Tue Aug 18 2026

Logo

અમેરિકામાં 20 વર્ષના ભારતીયે 19 વર્ષની ગર્લફ્રેન્ડની હત્યા કરી, અમેરિકાથી ભાગ્યો પણ ક્યા દેશમાં ઝડપાયો ?

Arizona   2026-08-10 11:32:00
Author: Vimal Prajapati
Article Image

એરિઝોનાઃ અમેરિકાના એરિઝોના રાજ્યમાં 19 વર્ષીય ગર્લફ્રેન્ડ જુલિસા રૂબી સલાઝારની ગળું દબાવીને હત્યા કરવાના આક્ષેપ હેઠળ 20 વર્ષીય ભારતીય નાગરિક વરુણ બટચિગરીની જર્મનીમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ અનુસાર, આરોપી હત્યા કર્યા બાદ યુએસથી ભારત ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.  

રેસિડેન્સમાંથી જુલિસાનો મૃતદેહ મળી આવ્યો

એરિઝોના યુનિવર્સિટી નજીક આવેલી ટક્સન સ્થિત રેસિડેન્સમાંથી ગુરુવારે સાંજે જુલિસાનો મૃતદેહ મળી આવ્યો હતો. દીકરીનો સંપર્ક ન થતાં પરિવારે ચિંતા વ્યક્ત કરીને પોલીસને 'વેલફેર ચેક' માટે વિનંતી કરી હતી. ટક્સન પોલીસ અને ફાયર વિભાગની ટીમ જ્યારે એપાર્ટમેન્ટ પહોંચ્યા ત્યારે જુલિસા બેભાન હાલતમાં મળી આવી હતી. તેના શરીર પર ગંભીર ઈજાના નિશાનો હતા.  

તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર આરોપી વરુણ ઘટના બાદ જુલિસાનો મોબાઈલ અને ક્રેડિટ કાર્ડ લઈને ફરાર થઈ ગયો હતો. તેણે જુલિસાની માતાને છેતરવા માટે તેના ફોનથી કેટલાક મેસેજ પણ મોકલ્યા હતા. ટક્સન ઇન્ટરનેશનલ એરપોર્ટથી તેણે પહેલાં હ્યુસ્ટન અને ત્યાંથી જર્મનીના બર્લિન તરફની ફ્લાઇટ લીધી હતી.  તેનો અંતિમ હેતુ જર્મનીથી ભારત આવવાનો હતો. પરંતુ પોલીસ દ્વારા તાત્કાલિક એરેસ્ટ વોરંટ જારી કર્યું હતું. 

જર્મની લેન્ડ થતા પોલીસે વરૂણને કસ્ટડીમાં લીધો

FBI, યુએસ માર્શલ્સ અને જર્મનીની બર્લિન પોલીસના સંયુક્ત ઓપરેશન દ્વારા વરુણ જેવા જર્મની લેન્ડ થયો કે તરત જ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. હવે તેને એરિઝોના ડિપોર્ટ કરીને ફર્સ્ટ-ડિગ્રી મર્ડર અને કિડનેપિંગના આરોપો હેઠળ પિમા કાઉન્ટી એડલ્ટ ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

સંબંધોમાં વિવાદ અને ભૂતકાળમાં શારીરિક શોષણના આક્ષેપો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, જુલિસા અને વરુણ વચ્ચેનો સંબંધ તણાવપૂર્ણ હતો અને જુલિસા સંબંધ તોડવા માંગતી હતી. 5 ઓગસ્ટે જુલિસાના રૂમમાંથી જોરથી ચીસો પાડવાના અવાજો આવ્યા હતા. પરંતુ આ મામલે યુવતીએ કોઈને જાણ કરી નહોતી. વરુણ એરિઝોના યુનિવર્સિટીમાં બિઝનેસ એનાલિટિક્સનો અભ્યાસ કરતો હતો, પરંતુ ભૂતકાળમાં એક ઝઘડાના કારણે તેને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરાયો હતો. તાજેતરમાં તેની નોકરી છૂટી જવાથી તે આર્થિક તંગી અને ઇમિગ્રેશન સ્ટેટસ સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યો હતો. હવે તેને હત્યાના આરોપમાં ઝડપી લેવામાં આવ્યો છે.