Tue Oct 06 2026

Logo

સતત ત્રણ દિવસની તેજી પર લાગી રોક; સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે કડાકો

2026-03-19 10:00:00
Author: Tejas Rajpara
સતત ત્રણ દિવસની તેજી પર લાગી રોક; સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે કડાકો

મુંબઈ: ભારતીય શેરબજારમાં વિકલી એક્સપાયરીને ત્રણ દિવસની તેજી પર બ્રેક લાગી છે. બજાર ખુલતાની સાથે બજારમાં ભારે વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. વૈશ્વિક પરિબળો અને સ્થાનિક બેંકિંગ સેક્ટરના નબળા સમાચારોએ બજારનો મૂડ બગાડ્યો છે, જેને પગલે દલાલ સ્ટ્રીટમાં ચારેબાજુ વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે.

બજારમાં કડાકાના ચાર મુખ્ય કારણો
બજારમાં આ મોટા ઘટાડા પાછળ ચાર મુખ્ય પરિબળો કામ કરી રહ્યા છે. પ્રથમ, મિડલ ઈસ્ટમાં વધતા તણાવને કારણે ક્રૂડની કિંમતો વધીને $110 પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. બીજું, અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડો થવાની આશા ધૂંધળી થતા વોલ સ્ટ્રીટમાં ઘટાડો થયો હતો. ત્રીજું, અમેરિકી ડોલર ફરી મજબૂત થઈને 100ની ઉપર પહોંચતા ઉભરતા બજારો પર દબાણ વધ્યું છે. અને ચોથું સૌથી મહત્વનું કારણ, HDFC બેંકના અતરિમ ચેરમેન અતનુ ચક્રવર્તીના રાજીનામાના સમાચારે રોકાણકારોની ચિંતામાં વધારો કર્યો છે.

બેંકિંગ અને ઓટો સેક્ટરમાં ગાબડું
આજના કારોબારમાં સેન્સેક્સ 1,650 પોઈન્ટથી વધુ ગગડીને 75,000ની સપાટીએ પહોંચ્યો છે, જ્યારે નિફ્ટી પણ 500 પોઈન્ટ જેટલો તૂટીને 23,276 પર ટ્રેડ કરી રહ્યો છે. ખાસ કરીને બેંક નિફ્ટીમાં 1,400 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો છે. HDFC બેંક, ICICI બેંક અને L&T જેવા હેવીવેઈટ શેરોમાં ગાબડા પડવાને કારણે ઈન્ડેક્સ પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. નિફ્ટીના 50 માંથી 49 શેરો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે, જે બજારની નબળાઈ દર્શાવે છે.

GIFT Nifty અને એશિયન બજારોના નબળા સંકેતો
ભારતીય બજાર ખૂલતા પહેલા જ GIFT Nifty એ મોટા ઘટાડાના સંકેત આપી દીધા હતા. એશિયાના અન્ય બજારો જેવા કે જાપાન અને હોંગકોંગમાં પણ કાચા તેલના વધતા ભાવ અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થયેલા હુમલાને કારણે વેચવાલી જોવા મળી હતી. આ આંતરરાષ્ટ્રીય સેન્ટિમેન્ટની સીધી અસર ભારતીય બજાર પર પડી છે. જોકે, આ ઘટાડા વચ્ચે માત્ર કોલ ઈન્ડિયા જેવા ગણ્યાગાંઠ્યા શેરોમાં જ સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે, જ્યારે રિયલ્ટી અને FMCG સેક્ટર માંડ ફ્લેટ ટ્રેડ કરી રહ્યા છે.