકનિકલ ખામી સર્જાઈ શકે છે. તમારી રસોઈને સુરક્ષિત બનાવવા અને મશીનને લાંબા સમય સુધી ચલાવવા માટે તેના ખાસ ફીચર્સ વિશે સમજવું અનિવાર્ય છે.

ઓટો શટ-ઓફ અને ઓવરહીટ પ્રોટેક્શન

ઇન્ડક્શનમાં સૌથી મહત્વનું ફીચર 'ઓટો શટ-ઓફ' છે. જ્યારે મશીન અનુભવે કે તેના પર વાસણ યોગ્ય રીતે નથી રાખ્યું અથવા વાસણ લાંબા સમયથી ખાલી છે, ત્યારે તે આપમેળે બંધ થઈ જાય છે. આનાથી વીજળી બચે છે અને મોટી દુર્ઘટના ટળે છે. તેવી જ રીતે 'ઓવરહીટ પ્રોટેક્શન' ફીચર મશીનના તાપમાન પર નજર રાખે છે. જો વાસણ અત્યંત ગરમ થઈ જાય, તો અંદરનું સેન્સર તાપમાનને નિયંત્રિત કરે છે અથવા મશીનને બંધ કરી દે છે, જેથી સર્કિટ બળી જવાનો ભય રહેતો નથી.

પાન ડિટેક્શન

ઘણીવાર આપણે ઇન્ડક્શન પર ગમે તે વાસણ મૂકી દઈએ છીએ, પરંતુ 'પાન ડિટેક્શન' ફીચર તેને તરત જ ઓળખી લે છે. જો વાસણ એલ્યુમિનિયમ, કોપર અથવા નોન-મેટલ બેઝનું હોય, તો ઇન્ડક્શન ગરમ થશે નહીં અને સ્ક્રીન પર 'એરર' (Error) બતાવશે. આ ફીચર ખાતરી કરે છે કે તમે માત્ર યોગ્ય મેગ્નેટિક બેઝ વાળા વાસણોનો જ ઉપયોગ કરો, જેનાથી રસોઈ ઝડપી બને છે અને મશીનને નુકસાન થતું નથી.

ચાઈલ્ડ લોક

જો તમારા ઘરમાં નાના બાળકો હોય, તો 'ચાઈલ્ડ લોક' ફીચર તમારા માટે વરદાન સમાન છે. એકવાર આ ફીચર એક્ટિવ કર્યા પછી ઇન્ડક્શનની કોઈ પણ સ્વીચ કામ કરતી નથી. ઘણીવાર બાળકો રમતા રમતા બટન દબાવી દેતા હોય છે અથવા તાપમાન વધારી દેતા હોય છે, આવી સ્થિતિમાં ચાઈલ્ડ લોક સુરક્ષાનું કવચ પૂરું પાડે છે. આ ચાર ફીચર્સનો યોગ્ય ઉપયોગ જાણી લેવાથી તમે ટેકનોલોજીનો આનંદ લઈ શકશો અને રસોડામાં સુરક્ષિત રહી શકશો.