નવી દિલ્હીઃ ઈન્ડિયન એરફોર્સની શક્તિમાં નોંધપાત્ર વધારો થવાનો છે. ભારે વજન, વધારે ઊંચાઈ અને દરેક કપરા હવામાનમાં કામ આવી શકે એવા હેવી વેઈટ હેલિકોપ્ટરની વિશાળ રેન્જમાં વધારો થવાનો છે. 20 ટન વજન ઊઠાવી શકે એટલી ક્ષમતાવાળા નવા હેવી લિફ્ટ હેલીકોપ્ટર માટે RFI (રિક્વેસ્ટ ફોર ઈન્ફર્મેશન) જાહેર કરી દેવામાં આવી છે. આ કેટેગરીના ત્રણ હેલિકોપ્ટર ડ્રાય લિઝ મોડેલ પર લેવા માટેની યોજના બનાવી છે, જે બોર્ડરની આસપાસના વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારો, આફત અને સૈન્ય ઑપરેશનમાં અવશ્ય કામ આવી શકે છે.
વાયુસેના શક્તિમાં વધારો
ભારતીય વાયુ સેનામાં હેવી લિફ્ટ હેલિકોપ્ટરની જરૂરિયાત ઊભી થઈ છે. આ ટાઈપના હેલિકોપ્ટર માટે વાયુ સેનાએ એક યોજના પણ તૈયાર કરી રાખી છે. હાલમાં જે પ્રકારના ઑપરેશન છે એ ધ્યાને લેતા જે જરૂરિયાત ઊભી થઈ છે એને લઈ વાયુસેના પોતાની શક્તિમાં વધારો કરવાની તૈયારીમાં છે. આ એવા હેલિકોપ્ટર છે જે વધારે વજન ઊઠાવી શકે છે. વિષમ હવામાનની સ્થિતિમાં ફ્લાઈ કરી શકે છે, 'સ્ટે' કરી શકે છે અને ઓછામાં ઓછા સમયમાં જે તે ઑપરેશન માટે તૈયાર થઈ શકે છે. પ્રથમ તબક્કામાં એર ફોર્સમાં ત્રણ હેલિકોપ્ટરની ખરીદી કરાશે.
હેલિકોપ્ટર લીઝમાં લેવામાં આવશે
બે વર્ષ માટે આ હેલિકોપ્ટર લીઝમાં લેવામાં આવશે. એ પછી ખરીદીનો વિકલ્પ ખૂલશે. વાયુસેના આ હેલિકોપ્ટરને ડ્રાયલીઝ મોડલ પર લેવા માગે છે. ડ્રાયલીઝમાં હેલિકોપ્ટર વેન્ડર પાસેથી લેવામાં આવે છે પણ ફ્લાઈટ અને ઑપરેટની સંપૂર્ણ જવાબદારી વાયુસેનાની હોય છે.આનાથી ઊલટું વેટ લીઝમાં કંપનીનો સપોર્ટ પણ મળી રહે છે,જેનાથી હેલિકોપ્ટર ઝડપથી મળી જાય છે. ઈન્ડિયન એરફોર્સને જે હેલિકોપ્ટરની જરૂર છે એ 20 ટન વજન ઊંચકી શકે એવું હોવું જોઈએ. આનાથી ફાયદો એ થશે કે, મોટી સંખ્યામાં ભારે હથિયાર અને વાહનોને લઈ જવામાં સરળતા રહેશે.
આટલી સિસ્ટમ હોવી અનિવાર્ય
હેલિકોપ્ટરની ન્યૂનત્તમ ગતિ 230 કિમી/કલાક હોવી જોઈએ અને સાથે 5500 મીટરથી વધારેની ઊંચાઈ પર સરળતાથી ફ્લાઈ કરી શકે એવું હોવું જોઈએ. આ સિવાય હિમાલય તથા પહાડી વિસ્તારમાં અસરકાર રીતે ઑપરેશન પાર પાડવા માટે સક્ષમ હોવું જોઈએ, જેમાં 45 સૈનિક સરળતાથી બેસી શકે અથવા 20 ઈજાગ્રસ્ત જવાનને લઈ જવા-આવવાની ક્ષમતા હોવી જોઈએ. કોઈ પણ વિષમ હવામાનની સ્થિતિ હોય તો પણ તે ફ્લાઈ કરી શકે, આ સાથે લો વિઝિબિલિટીની સ્થિતિમાં પણ તે ઑપરેશન પાર પાડવા સક્ષમ હોવું જોઈએ. સુરક્ષાના દ્રષ્ટિકોણથી હેલિકોપ્ટરમાં રડાર વોર્નિંગ સિસ્ટમ તથા મિસાઈલ એપ્રોચ વોર્નિંગ સિસ્ટમ હોવી જોઈએ.
હેવી લિફ્ટિંગ હોવું જરૂરી
દુશ્મન ઘા કરે એ પહેલા વોર્નિંગ કે એલર્ટ મળી જવું જોઈએ. આ ઉપરાંત કાઉન્ટર મેજર ડિસ્પેંસિંગ સિસ્ટમ લગાવેલી હોવી જોઈએ જે હુમલાથી બચાવવામાં મદદરૂપ થાય. આ ઉપરાંત સમગ્ર હેલિકોપ્ટપરમાં એડવાન્સ ઈલેક્ટ્રોનિક વૉરફેર સિસ્ટમ હોવી અનિવાર્ય છે. હેલિકોપ્ટર અંદર અને બાહર એમ બન્ને સાઈડ લોડ વહન કરવા માટે સક્ષમ હોવું જોઈએ. 10 ટન વજન બાહર લટકાવીએ તો પણ મુશ્કેલી ન ઊભી થાય. દર મહિને આવા હેલિકોપ્ટરના ફ્લાય અવર્સ નક્કી થશે. ડીલ ફાઈનલ થયાના 3થી 6 મહિનામાં ડિલેવરી થશે. આનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે, વાયુસેનાને આ હેલિકોપ્ટરની તાતી જરૂરિયાત છે.
જૂના હેલિકોપ્ટરને રીપ્લેસ કરાશે
ઈન્ડિયન એરફોર્સના જૂના હેલિકોપ્ટર્સ હવે સીમિત થઈ રહ્યા છે. નવી ઑપરેશનલ જરૂરિયાતથી વધારે હવે તાકાત અને વધારે પ્લેટફોર્મ પૂરુ પાડે એ જરૂરિયાતની પ્રાથમિકતા છે. એટલા માટે જ 20 ટન વજન ધરાવતા હેલિકોપ્ટરની માંગ વધી છે. બે મુખ્ય હેલિકોપ્ટરના નામો દોડમાં છે, બોઇંગ CH-47 ચિનૂક અને Mi-26. Mi-26 અગાઉ ભારતમાં ઑપરેશનમાં આવી ચૂક્યું છે.
કંપનીઓનો પણ સપોર્ટ મળશે
બીજી બાજુ, ચિનૂકને ખૂબ જ વિશ્વસનીય માનવામાં આવે છે અને આધુનિક ઓપરેશનલ ધોરણોને પૂર્ણ કરે છે. કંપનીઓ વાયુસેનાને તેમના પ્રસ્તાવો સબમિટ કરશે. ત્યારબાદ, દરખાસ્ત માટે વિનંતી (RFP) જારી કરવામાં આવશે. પછી કયું હેલિકોપ્ટર પસંદ કરવું તે અંગે નિર્ણય લેવામાં આવશે. વાયુસેના પાસે પહેલાથી જ ભારે-લિફ્ટ હેલિકોપ્ટરનો કાફલો છે, પરંતુ વધતી જતી કામગીરીની જરૂરિયાતોને કારણે આવા નવા વિમાનોની જરૂરિયાત ઘણા સમયથી અનુભવાઈ રહી છે.