Mon Oct 05 2026

Logo

શું અમેરિકાનો ડોલર ભારતની નકલ છે? જાણો 245 વર્ષ જૂનું એવું રહસ્ય જે કોઈ નથી જાણતું

2026-05-28 12:49:00
Author: Darshana Visaria
શું અમેરિકાનો ડોલર ભારતની નકલ છે? જાણો 245 વર્ષ જૂનું એવું રહસ્ય જે કોઈ નથી જાણતું

વૈશ્વિક બજારમાં જ્યારે પણ મજબૂત કરન્સીની વાત થાય છે, ત્યારે સૌથી પહેલું નામ અમેરિકન ડોલરનું આવે છે. આજે દુનિયાભરનો વેપાર ડોલરની આસપાસ ફરે છે. હાલમાં ઘરેલું શેરબજારમાં મચેલી ભારે ઉથલપાથલને કારણે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી ઝડપથી ફંડ પાછું ખેંચી રહ્યા છે, જેના દબાણમાં રૂપિયો તાજેતરમાં ઘટીને પ્રતિ ડોલર 95.70ની ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચી ગયો છે. આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં રૂપિયો સાત ટકા કરતાં વધુ તૂટ્યો છે, ત્યારે ચાલો જોઈએ અમેરિકન ડોલર કરતાં ભારતીય રૂપિયો કેટલો જૂનો છે અને તેનો ઈતિહાસ કેટલો વૈભવશાળી છે... 

પરંતુ, શું તમે જાણો છો કે ઇતિહાસના પાના પર આપણો રૂપિયો અમેરિકી ડોલર કરતાં ક્યાંય વધુ જૂનો અને ગૌરવશાળી છે? જ્યારે દુનિયામાં ડોલરનું કોઈ અસ્તિત્વ પણ નહોતું, ત્યારે ભારતનું આ ચલણ આંતરરાષ્ટ્રીય બજારોમાં પોતાની ધાક જમાવી ચૂક્યું હતું. 

ભારતીય રૂપિયાનો સત્તાવાર ઇતિહાસ 16મી સદીથી શરૂ થાય છે. વર્ષ 1540થી 1545 દરમિયાન દિલ્હીની ગદ્દી પર બેસનારા અફઘાન શાસક શેરશાહ સૂરીએ દેશની નાણાકીય વ્યવસ્થાને સુધારવા માટે એક નવો સિક્કો બહાર પાડ્યો હતો. સૂરીએ ચાંદીનો આ સિક્કો જારી કરીને તેને 'રૂપિયા' નામ આપ્યું હતું.

આ શબ્દ સંસ્કૃતના 'રૂપ્યકમ્' (रुप्यकम्) પરથી લેવામાં આવ્યો હતો, જેનો અર્થ 'ચાંદીનો સિક્કો' થાય છે. શેરશાહ સૂરી દ્વારા શરૂ કરાયેલું આ ચલણ એટલું વ્યવહારુ અને મજબૂત હતું કે તેમના પછી આવેલા મુગલ શાસકો અને ત્યારબાદ ભારતમાં આવેલી બ્રિટિશ હુકૂમતે પણ આ જ ચલણને ચાલુ રાખ્યું હતું.

અમેરિકાએ ડોલરને ક્યારે અપનાવ્યો?
જો અમેરિકી ડોલરના ઇતિહાસ પર નજર કરીએ, તો તે ભારતીય રૂપિયાની સરખામણીએ ઘણો નવો છે. અમેરિકાએ પોતાની ઓફિશિયલ કરન્સી તરીકે ડોલરને ખૂબ મોડો અપનાવ્યો હતો. અમેરિકી કોંગ્રેસે છઠ્ઠી જુલાઈ, 1785ના રોજ ઓફિશિયલી ડોલરને દેશનું રાષ્ટ્રીય ચલણ જાહેર કર્યું હતું. આ હિસાબે જોવામાં આવે તો, શેરશાહ સૂરીનો રૂપિયો અમેરિકી ડોલરના અસ્તિત્વમાં આવ્યાના અંદાજે 245 વર્ષ પહેલાં જ ભારત અને તેની આસપાસના વૈશ્વિક વેપારિક રૂટ પર મજબૂતીથી દોડી રહ્યો હતો.

ચાંદીના સિક્કાનું વજન અને તેની શુદ્ધતા
શેરશાહ સૂરીના શાસનકાળમાં જે ચાંદીનો રૂપિયો બહાર પાડવામાં આવ્યો હતો, તેનું વજન અને શુદ્ધતા ખૂબ જ ચોક્કસ રાખવામાં આવતા. આ સિક્કાનું વજન 178 ગ્રેન એટલે કે અંદાજે 11.53 ગ્રામ નક્કી કરાયું હતું, જેમાં 91.7 ટકા શુદ્ધ ચાંદી રહેતી. આ સિક્કાની બનાવટ અને વજનની વિશ્વસનીયતા એટલી વધારે હતી કે સ્થાનિક પ્રજાથી લઈને વિદેશી વેપારીઓએ પણ તેને કોઈ પણ હિચકિચાટ વિના સ્વીકારી લીધો હતો.

બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની અને રૂપિયાનું નવું સ્વરૂપ
જ્યારે ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો પ્રભાવ વધ્યો, ત્યારે તેમણે પણ રૂપિયાની લોકપ્રિયતા જોઈને તેને બંધ ન કર્યો. વર્ષ 1835માં અંગ્રેજોએ 'કોઈનેજ એક્ટ' લાગુ કરીને આખા દેશમાં એકસમાન રૂપિયાની વ્યવસ્થા શરૂ કરી. આ કાયદા પછી સિક્કાઓ પર મુગલ બાદશાહોના બદલે બ્રિટનના રાજા અને રાણીના ફોટા છાપવાના શરૂ થયા. વર્ષ 1947માં આઝાદી મળ્યા પછી, ભારતે બ્રિટિશ માળખું હટાવીને આધુનિક ભારતીય રૂપિયાને દેશનું એકમાત્ર સાર્વભૌમ ચલણ જાહેર કર્યું.

કાગળની ચલણી નોટનો ઈતિહાસ...
તમને જાણીને નવાઈ લાગશે કે સિક્કાની જેમ જ કાગળની ચલણી નોટોનો ઈતિહાસ પણ ખૂબ જ રસપ્રદ રહ્યો છે. દેશમાં પહેલી કાગળની ચલણી નોટ 18મી સદીના ઉત્તરાર્ધમાં એટલે કે વર્ષ 1770ની આસપાસ 'બેંક ઓફ હિન્દુસ્તાન' દ્વારા છાપવામાં આવી હતી. ત્યાર બાદ 'બેંક ઓફ બેંગોલ' અને 'બેંક ઓફ બોમ્બે' એ પણ પોતાની નોટો બજારમાં ઉતારી હતી. 1935માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપના થયા બાદ દેશમાં નોટો છાપવાનો અને નાણાકીય નીતિઓ સંભાળવાનો સંપૂર્ણ કાનૂની અધિકાર માત્ર અને માત્ર આરબીઆઈને સોંપવામાં આવ્યો હતો. 

ભલે આજે આંતરરાષ્ટ્રીય બજારના સમીકરણોને કારણે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળી રહ્યો હોય, પરંતુ સદીઓ પુરાણો ઇતિહાસ સાક્ષી છે કે ભારતીય રૂપિયો હંમેશાં વૈશ્વિક અર્થતંત્રનો એક મજબૂત સ્તંભ રહ્યો છે.