પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષને કારણે ભારતીય શેર બજારમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે, આજે ગુરુવારે પણ ભારતીય શેર બજારે ઘટાડા સાથે કરોબાર શરુ કર્યો. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 494 પોઈન્ટના ઘટાડા સાથે 76369 પર ખુલ્યો, નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 192 પોઈન્ટના ઘટાડા સાથે 23,674 પર ખુલ્યો.
ખુલ્યા બાદ થોડી વારમાં જ સેન્સેક્સ 1000 થી વધુ પોઈન્ટ ઘટીને 75,971 પર આવી ગયો, નિફ્ટી 280 પોઈન્ટના ઘટાડા સાથે 23580 ના સ્તરે આવી ગયો.
આજે શરૂઆતના કારોબારમાં બેંકિંગ અને એવિએશન સેકટરમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો. નિફ્ટી પર ઇન્ટરગ્લોબ એવિએશન, આઇસીઆઇસીઆઇ બેંક, એલ એન્ડ ટી અને કોટક મહિન્દ્રા બેંકના શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો, જ્યારે કોલ ઇન્ડિયાના શેરમાં મોટો વધારો નોંધાયો.
યુએસ બજારમાં મિશ્રણ વલણ:
બુધવારે યુએસ શેરબજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 289.24 પોઈન્ટ(0.61%)ના ઘટાડા સાથે 47,417.27 પર બંધ થયો, જ્યારે S&P 500 5.68 પોઈન્ટ(0.08%)ના ઘટાડા સાથે 6,775.80 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 19.03 પોઈન્ટ (0.08%)ના વધારા સાથે 22,716.14 પર બંધ થયો.
એશિયન બજારમાં ઘટાડો:
આજે ગુરુવારે સવારે એશિયન બજારો પર શરૂઆતના કારોબારમાં ઘટાડો નોંધાયો. જાપાનનાં નિક્કી 225માં 1.6% નો ઘટાડો નોંધાયો, જ્યારે ટોપિક્સમાં 1.34% નો ઘટાડો નોંધાયો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.75%નો ઘટાડો નોંધાયો.
ક્રુડ ઓઈલના વધતા ભાવને કારણે ડોલર સામે ભારતીય રૂપિયો પણ નબળો પડ્યો છે. આજે, ડોલર સામે રૂપિયો 92.33 પર પહોંચી ગયો, જે તેના સર્વકાલીન નીચલા સ્તર 92.36 ની ખૂબ નજીક છે.