છેલ્લા કેટલાક દિવસથી સતત ઘટાડા બાદ આજે ભારતીય શેર બજારે રોકાણકારોને રાહત આપી છે. આજે બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ (BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 809 પોઈન્ટના ઉછાળા સાથે 78,375 પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 252 પોઈન્ટ વધીને 24,280 પર ખુલ્યો.
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થતા વિશ્વભરના શેરબજારોમાં પોઝીટીવ વલણ જોવા મળી રહ્યું છે, જેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે.
શેરોમાં વધરો ઘટાડો:
આજે નિફ્ટી પર ટોચના ઇન્ટરગ્લોબ એવિએશન, એશિયન પેઇન્ટ્સ, શ્રીરામ ફાઇનાન્સ, અલ્રા.5ટેક સિમેન્ટ અને ટાટા સ્ટીલના ભાવમાં સૌથી વધુ વધરો નોંધાયો, જ્યારે ONGC, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સિપ્લા, કોલ ઇન્ડિયા અને ટેક મહિન્દ્રાના શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો.
શરૂઆતના કારોબારમાં ઓઈલ એન્ડ ગેસ સિવાય લગભગ તમામ સેક્ટર ગ્રીન સિગ્નલમાં જોવા મળ્યા. ઓટો, મેટલ, ફાર્માસ્યુટિકલ્સ, PSU બેંકો અને રિયલ્ટીમાં રિકવરી જોવા મળી રહી છે.
આંતરરાષ્ટ્રીય બજારો પર નજર:
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેનાં સંઘર્ષનો અંત લાવવા અંગે સંકેત આપ્યા હતાં, જેને કારણે યુએસ શેરબજારોમાં તેજી જોવા મળી હતી. સોમવારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 239.25 પોઇન્ટ (0.50 ટકા)ના વધારા સાથે 47,740.80 પર પહોંચ્યો, જ્યારે S&P 500 55.97 પોઇન્ટના વધારા સાથે 0.83 ટકાના વધારા સાથે 6,795.99 પર પહોંચ્યો. નાસ્ડેક કમ્પોઝિટ 308.27 પોઇન્ટ (1.38 ટકા)ના વધારા સાથે 22,695.95 પર બંધ થયો.
આજે મંગળવારે જાપાનના બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિક્કી 225માં 1.66 ટકાનો વધારો નોંધાયો, જ્યારે ટોપિક્સમાં 1.3 ટકાનો વધારો નોંધાયો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 6 ટકાનો વધારો નોંધાયો અને કોસ્ડેકમાં 4 ટકાનો વધારો નોંધાયો.
બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા:
ટ્રમ્પના નિવેદનને કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં પણ તોતિંગ ઘટાડો નોંધાયો, પ્રતિ બેરલ બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ 7.39 ટકા ઘટીને $91.65 પર પહોંચ્યા. યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ ફ્યુચર્સ 6.86 ટકા ઘટીને $88.27 પર પહોંચ્યો.