Sun Sep 06 2026

Logo

થાઇલેન્ડનો મોટો નિર્ણય, ભારતીયો માટે Visa-Free Entry બંધ, હવે આ રીતે કરી શકશો એન્ટ્રી

2026-05-23 10:53:00
Author: Mumbai Samachar Team
થાઇલેન્ડનો મોટો નિર્ણય, ભારતીયો માટે Visa-Free Entry બંધ, હવે આ રીતે કરી શકશો એન્ટ્રી

નવી દિલ્હીઃ થાઈલેન્ડ ફરવા જવા ઈચ્છતા ભારતીયોને એક મોટો ઝટકો લાગ્યો છે. થાઈલેન્ડે એક મહત્વપૂર્ણ ફેરફાર કરીને ભારતને પોતાની વિઝા-ફ્રી એન્ટ્રી લિસ્ટ માંથી હટાવી દીધું છે. ભારતીય પ્રવાસીઓ વર્ષ 2024થી આ સુવિધાનો લાભ લઈ રહ્યા હતા, પરંતુ હવે તેમને આ સુવિધા નહીં મળે. 19 મેના રોજ થાઈ કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલા સુધારેલા વિઝા નિયમો હેઠળ, ભારત હવે થાઈલેન્ડની વિઝા-ફ્રી એન્ટ્રી વ્યવસ્થાને બદલે ‘વિઝા ઓન અરાઈવલ’ (VoA) શ્રેણીમાં આવશે.

હવે કઇ કેટેગરીમાં રખાયું ભારત

થાઈલેન્ડના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, કેબિનેટે “થાઈલેન્ડની વિઝા-ફ્રી એન્ટ્રી અને VoA (વિઝા ઓન અરાઈવલ) સ્કીમના સુધારા”ને પોતાની મંજૂરી આપી દીધી છે. સુધારેલા પગલાંઓમાં “તમામ 93 દેશો અને પ્રદેશો માટે 60 દિવસની વિઝા-ફ્રી એન્ટ્રી યોજના રદ કરવી” અને “VoAમાં સુધારો કરવો, તેમજ આ માટે પાત્ર દેશો અને પ્રદેશોની યાદી (31થી ઘટાડીને) માત્ર 4 દેશો કે પ્રદેશો સુધી મર્યાદિત કરવી” સામેલ છે.

ભારત હવે એ માત્ર ચાર દેશોમાંથી એક છે જેને આ સુધારેલી VoA (વિઝા ઓન અરાઈવલ) શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. ભારત ઉપરાંત અઝરબૈજાન, બેલારુસ અને સર્બિયા અન્ય દેશો છે.

થાઈલેન્ડમાં આ ફેરફાર વિદેશી પ્રવાસીઓ માટે ઘણી અલગ-અલગ શ્રેણીઓ (કેટેગરી) બનાવે છે. થાઈલેન્ડ હવે 54 દેશો અને પ્રદેશોના નાગરિકોને 30 દિવસની વિઝા મુક્તિ આપશે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા), યુનાઇટેડ કિંગડમ (બ્રિટન), ઓસ્ટ્રેલિયા, જાપાન, સિંગાપોર અને ઘણા યુરોપિયન દેશો સામેલ છે. આ સિવાય સેશેલ્સ, માલદીવ અને મોરેશિયસ માટે એક અલગ 15 દિવસની વિઝા મુક્તિ શરૂ કરવામાં આવી છે. જો કે, ભારત હવે વિઝા ફ્રી દેશોની યાદીમાં નથી.

ભારતીય પ્રવાસીઓએ હવે થાઈલેન્ડ જવા માટે ‘વિઝા ઓન અરાઈવલ’ (Visa on Arrival) વ્યવસ્થા હેઠળ અરજી કરવી પડશે અથવા થાઈલેન્ડની ઈ-વિઝા (e-Visa) પ્રણાલીનો ઉપયોગ કરવો પડશે.